બાપુના ચીંધેલા માર્ગે ચાલવું એ આપણું કર્તવ્ય છેઃ મોદી

Wednesday 09th October 2019 13:34 EDT
 
 

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના દિવસે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઇને બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડા પ્રધાને મગન નિવાસ કે જ્યાં આખા દેશમાંથી એકત્ર કરાયેલા ૨૮ જેટલા વિવિધ પ્રકારના ચરખાનું પ્રદર્શન કરાયું હતું તે ચરખા ગેલેરી નિહાળી હતી. ત્યાર બાદ મગન નિવાસની પાછળના ભાગે અહિંસાની કેળવણી સહિતના મુદ્દાઓના પ્રદર્શન સાથે ઊભેલા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
બાદમાં હદયકુંજ કે જે મહાત્મા ગાંધીજીનું નિવાસ્થાન છે ત્યા ગયા હતા અને બાપુની તસવીરને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. બાદમાં આશ્રમની વિઝિટર બુકમાં વડા પ્રધાને સંદેશો લખ્યો હતો.

‘મારું જીવન એ જ મારો સંદેશ’

સાબરમતી આશ્રમ દ્વારા મહાત્મા ગાંધીજીના જીવન પર ‘મારું જીવન એ જ મારો સંદેશ’ નામે પુસ્તક તૈયાર કરાયું છે. જેનું આશ્રમની મુલાકાત દરમિયાન વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ એક જ પુસ્તકમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ કુલ ત્રણ ભાષામાં વાચનસામગ્રી રજૂ કરાઇ છે. આ પ્રસંગે આશ્રમના સંચાલકોએ વડા પ્રધાન મોદીને એક પત્રની ફોટો ફ્રેમ ગિફ્ટ કરી હતી ગુજરાતની એક શાળાના વિદ્યાર્થીએ અહિંસા અને સ્વચ્છતા મુદ્દાને કેન્દ્રમાં રાખી પૂજ્ય બાપુને ઉદ્દેશી પત્ર લખ્યો હતો. રાજ્યમાંથી આવા ૨૦ હજાર જેટલા પત્રો બાળકોએ મહાત્મા ગાંધીને ઉદ્દેશીને લખ્યા હતા.

ગાંધી આશ્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ

સાબરમતી આશ્રમ સંકલ્પથી સિદ્ધિનું તીર્થ છે. પૂજ્ય બાપુએ અહીં સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય, ત્યાં સુધી તેઓ આશ્રમમાં પાછા ફરશે નહીં, આશ્રમે આ સંકલ્પને સિદ્ધ થતાં જોયો છે. આજે મને આ વાતનો સંતોષ છે કે, ગાંધીજીની ૧૫૦મી જયંતીના પ્રસંગે, તેઓના સ્વપ્નો પૈકીના એક સ્વચ્છ ભારતની સિદ્ધિનો સાક્ષી પણ આ આશ્રમ બની રહ્યો છે. હું મારી જાતને સૌભાગ્યશાળી સમજું છું કે, ખુલ્લામાં શૌચમુક્ત ભારતનો સંકલ્પ પરિપૂર્ણ થવાના પ્રસંગે હું અહીં મોજૂદ છું. સ્વતંત્રતા આંદોલનમાં બાપુની પાછળ ચાલવાનો અવસર ભલે આપણને ના મળ્યો હોય, પરંતુ તેઓના ચીંધેલા માર્ગે ચાલવું એ આપણું કર્તવ્ય છે. તેઓએ દેશને જનભાગીદારીનો જે મંત્ર આપેલ હતો તે દેશના ખૂણે ખૂણે પહોંચી ગયેલ છે. જનભાગીદારીની આ શક્તિએ આપણને ઝડપથી અસાધ્ય લક્ષ્યો પામવા માટેના અચૂક ઉપાયો આપેલા છે. આપણું પ્રત્યેક ડગલું બાપુના રસ્તે ચાલે, આપણે તેઓના જોયેલા સ્વપ્નોને જીવી શકીએ, એને પૂરા કરી શકીએ, આપણી નાની-નાની શક્તિઓ દેશના મહાન સંકલ્પોનું સામર્થ્ય બને, આપણા વિચારોમાં દેશ હોય, દેશ હિત હોય અને એ જ આપણને અનંતકાળ સુધી દિશાનિર્દેશ કરે, એ જ આશા અને વિશ્વાસ સાથે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter