મોડાસાની નિલાંશીના વાળ સૌથી લાંબા

Friday 24th January 2020 06:13 EST
 
 

મોડાસાઃ નગરની નિલાંશી પટેલનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચમકી ગયું છે. સમગ્ર વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવવા બદલ તેને આ બહુમાન મળ્યું છે. ધોરણ ૧રમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીએ સતત બીજા વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડયો છે અને ૧૯૦ સે.મી. લાંબા વાળ સાથે બીજા વર્ષે લોન્ગેસ્ટ હેર ઓફ ટીનેજરનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગિનેસ બુક અનુસાર ૧૮ વર્ષથી નીચેની ઉંમરમાં નિલાંશીના વાળ આખા વિશ્વમાં સૌથી લાંબા છે. નોંધનીય છે કે અગાઉ સૌથી લાંબા વાળનો વિક્રમ ઈટલીના રોમની એક ટીનેજરના નામે હતો, તેના વાળ ૧૭૦.પ સે.મી. લાંબા હતા.

મોડાસા તાલુકાના સાયરાના શિક્ષક દંપતી બ્રિજેશભાઈ પટેલ અને કામિનીબેનની દીકરીએ આ સિદ્ધિ હાંસલ કરતાં સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. આ અગાઉ નિલાંશીએ પોતાના લાંબા વાળ માટે લિમ્કા બુક ઓફ ઇંડિયામાં નોધણી કરાવી હતી. હવે સતત બે વર્ષથી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી રહ્યુ છે. નાનપણથી જ સૌથી લાંબા વાળ રાખવાની તમન્ના ધરાવતી નિલાંશી હાલ ધોરણ ધોરણ ૧ર સાયન્સમાં અભ્યાસ કરે છે અને ભણવામાં પણ અવ્વલ છે. સાથે જ ટેબલ ટેનિસ અને તરણ સ્પર્ધાની કુશળ ખેલાડી છે.
નાનપણથી જ નિલાંશી અને તેના માતા-પિતાની ઈચ્છા હતી કે, વિશ્વમાં સૌથી મોટા વાળ રાખવાનો રેકોર્ડ પોતાના નામે કરવો છે. વાળની કાળજી રાખવાનું શરૂ કર્યું અને બે વખત ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પણ મેળવ્યું.
ર૦૧૮ અને ર૦૧૯ એમ સતત બે વર્ષ સુધી પોતાનું નામ ગિનેસ બુકમાં નોંધાવનાર નિલાંશી એક માત્ર ભારતીય છે. લાંબા વાળનો રેકોર્ડ દર વર્ષે અલગ અલગ દેશોના નામે હોય છે, પરંતુ લોન્ગેસ્ટ હેર ઓફ ટીનેજર્સમાં નિલાંશીએ ભારતનો ડંકો વગાડયો છે. આગામી સમયમાં પણ સૌથી લાંબા વાળમાં તે વિશ્વમાં પ્રથમ રહેવા માગે છે.
વાળ સાચવવાની પળોજણથી બચવા માટે ટૂંકા કરાવી નાંખતી યુવતીઓ માટે નિલાંશી કહે છે કે આજકાલ ટૂંકા વાળ રાખવાની ફેશન છે, પરંતુ લાંબા વાળ તે નારીનો કુદરતી શૃંગાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter