મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની સરકારમાં બાબુભાઇ બોખીરીયા પાણી પુરવઠો, પશુપાલન, ગૌસંવર્ધન, મીઠા ઉદ્યોગ, મત્સ્યોદ્યોગ અને નાગરિક ઉડ્ડ્યન વિભાગના કેબિનેટ પ્રધાન તરીકે કાર્યભાર સંભાળે છે. અગાઉ તેઓ કૃષિ, સહકાર, જળસંપત્તિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન વિભાગનો હવાલો સંભાળતા હતા.
શ્રી બોખીરીયાની રાજકીય કારકિર્દી લાંબી છે. તેઓ ૧૯૯૧થી સક્રિય રાજકારણમાં છે. ૧૯૯પ અને ૧૯૯૮ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ પોરબંદર બેઠક પર ચૂંટાયા હતા. ૧૯૯૮માં પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલની સરકારમાં તેમણે મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન અને વર્ષ ર૦૦૧માં સિંચાઇ વિભાગના કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ પોરબંદર ભાજપાના પ્રમુખ પણ છે.
સમાજસેવા ક્ષેત્રે પણ તેમનું વિશેષ યોગદાન છે. તેમણે બોખીરા મહેર સમાજના ટ્રસ્ટી, ભાવપરાના મિયાણીના પંચેશ્વર મહાદેવ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે દીર્ઘકાલીન સેવા આપી છે.
શ્રી બોખીરીયાનો જન્મ ૧ર માર્ચ, ૧૯પ૩ના રોજ પોરબંદર જિલ્લાના બોખીરા ખાતે થયો હતો. ૧૯૭૪માં કેમિસ્ટ્રી વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા બોખીરીયા ખેતી અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રોનો સમાવેશ થાય છે. વાંચન, રમતગમત અને પ્રવાસ તેમના શોખના વિષય છે. શ્રી બોખીરીયાએ યુકે, ફ્રાન્સ, સ્વીત્ઝર્લેન્ડ, જર્મની, દુબઇ અને બેલ્જીયમનો પ્રવાસ ખેડયો છે.
‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં શ્રી બોખીરીયાએ તેમના વિભાગોની કામગીરી વિશે જણાવ્યું હતું કે તેઓ ખેતી અને પશુપાલનને એકબીજા સાથે સાંકળવા માગે છે. જેથી ખેડૂતોને માત્ર પાકના નાણાં પર નિર્ભર રહેવું ન પડે. સહકારી મંડળીઓને દૂધનું વેચાણ કરીને તેમને નિયમિત પૂરક આવક મળી શકે જે તેમને ઘર ચલાવવામાં મદદરૂપ થઈ શકે. શ્રી બોખીરીયાએ ખેડૂતોને પશુ ખરીદવા માટે રાજ્યસરકાર દ્વારા ઉપલબ્ધ સહાયની વિગતો આપી હતી. શ્રી બોખીરીયાએ જણાવ્યું હતું, ‘હાલ જે દૂધ મળે છે તેમાંના અમુક તત્વો શરીરને નુક્સાનકારક હોય છે. જ્યારે આપણી દેશી ગણાતી ગીર અને કાંકરેજ ગાયના દૂધમાં તેવા હાનિકારક તત્વો હોતા નથી. તેથી આ ગાયોનું સંવર્ધન કરીને તેની સંખ્યા વધારીને લોકોને ચોખ્ખું દૂધ મળી રહે તે માટે વિવિધ યોજના હાથ ધરાઈ છે.’
તેમણે જણાવ્યું હતું કે આગામી બેથી ચાર વર્ષની અંદર રાજ્યનું એક પણ ગામ અને ઘર પાઈપલાઈન દ્વારા પીવાનું પાણી મેળવવાથી વંચિત ન રહે તે માટે નક્કર પગલાં લેવાઈ રહ્યાં છે.
શ્રી બોખીરીયાએ ઉમેર્યું હતું કે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માછીમારોની સુવિધા માટે મોટા બંદરો કે જ્યાં સ્ટ્રોલરો હોય છે ત્યાં યુરોપિયન સ્ટાન્ડર્ડના ફિશરીઝ હાર્બર બનાવવામાં આવશે. આ ઉપરાંત જ્યાં બોટો વધુ છે અને જગ્યા ઓછી છે ત્યાં સેકન્ડ ફેઝ અને જ્યાં નાની બોટો એટલે કે પિલાણા હોય ત્યાં લેન્ડીંગ સેન્ટરો બનાવવાનું આયોજન છે.


