યુએસ પહોંચવા ૩૨ વર્ષનો જયેશ ૮૧નો બન્યો, પણ એરપોર્ટ પર ઝડપાઇ ગયો

Wednesday 11th September 2019 06:57 EDT
 
 

નવી દિલ્હીઃ રાજધાનીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સિક્યુરિટી ચેકિંગ દરમિયાન એક અનોખો કિસ્સો પકડાયો છે. ૮૧ વર્ષીય વૃદ્ધના પાસપોર્ટના માધ્યમથી અમેરિકા જવાનો પ્રયાસ કરી રહેલો ૩૨ વર્ષીય યુવક ઝડપાયો છે. આ યુવકે વેશપલ્ટો કરીને અસલી પાસપોર્ટમાં દેખાતા વૃદ્ધ જેવો જ આબેહુબ સ્વાંગ રચ્યો હતો. તેણે વાળ અને દાઢી તેવા જ રાખ્યા હતા તો એ વૃદ્ધ જેવા જ ચશ્મા, પાઘડી અને કપડાં પણ પહેર્યા હતા. કોઈને શંકા ના જાય એટલે તે વ્હિલચેરમાં એરપોર્ટ ગયો હતો. જોકે, આ યુવક ચહેરા પર નકલી કરચલીઓ બનાવી નહોતો શક્યો અને સિક્યુરિટીની બાજ નજરમાં ઝડપાઇ ગયો.
ગયા રવિવારે રાતે આશરે ૮ વાગ્યે એરપોર્ટ ટર્મિનલ-૩ પર તે વૃદ્ધનો સ્વાંગ ધારણ કરીને પહોંચ્યો હતો. રાત્રે ૧૦.૪૫ વાગ્યે ન્યૂ યોર્ક જતી ફ્લાઈટમાં પહોંચવાનો જ હતો, ત્યારે સિક્યોરિટી ઈન્સ્પેક્ટરે તેને મેટલ ડિટેક્ટર ક્રોસ કરવાનું કહ્યું, પરંતુ તે ‘વૃદ્ધ’ ચાલવાનું તો દૂર, સીધો ઊભો પણ નહોતો રહી શકતો.
સિક્યોરિટી ઓફિસર સાથેની વાતચીતમાં તેણે અવાજ ભારે રાખવાનો પ્રયાસ કર્યો અને છેવટે નજર બચાવવા લાગ્યો. આ દરમિયાન તેની ચામડી જોઈને ઈન્સ્પેક્ટરને શંકા ગઈ કારણ કે, આટલા વૃદ્ધ માણસની ચામડી યુવાન જેવી હતી. આથી તેનો પાસપોર્ટ તપાસવામાં આવ્યો, પરંતુ તેમાં બધુ બરાબર હતું. પાસપોર્ટમાં તેનું નામ અમરીક સિંહ અને જન્મ તારીખ ૧ ફેબ્રુઆરી ૧૯૩૮ હતી.
છેવટે તેની સઘન પૂછપરછ કરતા ખબર પડી કે, તે વૃદ્ધ નથી, પણ યુવાન છે અને અન્યના પાસપોર્ટ પર અમેરિકા જવા પ્રયાસ કરી રહ્યો છે. આકરી પૂછપરછમાં તેણે પોતાનું સાચું નામ જયેશ પટેલ કહ્યું હતું. આ યુવક અમદાવાદનો ૩૨ વર્ષીય યુવક છે. આ યુવક ઈમિગ્રેશન અધિકારીઓના હવાલે કરી દેવાયો હતો.
પાસપોર્ટ દલાલ પાસેથી ખરીદયો
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, જયેશ પટેલ કોઈ પણ રીતે અમેરિકા જવા પ્રયત્નશીલ હતો. આ માટે એક દલાલે તેને ૮૧ વર્ષના વ્યક્તિનો અસલી પાસપોર્ટ આપ્યો હતો, જેના પર યુએસ વિઝાના સિક્કા હતા. પાસપોર્ટમાં વૃદ્ધના ફોટોના આધારે જયેશે બિલકુલ તેમના જેવો હુલિયો બનાવીને એરપોર્ટ પહોંચ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter