ઈન્ટરનેશનલ કોન્સર્ટિયમ ઓફ ઇન્વેસ્ટીગેટિવ જર્નલિઝમ(આઇસીઆઇજે) અને ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલા પેરેડાઇસ પેપર કાંડમાં એપલબીના દિલીપ મહેતા અને ભત્રીજા રસેલ મહેતાનું નામ ખૂલ્યું છે. સરકારે મેળવેલી કાળા નાણાંની યાદી હોય કે આઇસીઆઇજે અને ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલા લિન્ચેસ્ટાઇન, બ્રિટિશ વર્જિન આઇલેન્ડસ, એચએસબીસી જિનિવા અને પનામા પેપર્સ, બધામાં આ ભારતીય વેપારી પરિવારનું નામ સંડોવાયેલું હોય છે.
વિગતો એવી બહાર આવી છે કે દિલીપ મહેતાના પિતા અરુણ મહેતાએ એન્ટવર્પમાં રોઝી બ્લ્યુ કંપની શરૂ કરવા માટે ત્રણ ભાઇમાં સૌથી નાના દિલીપ મહેતાની પસંદગી કરી હતી. દિલીપ મહેતા બેલ્જિયમ અને દુબઇ વચ્ચે તેમનો સમય વિભાજિત કરે છે.
રેકોર્ડ દર્શાવે છે કે રોઝી બ્લ્યુએ તેમની એક ઓફશોર કંપનીને ધ્યાનમાં લઈને કરેલી બેન્ક છેતરપિંડીનો કેસ પતાવવા માટે એપલબીનો સહારો લીધો હતો. રોઝી બ્લ્યુએ સપ્ટેમ્બર ૨૦૧૦માં આઉટ ઓફ કોર્ટ પતાવટ કરી ૧૩ મિલિયન ડોલરની ચૂકવણી કરવાની ખાતરી આપી હતી.
રોઝી બ્લ્યુએ બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં રચવામાં આવેલી રેડ ઓક ઓપરેશન્સ લિ. અને તેના દ્વારા સિંગાપોરની યુબીએસ બેન્કમાં ચલાવાતા ખાતામાં ગોટાળા કર્યાં હતાં. એપલબીના રેકોર્ડ અનુસાર યુબીએસના સિનિયર કર્મચારી કાલે જગદીશ પુરુષોત્તમ દ્વારા આ ખાતામાંથી ગેરકાયદે ટ્રાન્સફર કરાતા ખાતામાં નુક્સાન થયું હતું. છેલ્લી કાનૂની પતાવટમાં જણાવ્યું હતું કે જગદીશે સ્વીકાર્યું હતું કે તેણે ૨૦૦૭ અને ૨૦૦૯માં અમુક સોદા કર્યાં હતાં જેમાં ગ્રાહકને ૧૪ મિલિયન ડોલરની ખોટ ગઈ હતી. યુબીએસના કર્મચારીએ ૨૦૧૦ અને ૨૦૧૧માં ૧૪ મિલિયન ડોલર કરતાં ૭૪૬૮ ડોલર વધારે રકમ ભરવાની હતી. જગદીશ કાલે અને દિલીપ મહેતાના બીજા કાનૂની વિવાદમાં રેડ ઓક સાથે દિલીપ મહેતાનું નામ બચાવકાર તરીકે છે જ્યારે દાવો કરનાર બાર્કલે બેન્ક છે. આ કેસમાં ર્વિજન આઇલેન્ડમાં આવેલી ઇસ્ટર્ન કેરેબિયન કોર્ટના આદેશ અનુસાર જગદીશ પર ૨૦૧૦માં કરાયેલી બેન્ક ટ્રાન્સફરમાં અમુક દસ્તાવેજોમાં બનાવટ કરાઈ હોવાનો આરોપ મુકાયો હતો. કાલેના કોન્ટ્કટ પરસન તરીકે રસેલ મહેતા હતા કેમ કે દિલીપ મહેતા તો દુબઇ અને બેલ્જિયમમાં હોવાથી રસેલ મહેતા સાથે વાત કરવાનું કાલેને સુગમ હતું. રેકોર્ડમાં જણાવ્યા મુજબ બાર્કલે બેન્ક દ્વારા બે અન્ય કંપનીઓ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટસ ઓવરસિઝ લિ. અને સ્ટાર બ્લ્યુ ઇન્વેસ્ટમેન્ટસ ઇન્ટરનેશનલ લિ.માં રેમિટન્સ ચૂકવવામાં આવ્યું હતું.
દિલીપ મહેતાનો જવાબ
હું ભારતીય નાગરિક નથી અને છેલ્લા ૪૫ વર્ષથી નોન રેસિડેન્ટ છું. રેડ ઓક ઓપરેશન્સ લિ. એ નોન ઇન્ડિયન કંપની છે. આ બધી મારી ખાનગી અને અંગત બાબતો છે. તમે ક્યા દસ્તાવેજો અને માહિતીની વાત કરો છો તેની મને જાણ નથી અને તેની વિશ્વસનીયતા પર કોઇ ટિપ્પણી કરી શકું નહીં. એપલબી સાથેનો સંદેશાવ્યવહાર કલાયન્ટ એટર્ની પ્રિવેલેઝ હેઠળ સુરક્ષિત છે. મેં અને રેડ ઓક ઓપરેશન્સે એપલબીની સેવાઓ લીધી હતી. આ મામલો પૂરો થઈ ગયો હોવાથી તે ગુપ્તતા અને જાહેર ન કરવાના કરાર સુરક્ષિત છે.


