મણિશંકર ઐય્યરે મોદીને ‘નીચ’ કહેતાં વડા પ્રધાનનો જવાબઃ નીચી જાતિનો ચાવાળો ખરો, પણ નીચ કામ નથી કર્યું

Wednesday 13th December 2017 07:00 EST
 
 

નવી દિલ્હી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે સાતમી ડિસેમ્બરે કોંગ્રેસી નેતા મણિશંકર ઐય્યરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે આ માણસ બહુ નીચ છે. તેનામાં કોઈ સભ્યતા નથી. તેણે ગંદુ રાજકારણ રમવાની શી જરૂર છે?’ મોદીએ અગાઉ નિવેદન કર્યું હતું કે, રાષ્ટ્રના નિર્માણમાં બાબાસાહેબ આંબેડકરની ભૂમિકાને ઓછી આંકવાનો પ્રયાસ કરાયો હતો. કેટલાકનો એ પ્રયાસ નિષ્ફળ રહ્યો, કારણ કે જે પરિવાર માટે એ કરાયું તેના કરતાં લોકો પર બાબાસાહેબનો પ્રભાવ રહ્યો છે. તેનાથી ઉશ્કેરાઈને મણિશંકરે આ નિવેદન કર્યું હતું.
આ ગુજરાતનું અપમાનઃ મોદી
મણિશંકરે મોદીને નીચ કહ્યા પછી સુરતમાં સભા સંબોધતાં મોદીએ લોકોને સવાલ કર્યો હતો કે, આ ગુજરાતનું અપમાન છે કે નહીં? આ ભારતની મહાન પરંપરાનું અપમાન છે કે નહીં? કોંગ્રેસના એક ‘બુદ્ધિશાળી’ નેતાએ મને ‘નીચ’ કહ્યો છે હું નીચ જાતિનો છું, પણ મેં નીચ કામ ક્યારેય કર્યું નથી. સારી સંસ્થાઓમાં ભણેલા અને કેબિનેટ પ્રધાન રહી ચૂકેલા મણિશંકર મને 'નીચ' કહે છે. શું હું ઊંચ નીચનો ભેદ કરું છું? એ ભલે મને નીચ કહે પણ હું ગાંધીજીના વિચારોને અનુરૂપ કામ કરું છું. ઐય્યર અને કોંગ્રેસ મારું છાશવારે અપમાન કરે છે. જેલમાં મોકલવાનું કાવતરું કરે છે, પણ ભાજપ સંસ્કારી છે. કોઇપણ કોંગ્રેસ નેતા માટે અપશબ્દો નહીં કહે. મોદીએ કહ્યું કે, કોઈ મણિશંકરના વિરોધમાં ટ્વિટ ના કરતા, પણ ૨ કલાકમાં ૧૪ પ્રધાન, ૬ મુખ્ય પ્રધાન અને અમિત શાહ સહિતના ટ્વિટર યુઝર્સના ૩૦,૦૦૦થી પણ વધુ ટ્વિટ થયા હતા. એ પછી અમદાવાદના નિકોલની સભામાં પણ મોદીએ કહ્યું કે, હું ગરીબ પરિવારમાં જન્મ્યો છું, ગુજરાતી છું. એટલે મને ‘નીચ’ કહેવાય છે. એક ચાવાળો ભારે પડયો હોવાથી કોંગ્રેસનાં નેતાઓ મને ગાળો આપે છે. કોઈપણ દેશના મુખ્ય પ્રધાન કે વડા પ્રધાનને લોકો ચૂંટે છે. સોનિયા ગાંધી પણ પહેલાં મારા માટે આવા શબ્દપ્રયોગ કરી ચૂક્યાં છે. તેમણે મને ‘મૌત કા સૌદાગર’ કહ્યો હતો. ગુજરાત તેમને આંખમાં કણાની જેમ ખૂંચે છે. રાહુલ ગાંધી તમારા માતૃશ્રી સોનિયાબહેને લોકસભા ચૂંટણી વખતે એવું કહ્યું હતું કે, આ (મોદી) તો ઝેરની ખેતી કરે છે તેને જીતાડવા ન જોઈએ. રાહુલ ગાંધીએ પણ સર્જિકલ સ્ટ્રાઈક પછી એવું નહોતું કહ્યું કે, વડા પ્રધાન જવાનોના ખૂનની દલાલી કરે છે? કોંગ્રેસના આનંદ શર્માએ ૨૭ નવેમ્બરે વડા પ્રધાન માનસિક રીતે અસ્વસ્થ, બીમાર છે એવું કહ્યું હતું. બીજા એક પ્રધાને એવું કહ્યું કે, કોઈ અખબાર તેને છાપી ન શકે, ટીવીમાં બોલી ન શકે. હું પણ તે શબ્દોને નહીં બોલી શકું. નરેન્દ્ર મોદીની બે સિદ્ધિ છે. ભક્તોને બિપબિપ (ગાળ) અને બિપ બિપ (ગાળ) ભક્તો શું એક ચાવાળો ગુજરાતી તમને ભારે પડી ગયો એટલે આવા શબ્દો તમે બોલો છો?
‘પાક. પૂર્વ પ્રધાનો સાથે ઐય્યરના સંબંધ’
મોદીએ રવિવારે પાલનપુરમાં આક્ષેપ કર્યા કે, પાકિસ્તાન સૈન્યના માજી ડેપ્યુટી જનરલ અરશદ રફીકે ગુજરાતમાં એહમદ પટેલને મુખ્ય પ્રધાન બનાવવાની અપીલ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરના ઘરે સિક્રેટ મિટીંગ યોજાઈ તેમાં પાકિસ્તાની રાજદૂત, અને પૂર્વ વિદેશ પ્રધાન પણ જાય છે.
એટલું નહીં પૂર્વ વડા પ્રધાન અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સુધીના લોકો પણ તેમના ઘરે ગયા હતા. આ બેઠક ત્રણેક કલાક ચાલી. મોદીના આ દાવા પછી એહમદ પટેલે ટ્વિટ કરી હતી કે, આ બધી અફવા છે અને ખોટાં આક્ષેપો છે. બીજી બાજુ આનંદ શર્માએ કહ્યું હતું કે મોદી મુલાકાત સાબિત કરે અથવા માફી માગે.
મણિશંકર ઐય્યર સસ્પેન્ડ
મણિશંકરે મોદીને નીચ માણસ કહ્યા પછી મોદીએ આખા પક્ષ પર પ્રહારો કર્યાં તો બીજી બાજુ બંને પક્ષોએ પ્રેસ કોન્ફરન્સ કરીને એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યાં.
યુનિયન લો મિનિસ્ટર રવિશંકર પ્રસાદે આ અંગે કહ્યું હતું કે, મણિશંકર દરબારી નેતા છે અને બધું જ રાહુલ ગાંધીની સહમતિથી થઈ રહ્યું છે. તો કોંગ્રેસે ભાજપને દલિત વિરોધી પક્ષ ગણાવ્યો. રાહુલે ટ્વિટ કરી ઐય્યરને માફી માગવા કહ્યું તો ઐય્યરે કહ્યું કે, મને હિન્દી નથી આવડતું. મેં LOW શબ્દના અર્થમાં આ શબ્દ વાપર્યો હતો. બેફામ નિવેદનબાજી પછી કોંગ્રેસે ઐય્યરને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યાં હતાં.

