આસારામ ઉર્ફે આસુમલ થાવુમલે દારૂ અને ચા વેચવાથી માંડી સાઇકલ રિપેરિંગનો ધંધો કર્યાનું કહેવાય છે. લક્ષ્મીદેવી સાથેના લગ્નજીવનથી એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો. એક સમયે નબળી આર્થિક હાલત ધરાવતા આસારામે ‘સંત’ બનતા જ એક પછી એક આશ્રમો ઊભા કરી દીધા હતા. ગુરુપુર્ણિમાના દિવસે લોકો દર્શને આવતા અને જે દક્ષિણા મુકતા તેનું આસારામે રિઅલ એસ્ટેટમાં રોકાણ કરી સામ્રાજય ઊભું કર્યું હતું. આસારામની સંપતિની એક ઝલક.
• પ્રાથમિક અંદાજ મુજબ આસારામ પાસે ૧૦ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે.
• આસારામના ૪૦૦ ટ્રસ્ટ છે, અંદાજે ચાર કરોડ કરતા વધારે અનુયાયીઓ છે.
• દેશ-વિદેશમાં ૧૧,૦૦૦ યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા ફાળો ઉઘરાવાતો હતો.
• ૨૦૧૬માં આવકવેરા વિભાગની તપાસમાં તેની રૂ. ૨૩૦૦ કરોડથી વધુની અઘોષિત સંપત્તિ મળી હતી.
• આવક-માલમિલકતના વિવિધ દસ્તાવેજો તપાસી આવકવેરા વિભાગે રૂ. ૩૮૦૦ કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ ફટકારી છે.
• બે મુખ્ય ટ્રસ્ટ સંત શ્રી આસારામ આશ્રમ ટ્રસ્ટ અન સંત શ્રી આસારામજી મહિલા ઉત્થાન ટ્રસ્ટ અમદાવાદથી ચલાવાય છે.
• નાણાં ભેગાં કરવાનો સૌથી સરળ ઉપાય સત્સંગ-પ્રવચનનો હતો. આ માટે લગભગ ૫૦ જેટલા આયોજિત સત્સંગ થતા હતા.
• બે-ત્રણ દિવસના પ્રવચન વેળા સંસ્થામાં બનતા અગરબત્તી, તેલ, સાબુ જેવા ઉત્પાદન વેચી એક કરોડ રૂપિયા ભેગા થતા હતા.
• વર્ષમાં ત્રણ-ચાર ગુરૂપૂર્ણિમા કાર્યક્રમ થતા હતા. ગુરુપૂજનના નામે ભંડોળ ભેગું થતું.
• દર વરસે ૧૦થી ૨૦ ભંડારા કરાતા હતા, આ માટે ૧૫૦ કરોડથી ૨૦૦ કરોડ રૂપિયા સુધીનો ફાળો ઉઘરાવાતો હતો. આની સામે ભોજન બનાવવાનો અને વપરાતી રકમનો આંકડો નજીવો રહેતો હતો.
• બેનામી જમીન-જાયદાદના સોદા અને આર્થિક લેવડદેવડ રૂ. ૨૨૦૦ કરોડથી વધુ.
• શ્રદ્ધાળુઓએ આપેલા ફાળા અને આશ્રમ દ્વારા પચાવી પડાયેલી જમીન પર ખેતી દ્વારા પણ આશ્રમના ખજાનામાં જંગી આવક.
• મોટા ભાગની પ્રોપર્ટી ગેરકાયદે છે. ખોટા દસ્તાવેજોથી ભક્તોને ભોળવીને અને ગેરકાયદે દબાણ કરીને જમીન મેળવી છે.
• ૫૦૦થી વધુ લોકોને ઊંચા વ્યાજે ગુરૂ. ૧,૬૩૫ કરોડની રોકડ લોન અપાઈ છે.
• અમેરિકન કંપની સોહમ ઇન્ક અને કોસ્ટાસ ઇન્કમાં ૧૫૬ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું.
• વર્ષ ૨૦૧૩ સુધી આશ્રમ દ્વારા પ્રકાશિત થતાં બે સામયિકો ‘ઋષિપ્રસાદ’ અને ‘લોકકલ્યાણ સેતુ’ની મહિને ૧૪ લાખ કોપી વેચાતી હતી. જેમાં વર્ષે રૂ. ૧૦ કરોડની આવક થતી હતી.


