નવી દિલ્હીઃ ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને પગલે રાહુલ ગાંધી વારંવાર ગુજરાતના પ્રવાસે આવતા રહે છે. એથી રાહુલ ગુજરાતમાં સત્તા મેળવવા માગતા હોવાની છાપ ઉપસી છે પરંતુ વાસ્તવિકતા જુદી છે. રાહુલની નજર ગુજરાત પર નહીં, આગામી વર્ષે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટકમાં યોજાનારી ચૂંટણી પર છે. ચારેય રાજ્યોની કુલ બેઠક ૭૪૪ છે. જો રાજ્યોમાં રાહુલ મહેનત કરીને નોંધપાત્ર સંખ્યામાં બેઠક મેળવે તો તેનો લાભ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મળી શકે. આથી રાહુલ ગુજરાતને એક ટેસ્ટ કેસ તરીકે લઈ રહ્યા છે.
કર્ણાટકમાં જીત પડકારજનક
અહીંની કોંગ્રેસી સરકાર માટે આગામી ચૂંટણીઓ પડકારજનક છે. બીજી તરફ ભાજપ માટે ફાયદો છે કે કર્ણાટકના માજી મુખ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા એસ. એમ. ક્રિશ્ના ભાજપમાં જોડાયા છે.
મધ્ય પ્રદેશમાં આંતરિક લડાઈ સમસ્યા
કોંગ્રેસનું માનવું છે કે અહીં એને એન્ટી ઇનકમ્બન્સીનો લાભ મળશે. મધ્યપ્રદેશના પ્રભારી તરીકે ગુજરાતના દીપક બાબરિયાની નિમણૂક કરી છે. ચિત્રકૂટ વિધાનસભાની બેઠક જીતી જતાં કોંગ્રેસ માટે થોડો જુસ્સો જોવા મળે છે. પરંતુ રાહુલ માટે મોટી સમસ્યા પક્ષની આંતરિક લડાઈની છે.
છત્તીસગઢમાં એન્ટી ઇનકમ્બન્સી પર આધાર
અહીં બંને પક્ષ વચ્ચે કાંટાની ટક્કર છે. અહીં પણ કોંગ્રેસ એન્ટી ઇનકમ્બન્સી પર આધાર રાખીને બેઠી છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપ ૯૦ બેઠકમાંથી ૪૯ બેઠક જીત્યો હતો. તેનો વોટ શેર ૪૧.૦૧ ટકા હતો. કોંગ્રેસ ૩૯ બેઠક જીતી, તેનો વોટ શેર ૪૦.૨૯ ટકા હતો.
રાજસ્થાનમાં અલવર, અજમેરની લોકસભા ચૂંટણી પર નજર
આગામી મહિને અલબર અને અજમેરની લોકસભાની ચૂંટણી પર કોંગ્રેસે ફોકસ કર્યું છે. પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ૨૬માંથી ૧૩ બેઠક મળી, તે તેનો પ્લસ પોઇન્ટ છે. રાહુલ યુવાનોને મહત્ત્વ આપે છે પણ રાજસ્થાન પ્રદેશ પ્રમુખ કૉંગ્રેસના સચિન પાયલોટ માટે અનેક પડકાર છે.