બાલકૃષ્ણ દોશીને મરણોત્તર પદ્મવિભૂષણઃ તેલંગણના કમલેશ ડી. પટેલને પદ્મભૂષણ

Wednesday 01st February 2023 04:44 EST
 
 

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ વર્ષ 2023 માટે 106 પદ્મ પુરસ્કાર જાહેર કર્યા છે. જેમાં 6 પદ્મવિભૂષણ, 9 પદ્મભૂષણ અને 91 પદ્મશ્રી સામેલ છે. સન્માનિત મહાનુભાવોમાં 10 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમાં જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને મરણોતર પદ્મવિભૂષણ જ્યારે તેલંગણના મૂળ ગુજરાતી કમલેશ ડી. પટેલની પદ્મભૂષણ સન્માન માટે પસંદગી થઇ છે. કમલેશ ડી. પટેલ આધ્યાત્મિક નેતા, લેખક અને આધ્યાત્મિક અભ્યાસની સહજ માર્ગ પ્રણાલીમાં રાજાયોગ માસ્ટર્સ છે. બાલકૃષ્ણ દોશી ઉપરાંત સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવને પણ મરણોત્તર પદ્મવિભૂષણ જાહેર થયો છે. પદ્મપુરસ્કાર વિજેતામાં 19 મહિલા છે. આ યાદીમાં વિદેશીઓ, એનઆરઆઈ, પીઆઈઓ, ઓસીઆઈની શ્રેણીના બે વ્યક્તિ અને સાતને મરણોત્તર પુરસ્કાર અપાયા છે.
ગુજરાતમાં ગીરના જંગલ વિસ્તારમાં સીદી જાતિના 62 વર્ષીય હીરાબાઈ લોબીને મહિલા સશક્તિકરણ, સીદી જાતિમાં સ્વનિર્ભરતા ઉપરાંત બાળકોમાં શિક્ષણકાર્યની પ્રશંસનીય કામગીરી બદલ જ્યારે 54 વર્ષીય પરેશ રાઠવાને પિઠોરા ચિત્રકલાને જીવંત રાખવા બદલ સન્માન મળ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં 400 વર્ષ જૂની ચિત્રકલાને જીવંત રાખનાર 66 વર્ષીય ભાનુભાઈ ચિતારા, જાણીતા ભજનિક – લોકગાયક હેમંત ચૌહાણ, વિખ્યાત પપેટ આર્ટિસ્ટ મહીપત કવિ, વેટરનરી પબ્લિક હેલ્થ ક્ષેત્રના પ્રો. મહેન્દ્ર પાલની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થઇ છે.
પદ્મ પુરસ્કારો મેળવનારી હસ્તીઓમાં સંગીતકાર ઝાકિર હુસૈન, સ્વ. દિલીપ મહાલનોબિસ, એસ.એમ. કૃષ્ણા, શ્રીનિવાસ વર્ધાનને પદ્મવિભૂષણ વડે સન્માનિત કરાશે. પદ્મભૂષણ માટે પસંદ કરાયેલા નામોમાં એસ.એલ. ભયરપ્પા, કુમાર મંગલમ્ બિરલા, દીપક ધર, વાણી જયરામ, સ્વામી ચિન્ના જીયર, ગાયિકા સુમન કલ્યાણપુર, કપિલ કપૂર, સમાજસેવક-લેખિકા સુધા મૂર્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાકેશ ઝુનઝુનવાલાને મરણોપરાંત, RRR ફિલ્મના સંગીતકાર એમ.એમ. કીરાવાની, અભિનેત્રી રવિના ટંડન પણ 91 પદ્મશ્રી પુરસ્કાર મેળવનારામાં સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter