મેડિકલ ટુરિઝમમાં યોગ, આયુર્વેદ, મેડિટેશનનું આકર્ષણ

Tuesday 11th April 2017 12:40 EDT
 

ગાંધીનગરઃ મેડિકલ ટુરિઝમનો વ્યાપ ગુજરાત સહિત દેશભરના ટોચના રાજ્યોમાં ૧૦૦ ટકાથી પણ વધુના દરે વધી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ‘એસોચેમ’ના તાજેતરના એક સર્વેમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૫માં મેડિકલ વિઝા પર ભારતમાં આવનારા ટુરિસ્ટની સંખ્યામાં ૧૪૦ ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૬ના પ્રથમ છ મહિનામાં જ લગભગ એક લાખ જેટલા મેડિકલ ટુરિસ્ટ વિવિધ સારવાર માટે અમદાવાદ સહિતના પ્રમુખ શહેરોની હોસ્પિટલોમાં આવ્યા હતા. જોકે, મેડિકલ સેવાઓની સાથે સાથે હવે યોગ, આયુર્વેદ, મેડિટેશન, હોમિયોપેથી અને યુનાની તબીબી પદ્ધતિ પણ મેડિકલ ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

એસોચેમ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટુરિઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટના ‘મેડિકલ વેલ્યુ ટ્રાવેલ’ શીર્ષક હેઠળના સંયુક્ત અભ્યાસમાં દેશમાં મેડિકલ ટુરિઝમનું સર્વગ્રાહી ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે દેશનું સ્વાસ્થ્ય સેક્ટર વર્ષ ૨૦૧૫-૨૦માં ૨૯ ટકાના હિસાબે વિકાસ કરે તેવો અંદાજ છે. એટલે કે લગભગ ૨૮૦ બિલિયન યુએસ ડોલરનું આ માર્કેટ રહેશે. લોકોની આવકમાં થઈ રહેલો વધારો, સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા, લાઈફ સ્ટાઈલ ડિસીઝમાં થઈ રહેલો વધારો અને મેડિકલ ઈન્સ્યોરન્સના વધતા ટ્રેન્ડના લીડે મેડિકલ ટુરિઝમને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. જેના પગલે સમગ્ર સ્વાસ્થ્ય ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે.

આ અભ્યાસમાં કેટલાક રોચક આંકડાઓ પણ રજૂ કરાયા છે. જે પ્રમાણે વર્ષ ૨૦૧૩ની સરખામણીએ વર્ષ ૨૦૧૫માં મેડિકલ વિઝા પર ભારતમાં આવનારા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ૧૪૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. ૨૦૧૩માં ૫૦ હજારથી વધુ પ્રવાસીઓની સામે વર્ષ ૨૦૧૫માં ૧.૩૪ લાખ દર્દીઓ મેડિકલ વિઝા પર આવ્યા હતા. આ જ રીતે વર્ષ ૨૦૧૬ના પ્રથમ છ મહિનાની અંદર જ એક લાખ વિદેશી પ્રવાસીઓ મેડિકલ વિઝા પર દેશમાં આવ્યા હોવાનું નોંધવામાં આવ્યું છે. મતલબ કે વર્ષ ૨૦૧૬માં કુલ બે લાખ દર્દીઓ ભારત આવ્યા હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવે છે.

સર્વે પ્રમાણે મેડિકલ વિઝા મેળવનારા પ્રમુખ દેશોમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, માલદિવ્સ, નાઈજીરિયા, કેન્યા વગેરે છે. તે ઉપરાંત મિડલ ઈસ્ટ, આફ્રિકા, પાકિસ્તાન, ભુટાન અને શ્રીલંકાના પ્રવાસીઓ પણ અમદાવાદ સહિતના શહેરોમાં વિશિષ્ટ તબીબી સારવાર માટે આવે છે. જોકે મેડિકલ ટુરિઝમ સેક્ટરના વિસ્તારમાં અનેક અવરોધો પણ હોવાનું આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter