બે ગુજરાતી યુવાન આફ્રિકાની જેલમાંઃ મદદ માટે સુષ્મા સ્વરાજને અરજ

Thursday 26th October 2017 10:40 EDT
 

આણંદ, વાપી, નવી દિલ્હીઃ આણંદથી વડોદરા સ્થાયી થયા બાદ બ્રિજેશ પ્રજાપતિ તથા વાપીના હિતેશ શ્રીમાળી એપ્રિલ, ૨૦૧૭માં ઉજ્જવળ ભાવિ નિર્માણ કરવા પરિવાર સાથે આફ્રિકાના માડાગાસ્કરના ફોર્ટુફુહેન કે જે તોલંગારો નામથી પણ ઓળખાય છે તે ગામમાં ગયા હતા. ત્યાં ખાનગી કંપનીમાં નોકરી મેળવી હતી. તેઓને કોઈ લેખિત ઓર્ડર કે અન્ય કોઈ તાલીમ અપાઈ નહોતી. જ્યારે કંપની દ્વારા ઓડિટ કરાયું ત્યારે જાણવા મળ્યું કે કંપનીના આર્થિક વ્યવહારોમાં લગભગ રૂ. પાંચેક કરોડની ગેરરીતિ થઈ છે જેની જવાબદારી તેઓના બે મેનેજરો પૈકી એક મેનેજરે કબૂલી હતી, પરંતુ થોડા દિવસ બાદ કંપનીના સંચાલકો દ્વારા વર્તનમાં ફેરફાર આવ્યો હતો તથા બ્રિજેશને પગાર તેમજ અન્ય સુવિધાઓ બંધ કરાઈ હતી. આ ઉપરાંત કંપનીના માલિક દ્વારા બ્રિજેશને રૂ. ત્રીસ લાખ જમા કરાવવા જણાવાયું હતું. બ્રિજેશે નિર્દોષ હોવાનું જણાવી આ રકમ ભરવાની ના પાડતા કંપનીના માલિકે વગ વાપરી બ્રિજેશ પ્રજાપતિ અને હિતેશ શ્રીમાળીને જેલમાં ધકેલી દેવડાવતાં તેઓની પત્ની અને બાળકો પરદેશમાં નોંધારા થઈ ગયા છે.

આ બંને યુવકોને છોડાવવા માટે આફ્રકાસ્થિત ભારતીય રાજદૂતાલય સમક્ષ રજૂઆતો કરાઈ હોવા છતાં નક્કર કાર્યવાહીના સમાચાર નથી. બંનેને છોડાવવા માટે ભારતીય રાજદૂતાલયમાં કરાયેલી રજૂઆતો ઉપરાંત અંતે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ દરમિયાનગીરી કરે તેવી માગ પરિવારજનોએ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter