રિલાયન્સ-મેટા સ્થાપશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર

રિલાયન્સ જામનગરમાં 168 મેગાવોટનું ડેટા સેન્ટર વિકસાવશે, મેટા લીઝ પર ઉપયોગ કરશે

Tuesday 16th June 2026 10:48 EDT
 
 

અમદાવાદઃ પેટ્રોલિયમ રિફાઇનરી અને વનતારા જેવા પ્રોજેક્ટ થકી જામનગરને વૈશ્વિક ઓળખ અપાવનાર રિલાયન્સ ગ્રૂપ હવે અહીં વિશ્વસ્તરનું એઆઇ ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડેટા સેન્ટર પ્રોજેક્ટની સ્થાપના માટે મેટા પ્લેટફોર્મ્સ ઈન્ક. (મેટા) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. રિલાયન્સ બે વર્ષમાં 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર વિકસાવશે. આ પ્રોજેક્ટમાં કુલ કેટલું રોકાણ થશે તેનો આંકડો તો જાહેર થયો નથી, પરંતુ એક અંદાજ અનુસાર, આવા પ્રોજેક્ટમાં પ્રતિ મેગાવોટ 10 મિલિયન ડોલરનો ખર્ચ થતો હોય છે.
મેટા માટે ભારતમાં આ પ્રથમ બિલ્ટ-ટુ-સૂટ (Built-to-suit) ડેટા સેન્ટર હશે અને તેની ડિઝાઇનથી લઇને ઓપરેશન સુધીની તમામ કામગીરી રિલાયન્સ સંભાળશે. જ્યારે મેટા આ સેન્ટરની ફેસિલિટીને લીઝ પર લેશે. પ્રોજેક્ટમાં રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગ કરાશે અને કૂલિંગ માટે ડિસલિનેટેડ સી-વોટર (દરિયાના પાણી)નો ઉપયોગ કરાશે. આ ઉપરાંત મેટાએ ભારતમાં ક્લીનમેક્સ અને ફોર્થ પાર્ટનર એનર્જી એમ બે ક્લીન એનર્જી કંપનીઓ સાથે અલગથી ભાગીદારી કરી છે જે 1 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી પ્રોવાઈડ કરશે. 
ભારતને એઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વૈશ્વિક હબ તરીકેની ઓળખ અપાવવામાં આ ડેટા સેન્ટર સીમાચિહ્નરૂપ બની રહેશે. તો બીજી બાજુ આ ડેટા સેન્ટર મેટાના વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણનો ચાવીરૂપ હિસ્સો બની રહેશે. આ સહયોગ રિલાયન્સ અને મેટાના સહયોગને વધુ ઘનિષ્ઠ બનાવશે. મેટાએ જણાવ્યું કે પ્રોજેક્ટ વોટરવર્થ (વિશ્વની સૌથી લાંબી સબ-સી કેબલ સિસ્ટમ) સહિત તેમના મોટા નેટવર્ક રોકાણ દ્વારા તેઓ આ સેક્ટરમાં ઇન્ડસ્ટ્રી-લીડિંગ કનેક્ટિવિટી લાવશે અને ભારતીય સમુદાયને સ્પીડ અને ગુણવત્તાયુક્ત સેવાઓ આપશે.
ભારત વૈશ્વિક AI ક્રાંતિમાં મોખરે રહેવા તૈયાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ‘મેટા સાથેની આ ભાગીદારી ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક પરિવર્તનકારી ક્ષણ છે. મેટા દ્વારા ભારતનું પ્રથમ બિલ્ટ-ટુ-સૂટ ડેટા સેન્ટર બનાવવું એ દર્શાવે છે કે ભારત વૈશ્વિક AI ક્રાંતિમાં મોખરે રહેવા માટે તૈયાર છે. જામનગર હાઇપરસ્કેલ AI કમ્પ્યુટિંગ માટે એક સીમાચિહ્નરૂપ સ્થળ બનશે.’
મેટાના ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું, ‘ભારતમાં અમારું પહેલું AI-સક્ષમ ડેટા સેન્ટર બનાવવા માટે રિલાયન્સ સાથે કામ કરવા બદલ અમને ગર્વ છે. જામનગરની આ વર્લ્ડ-ક્લાસ સુવિધા અમને વૈશ્વિક સ્તરે અમારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં અને ભારતના અર્થતંત્રમાં અમારા લાંબા ગાળાના રોકાણને વધુ ઊંડું કરવામાં મદદ કરશે.’
શું હોય છે AI-સક્ષમ ડેટા સેન્ટર?
સામાન્ય ડેટા સેન્ટર્સનો ઉપયોગ ફક્ત ડેટા સ્ટોર કરવા અને પ્રોસેસ કરવા માટે થાય છે. તેનાથી વિપરીત, AI-સક્ષમ ડેટા સેન્ટરમાં ખાસ લિક્વિડ કૂલિંગ સિસ્ટમ અને હાઈ-પાવર્ડ ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ (GPUs) લાગેલા હોય છે. આ મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ અને ચેટબોટ્સ જેવા ભારે અને જટિલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અલ્ગોરિધમ્સને ખૂબ જ ઝડપી ગતિએ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે.

ક્લીનમેક્સ અને ફોર્થ પાર્ટનર એનર્જી સાથે મેટાની ભાગીદારી

મેટાએ AI ડેટા સેન્ટરની સાથે સાથે ભારતના બે મુખ્ય ક્લીન એનર્જી પ્રોવાઇડર્સ કંપનીઓ સાથે આશરે 1 ગીગાવોટ (GW) રિન્યુએબલ એનર્જી માટે અલગથી ભાગીદારીની જાહેરાત કરી છે. ક્લીનમેક્સ દ્વારા રાજસ્થાન અને કર્ણાટકમાં 837 મેગાવોટ (MW)ના નવા સોલર અને વિન્ડ પ્રોજેક્ટ્સ વિકસાવાશે. આ સાથે જ ક્લીનમેક્સ સાથે કુલ જાહેર ક્ષમતા 900 મેગાવોટથી વધુ થઈ જશે. જ્યારે ફોર્થ પાર્ટનર એનર્જી તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 88 મેગાવોટના નવા સોલર અને વિન્ડ પ્રોજેક્ટ્સ દ્વારા વીજળી પુરવઠો પૂરો પાડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter