ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એમની મુલાકાત એનસીપીના સુપ્રીમો શરદ પવાર અને એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ સાથે શુક્રવારે રાત્રે અદાણીના ગેસ્ટ હાઉસ ખાતે થઈ હોવાનું રવિવારે નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. જોકે આ મુલાકાતમાં થયેલી વાતચીત વિશે કોઈ પણ વિગતો જાહેર કરવાનો સ્પષ્ટ ઇનકાર અમિત શાહે કર્યો છે.
પત્રકારોની પૃચ્છાના સંદર્ભમાં ટૂંકો જવાબ આપતાં એમણે જણાવ્યું હતું કે, ‘બધી વાતો કંઈ જાહેર કરવા માટે હોતી નથી.’ ઉલ્લેખનીય છે કે, રવિવારે વિવિધ અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં અમિત શાહ અને શરદ પવાર, પ્રફુલ પટેલ વચ્ચે અમદાવાદમાં અદાણીના નિવાસસ્થાને ગુપ્ત મુલાકાત થઈ હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો.
એન્ટિલિયા પ્રકરણમાં પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝેની એનઆઇએ દ્વારા થયેલી ધરપકડ અને મુંબઈ પોલીસ કમિનશર પદેથી પરમબીર સિંઘની થયેલી હકાલપટ્ટીને પગલે એમણે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ ઉપર મહિને ૧૦૦ કરોડની ખંડણી વસૂલવાના કરેલા આક્ષેપથી મહારાષ્ટ્રમાં શિવસેના - એનસીપી - કોંગ્રેસની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (એમવીએ) સરકારમાં હલચલ મચી ગઈ છે, ત્યારે આ જ પરિપ્રેક્ષ્યમાં અમિત શાહે શરદ પવાર સાથે ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે.
અમિત શાહ અને શરદ પવાર વચ્ચે બેઠક શુક્રવારે રાત્રે અદાણીની વૈશ્નાદેવી સર્કલ નજીક આવેલી શાંતિગ્રામ ટાઉનશિપના કોર્પોરેટ રેસ્ટ હાઉસ ખાતે થઈ હતી અને એ વખતે પ્રફુલ્લ પટેલ પણ મોજૂદ હતા.
આ ગુફતેગો બાદ બીજે દિવસે સવારે એનસીપીના બંને નેતાઓ મુંબઈ પરત ગયા હતા. ભાજપના રાષ્ટ્રીય સ્તરેથી મહારાષ્ટ્રના ગૃહપ્રધાનના રાજીનામાની માગણી કરી રહ્યો છે, ત્યારે અમિત શાહની શરદ પવાર સાથેની બેઠક અંગે રાજકીય તર્કવિતર્ક થઈ રહ્યાં છે.
પવાર-પટેલ ચાર્ટર પ્લેનમાં પહોંચ્યા
શુક્રવારે રાતે પોણા નવેક વાગ્યાની આસપાસ પવાર અને પટેલ બેઉ મુંબઈથી અમદાવાદ એરપોર્ટ ઉપર ચાર્ટર વિમાનમાં આવ્યા હતા. બાદમાં પોણા દસ કલાકે દિલ્હીથી ગૃહપ્રધાન અમિત શાહ આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં જાહેર કાર્યક્રમ રવિવારની બપોરે હોવા છતાંયે શુક્રવારની રાતે તેમનું આવવુ અને તે પહેલા પવાર- પટેલનું અહીં હોવું એ જોગાનુંજોગ હોઈ શકે નહીં. આથી, મહારાષ્ટ્રમાં બદલાતા ઘટનાક્રમ વચ્ચે ત્રણેય રાજકીય નેતાઓ વચ્ચે મુલાકાતની શક્યતા વધુ પ્રબળ હોવાનું મનાય છે. અદાણીના શાંતિગ્રામમાં રોકાણ કર્યા બાદ શનિવારે સવારે પવાર અને પટેલ બેઉ પરત મુંબઈ જવા નીકળ્યા ત્યારે ગૌતમ અદાણી તેમને વળાવવા એરપોર્ટ ઉપર સાથે ગયા હોવાનું પણ કહેવાય છે.