અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૩મીએ બપોરે ૩ વાગે અમદાવાદ એર પોર્ટ પર આવી ગયા હતા. જ્યાં તેમનું સ્વાગત કરવા માટે રાજ્યપાલ ઓ પી કોહલી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ હાજર હતા. આથી મોદીએ સમયનો સદઉપયોગ કરીને એર પોર્ટ પર જ મુખ્ય પ્રધાન સહિત રાજકીય આગેવાનો સાથે મિટિંગ કરી લીધી હતી.
અમદાવાદ એર પોર્ટ પરનાં સૂત્રો જણાવે છે કે, વડા પ્રધાને ૨૦થી ૨૫ મિનિટ સુધી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથે રાજકીય ચર્ચા વિચારણા કરી હતી. તેમજ હાલમાં ‘વિકાસ’ના મુદ્દે સોશિયલ મીડિયામાં ભાજપને જે રીતે બદનામ કરવામાં આવે છે તે નુકસાનને કઈ રીતે અટકાવી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણી આડે હવે માંડ અઢી મહિના જેટલો સમય બચ્યો હોઈ, વડા પ્રધાને બન્ને નેતાઓ પાસેથી ગુજરાતની છેલ્લામાં છેલ્લી રાજકીય પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. પાટીદારો સહિતની વિવિધ જ્ઞાાતિનાં આગેવાનોનું સ્ટેન્ડ શું છે? તેમાંથી કોણ સરકાર સાથે રહેશે અને કોણ કોંગ્રેસને સમર્થન આપી રહ્યું છે. તેની માહિતી મેળવી હતી. ‘વિકાસ’ના મુદ્દે કોંગ્રેસ દ્વારા કરાતા પ્રચારની સામે બમણી તાકાતથી સામનો કરવા માટે સોશિયલ મીડિયાનો ભરપુર ઊપયોગ કરવાની શિખામણ આપી હતી.


