અમદાવાદઃ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ગુજરાતના ૧૮૨ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જેમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નારણપુરાના ધારાસભ્ય અમિત શાહે નવી દિલ્હીમાંથી મતદાન કર્યું હતું. એ સિવાયનાં ૧૮૧ પૈકીમાંથી ૧૮૦ ઉમેદવારોએ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૨ના સાપુતારા સમિતિ ખંડમાં ઉપસ્થિત રહીને મતદાન કર્યું હતું. એકમાત્ર જનતા દળ (યુ)નાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો અને મત આપ્યો નહોતો.
ભાજપ સરકારનાં બે પ્રધાનો બીમાર હોવાં છતાં વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા આવ્યા હતા. જેમાં રાજ્ય કક્ષાના પ્રધાન પુરુષોત્તમ સોલંકી લાંબા સમયથી બીમાર હોવાથી વિધાનસભામાં પણ આવતા નથી. સહકાર પ્રધાન ઈશ્વર પટેલને હૃદયની બીમારી હોવાથી તેઓને અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના પર બાયપાસ સર્જરી થવાની છે. છતાં આ બંને પ્રધાનોએ વ્હીલચેરમાં આવીને પણ મતદાન કર્યું હતું.
વસાવાનું નવું બહાનું
દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા છોટુ વસાવા છેલ્લા પાંચ-દસ વર્ષથી ભાગ્યે જ વિધાનસભામાં હાજર હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીનો બહિષ્કાર કરતા તેઓએ ટીવી ચેનલો સમક્ષ એવું બહાનું બતાવ્યું કે ભાજપ-કોંગ્રેસમાંથી કોઈ પણ આદિવાસી સમાજ માટે કામ કરતા નથી માટે મેં ચૂંટણીમાં મતદાન નથી કર્યું. વાસ્તવિકતામાં વિધાનસભામાં તેઓ ગેરહાજર રહે છે ને ક્યારેય આદિવાસીઓના પ્રશ્નોને વાચા આપતા જ નથી.
મેં ક્રોસ વોટિંગ કર્યું છેઃ કોટડિયા
ધારી ભાજપના ધારાસભ્ય નલિન કોટડિયાએ ક્રોસ વોટિંગ કર્યાનું કબૂલ્યું હતું. તેમણે ભાજપના ઉમેદવાર રામનાથ કોવિંદને નહી પરંતુ કોંગ્રેસના મીરાં કુમારને મત આપ્યો હતો.