મોદી પર અત્યાર સુધીના પ્રહારો

• દિગ્વિજય સિંહ : નરેન્દ્ર મોદીની બે જ સિદ્ધિઓ છે. ભક્તોને.... અને ..... ભક્ત બનાવ્યા....
• રશીદ અલ્વી: મોદી સ્ટુપીડ વડા પ્રધાન છે.
• પ્રમોદ તિવારી: ગદાફી, મુશોલીન, હિટલર અને નરેન્દ્ર મોદી
• જયરામ રમેશ: મોદી ભષ્માસુર છે.
• બેનીપ્રસાદ વર્મા: પાગલ કૂતરો છે તેને લોકશાહીના મંદિરમાં ઘૂસવા નહીં દઈએ.
• ગુલામ નબી આઝાદ: મોદી ગંગુ તૈલી છે.
• રેણુકા ચૌધરી: મોદી નમોનીટી નામનો વાઇરસ છે.
• મનીષ તિવારી: ડોન દાઉદ ઇબ્રાહિમ કરતાં ખતરનાક છે.
• સોનિયા ગાંધી: મૌત કા સૌદાગર અને ઝેરની ખેતી કરનારો માણસ છે.
• પ્રિયંકા ગાંધી વાડરાઃ મોદી નીચ રાજનીતિ કરી રહ્યા છેં
• રાહુલ ગાંધી: વડા પ્રધાન દેશના જવાનોની લોહીની દલાલી કરે છે.
• મણિશંકર ઐય્યર: નરેન્દ્ર મોદી નીચ છે, સાપ, વીંછી, જોકર અને ગંદો માણસ છે.
• આનંદ શર્મા: વડા પ્રધાન માનસિક બીમાર છે અને રાષ્ટ્રીય સમસ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter