વડોદરાઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગર્વનર રઘુરામ રાજનના અનુગામી તરીકે નીમાયેલા ડો. ઊર્જિત પટેલ ૨૪મા ગર્વનર તરીકે કાર્યભાર સંભાળશે. આ પહેલા ૧૪મા ગર્વનર તરીકે ચરોતરના આણંદના ડો. આઇ. જી. પટેલ આ પદ પર રહી ચૂક્યા છે અને તેના અનુગામી તરીકે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની નિયુક્તિ થઇ હતી.
ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઇ પટેલે (આઇ. જી. પટેલ) ૧ ડિસેમ્બર ૧૯૭૭ થી ૧૫ સપ્ટેમ્બર ૧૯૮૨ દરમિયાન આરબીઆઇના ગર્વનર હતાં. તેઓએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાંથી અભ્યાસ કર્યો હતો અને આઇએએસ થયા બાદ ફાયનાન્સ મિનિસ્ટ્રીમાં સેક્રેટરી તરીકે પદભાર સંભાળ્યો હતો. આ પછી તેમની નિમણૂક યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર તરીકે થઇ હતી.
આરબીઆઇના ગવર્નર તરીકે નિવૃત થયા બાદ તેઓ અમદાવાદ આઇઆઇએમમાં ડિરેક્ટર તરીકે જોડાયા હતા. બે વર્ષ બાદ તેઓ ૧૯૮૪માં લંડન જતા રહ્યા હતા, જ્યાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ડિરેક્ટર તરીકે જોડાયા હતાં. ત્યાંથી તેઓ પુન: વડોદરા આવ્યા હતાં અને થોડો સમય એમ.એસ. યુનિવર્સિટીમાં શિક્ષણ આપ્યું હતું. આ દરમિયાન તત્કાલિન વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવે તેઓને ફાઇનાન્સ મિનિસ્ટર બનવા માટે ઓફર આપી હતી. જોકે આઇ. જી. પટેલે આ ઓફર નકારી દીધી હતી. ૧૯૯૧માં તેઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતાં.
નવનિયુક્ત ગવર્નર ડો. ઊર્જિત પટેલ આઇ. જી. પટેલને ખુબ સન્માન આપતા હતા અને પોતાના ગુરુસમાન ગણતા હતાં. તેઓ આઇ. જી. પટેલને મળવા માટે ઘણી વખત વડોદરા આવતા હતાં. મહત્વપૂર્ણ વાત એ છે કે આરબીઆઇના ગવર્નર પદ સુધી માત્ર બે ગુજરાતીઓ જ પહોંચી શક્યા છે, જેમાં એક આઇ. જી. પટેલ હતા અને બીજા ડો. ઊર્જિત પટેલ છે અને આ બન્ને અર્થશાસ્ત્રીઓ પાટીદાર છે.


