ભાસ્કર જૂથ પર દરોડાઃ રૂ. ૭૦૦ કરોડની કરચોરી ઝડપાઇ

Tuesday 27th July 2021 09:06 EDT
 
 

નવી દિલ્હીઃ ઈન્કમટેક્સ વિભાગે વીતેલા સપ્તાહે નવથી વધુ શહેરોમાં ભાસ્કર જૂથના પરિસરો પર પાડેલા દરોડામાં રૂ. ૨,૨૦૦ કરોડના બેનામી સોદા મળી આવ્યા હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી)એ જણાવ્યું છે. તેણે ઉમેર્યું કે, આવકવેરા વિભાગે ૨૨ જુલાઈએ ભોપાલ, ઈન્દોર, દિલ્હી, અમદાવાદ, નોઈડા સહિત નવ શહેરોમાં ભાસ્કર જૂથની ઓફિસો, રહેણાંક પરીસરો પર દરોડા પાડયા હતા. આ સંદર્ભમાં વધુ તપાસ ચાલુ છે. દરોડામાં વ્યાપક પ્રમાણમાં મળેલા દસ્તાવેજોની ચકાસણી થઈ રહી છે.
સીબીડીટીએ ૨૪ જુલાઇએ જાહેર કરેલા નિવેદનમાં જૂથનું નામ જાહેર કર્યું નહોતું, પરંતુ સત્તાવાર સૂત્રોએ ભાસ્કર જૂથ પર દરોડા પાડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. વાર્ષિક રૂ. ૬,૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતું આ મીડિયા જૂથ મીડિયા, પાવર, ટેક્સટાઈલ્સ અને રીયલ એસ્ટેટ સહિત વિવિધ સેક્ટર્સમાં ફેલાયેલું છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે, મુંબઈ, અમદાવાદ, દિલ્હી, ભોપાલ, ઈન્દોર, નોઈડા સહિત નવ શહેરોમાં ભાસ્કર જૂથના ૨૦ રહેણાંક અને ૧૨ વ્યાપારિક સંસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
સીબીડીટીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે મીડિયા જૂથ હોલ્ડીંગ અને સબસિડીયરી સહિત ૧૦૦થી વધુ કંપનીઓ ધરાવે છે. તપાસ દરમિયાન જણાયું છે કે જૂથ કર્મચારીઓના નામે ચાલતી બનાવટી કંપનીઓનો ઉપયોગ નાણાંની હેરાફેરી સહિત અનેક હેતુઓ માટે તેમજ લિસ્ટેડ કંપનીઓમાંથી નફાને અન્યત્ર ડાયવર્ટ કરવા, ભંડોળની હેરાફેરી માટે કરતું હતું. ખોટા ખર્ચાઓ, મેનપાવર, પરિવહન, લોજિસ્ટિક્સ અને સિવિલ વર્કસ તથા બનાવટી સોદાઓ સ્વરૂપે દર્શાવાયા હતા. આ મોડસ ઓપરેન્ડના ઉપયોગથી છ વર્ષમાં અંદાજે રૂ. ૭૦૦ કરોડની કરચોરી કરવામાં આવી છે. જોકે, કરચોરીનું પ્રમાણ વધી પણ શકે છે કારણ કે ગ્રૂપે અનેક સ્તરનો ઉપયોગ કર્યો છે અને નાણાંની હેરાફેરીની સંપૂર્ણ તપાસ ચાલુ છે.
સંસદમાં પણ પડઘો
કરચોરી અને મની લોન્ડરિંગની આશંકાને પગલે આવકવેરા વિભાગે એક મોટી કાર્યવાહી અંતર્ગત મીડિયા સમૂહ દૈનિક ભાસ્કર જૂથની દેશભરમાં વિવિધ સ્થળોએ આવેલી ઓફિસો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ભાસ્કર જૂથ પર કરાયેલી આ કાર્યવાહીનો પડઘો સંસદમાં પણ પડ્યો હતો. કોંગ્રેસ, એનસીપી અને ડાબેરીઓ સહિતના વિરોધ પક્ષોએ સરકાર પર વાણી સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનો અને બદલાની ભાવનાથી કાર્યવાહી કરવાનો આક્ષેપ કરી સંસદમાં હોબાળો મચાવ્યો હતો. જોકે સરકારે આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે તપાસ સંસ્થાઓ તેમનું કામ કરી રહી છે, જેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી.
ઈન્કમટેક્સ વિભાગે ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે ઈન્કમટેક્સ વિભાગના પ્રોટોકોલ અનુસાર કરચોરીને લગતાં ફાયનાન્સિયલ ટ્રાન્ઝેક્શન્સ અંગે તપાસ ચાલી રહી છે, પરંતુ તંત્રી વિભાગની કામગીરીમાં ઈન્કમટેક્સ દ્વારા કોઈ હસ્તક્ષેપ કરાયો નથી. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે લોકોએ કોઈ પણ બાબતની પૂરતી માહિતી મેળવવી જોઈએ. કોઈ પણ ઘટનાની અધૂરી જાણકારીથી સત્યથી વિપરીત અનેક મુદ્દાઓ ઉભાં થાય છે.
જૂથના ૩૨ સ્થળે દરોડા
સત્તાવાર સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે ભાસ્કર સમૂહના અમદાવાદ, મુંબઈ, દિલ્હી, ભોપાલ, ઈન્દોર, જયપુર, કોરબા તથા નોઈડા સ્થિત કુલ ૩૨ રેસિડેન્શિયલ અને ઓફિસ સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભાસ્કર જૂથ મીડિયા ઉપરાંત પાવર, ટેક્સટાઈલ્સ તથા રિઅલ એસ્ટેટ સહિતના વિવિધ ક્ષેત્રોમાં હાજરી ધરાવે છે. જૂથનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૬,૦૦૦ કરોડથી વધુ છે. આ તપાસ ઈન્કમટેક્સ એક્ટની કલમ ૧૩૨ હેઠળ હાથ ધરાઈ હોવાનું જણાવતાં સૂત્રોએ ઉમેર્યું હતું કે વિભાગીય ડેટાબેઝના વિષ્લેષણના આધારે આ સર્ચ કરાઈ હતી. એક અહેવાલ અનુસાર, બહુચર્ચિત પનામા પેપર તથા પેરેડાઈઝ પેપર લીક કેસમાં ભાસ્કર પરિવારના સભ્યોના નામ હતાં અને સુમાહિતગાર સૂત્રોના જણાવ્યાં અનુસાર ૧૦૦થી વધુ કંપનીઓ કર્મચારીઓ તથા ડિરેકટર્સના નામ પર બનાવવામાં આવી હતી અને તેઓ દ્વારા થયેલાં કેટલાંક આર્થિક વ્યવહાર મોરેશિયસ અને કેયમેન આઈલેન્ડ જેવા ટેક્સ હેવન સાથે થયા હોવાની આશંકાના પગલે સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઉપરાંત મની લોન્ડરિંગ અંગે તપાસ કરવા એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી)ને સૂચના અપાઈ છે.
ટીવી ચેનલ સામે તપાસ
આવકવેરા વિભાગ દ્વારા ૨૨ જુલાઇએ જ ઉત્તર પ્રદેશના લખનૌ સ્થિત ભારત સમાચાર નામની સમાચાર ચેનલ અને તેના પ્રમોટર્સના ઘર અને ઓફિસે પણ સર્ચની કામગીરી હાથ ધરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter