વોશિંગ્ટન / નવી દિલ્હી: અમદાવાદમાં ગત 12 જૂને સર્જાયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાનું કારણ શોધવા તપાસકર્તાઓ મથી રહ્યા છે ત્યારે અમેરિકી અખબાર ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના એક રિપોર્ટમાં પ્લેને ઉડાન ભર્યાની થોડી પળોમાં જ બન્ને એન્જિન એકસાથે ફેલ થવાને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના મતે ભેળસેળયુક્ત ફ્યુલ કે ટેકઓફ પહેલાં ખોટા ફ્લાઈટ પેરામીટર આપવાને કારણે બંને એન્જિન સાથે ફેલ થયા હોઈ શકે છે. સવાલ એ છે કે આ કારણથી બંને એન્જિન એકસાથે ફેલ થયા હોય તો તે માટે ચેડાં કારણભૂત હોઇ શકે? અગાઉ ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટમાં પણ આવી જ આશંકા વ્યક્ત કરાઇ હતી.
અહેવાલમાં જણાવાયું છે કે એર ઇન્ડિયાના પાઇલટ્સે કરેલી ફ્લાઈટ સિમ્યુલેટર તપાસમાં પણ એવું જ જાણવા મળ્યું છે કે વિમાનના બન્ને એન્જિન ફેલ થઈ જવાને કારણે પ્લેન ક્રેશ થયું હોય તેવું બની શકે. ફ્લાઇટ સિમ્યુલેટરમાં પ્લેનની ઉડાન દરમિયાનના વિવિધ માપદંડો ફરી દોહરાવ્યા, જેમાં લેન્ડિંગ ગિયરની સ્થિતિ, વિંગ ફ્લેપ પાછા ખેંચવા સહિતની બાબતો સામેલ હતી. તપાસમાં જણાયું કે આ સેટિંગ્સને કારણે દુર્ઘટના નથી થઈ. પ્લેન ક્રેશની સેકન્ડો પહેલાં જ ઈમરજન્સી પાવર ટર્બાઈન ચાલુ કરાઇ હતી, જે દર્શાવે છે કે તકનીકી ખામીને કારણે પ્લેન ક્રેશ થયું છે.
ફ્લાઇટ રેકોર્ડર ડેટાની પણ તપાસ હજુ ચાલુ
એર ઈન્ડિયાના પ્લેનના બંને એન્જિન એકસાથે કેવી રીતે ફેલ થયા તે કોયડો ઉકેલવા તપાસકારો ફ્લાઇટ રેકોર્ડર ડેટાની તપાસ કરી રહ્યા છે. ફૂટેજની તપાસતા પાઇલટ્સે જણાવ્યું કે લેન્ડિંગ ગિયર આગળ ઝૂકેલું હતું, જેથી શક્ય છે કે કોકપિટ ક્રૂએ તેને પાછળ ખેંચવા પ્રયાસ કર્યો હશે. તે જ સમયે લેન્ડિંગ ગિયરના દરવાજા પણ ન ખુલ્યા. મતલબ કે દુર્ઘટના સમયે પ્લેનમાં વીજળી નહોતી કે હાઈડ્રોલિક સિસ્ટમ ફેલ હતી.