નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના શાસનને ભવ્ય રીતે ઉજવવાની તૈયારી છે. આ પ્રસંગે તેમના સંસદીય મતક્ષેત્ર વારાણસીથી તેમના વતન વડનગર સુધી કળશ યાત્રાની ઘોષણા કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કહ્યું કે આગામી 7 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીની જનસેવા અને સમર્પણના 25 વર્ષ પૂરા થવાના છે. આ પ્રસંગની ઉજવણી 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ તરીકે કરાશે.
ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે 17 સપ્ટેમ્બરને આપણે દર વર્ષે સેવા દિવસ તરીકે ઉજવીએ છીએ અને સમગ્ર કાર્યક્રમ સેવા પખવાડિયા તરીકે ઉજવીએ છીએ. વડાપ્રધાન મોદીએ છેલ્લા 25 વર્ષોમાં જનસેવાથી રાષ્ટ્રસેવાના મંત્રને સાકાર કરીને સંપૂર્ણપણે સેવાયાત્રા ચાલુ રાખી છે. 25 કરોડ ગરીબ પરિવારોને ગરીબી રેખામાંથી બહાર લાવવા, 80 કરોડ લોકોને રાશન ઉપલબ્ધ કરાવવું. 100 કરોડથી વધુ લોકોને સામાજિક સુરક્ષા યોજના સાથે જોડવા, 12 કરોડ શૌચાલય, કોવિડની ફ્રી વેક્સિન અને 4 કરોડથી વધુ ગરીબો માટે આવાસોનું નિર્માણ સામાન્ય ઘટના નથી.
વડાપ્રધાન મોદીની સફર એક સાધારણ કાર્યકર તરીકે શરૂ થઈ અને આજે દેશના પ્રધાન સેવક તરીકે તેમણે કામને આગળ વધાર્યું છે. તેમણે જ્યારે દેશનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે સમગ્ર દેશમાં એક નિરાશાનો માહોલ હતો. પોલિસી પેરાલિસિસ કહી શકીએ, પરંતુ આજે ભારત દુનિયાના ઝડપથી વધતા અર્થતંત્ર તરીકે સામે આવી રહ્યું છે.
નીતિન નવીને કહ્યું કે આપણે દર વર્ષે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ‘સેવા દિવસ’ તરીકે ઉજવીએ છીએ. આ વર્ષે 17 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સ્તરે મેગા બ્લડડોનેશન કેમ્પનું આયોજન કરાશે. 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન તમામ સ્કૂલોમાં ડ્રોઇંગ અને વકતૃત્વ સ્પર્ધાઓ યોજાશે. ઉત્કૃષ્ટ ચિત્રો બનાવનારા અને વકતૃત્વ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીના સ્તરે પ્રમાણપત્રો એનાયત કરવાનું આયોજન છે.
જનસેવા-સમર્પણના 25 વર્ષ
ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના શાસનકાળના 25 વર્ષ અને જન્મદિનની ઉજવણી પ્રસંગે વિશેષ આયોજન થયું છે. ગાંધીનગર નજીક કોબામાં આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યલયે અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં એક મહિનાના કાર્યક્રમોની જાહેરાત કરી હતી. જેમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી એક મહિના સુધી સમગ્ર દેશમાં સેવા સંકલ્પ અભિયાન યોજાશે. મોદીની 25 વર્ષની જનસેવા, સમર્પણ અને સેવાભાવ સાધનાને જન-જન સુધી પહોંચાડીને તેને જનઆંદોલન બનાવવાનો ઉદ્દેશ્ય હોવાનું જણાવાયું હતું.
સરકાર તેમજ ભાજપ સંગઠન દ્વારા યોજનારી ઉજવણીમાં મુખ્યમંત્રી તરીકે તેમણે જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામડાઓમાં 24 કલાક વીજળી પહોંચાડી, કન્યા કેળવણી અભિયાનથી દીકરીના શિક્ષણનો પાયો મજબૂત કર્યો, જળસંચયથી ગુજરાતને પાણીની તંગીમાંથી બહાર લાવવા કરેલા કાર્યોથી લઈને નર્મદા યોજનાની સફળતા જેવી બાબતોને આવરી લેવાઈ છે. આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત- 2047 સંકલ્પ દ્વારા 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર લવાયા તેને પણ ઉજવણીમાં આવરી લેવાશે. સળંગ એક મહિનાની ઉજવણીમાં નાગરિકલક્ષી શ્રેણીબદ્ધ કાર્યક્રમો થશે.


