રૂ. ૧૩,૮૬૦ કરોડ નેતા, બિલ્ડર, અધિકારીઓના છેઃ મહેશ શાહ

Wednesday 07th December 2016 06:40 EST
 
 

અમદાવાદઃ ભારત સરકારની ઇન્કમ ડિકલેરેશન સ્કીમ (આઇડીએસ) હેઠળ શહેરમાં જોધપુર ચાર રસ્તા નજીક રહેતા એક વેપારી મહેશ શાહે અધધ રૂ. ૧૩,૮૬૦ કરોડની છુપી આવક જાહેર કરીને દેશભરમાં હલચલ મચાવી દીધી છે.
જોકે ૧૩,૮૬૦ કરોડ રૂપિયાના સનસનીખેજ ડિસ્કલોઝર પછી ફરાર થઇ ગયેલો મહેશ શાહ અચાનક ત્રીજી ડિસેમ્બરે સાંજે એક ખાનગી ચેનલની ઓફિસમાં પહોંચી ગયો હતો. તેણે દાવો કર્યો હતો કે આઈડીએસમાં જાહેર કરેલી રકમ મારી નથી. મેં કમિશન માટે બ્લેકના વ્હાઇટ કરવા માટે બીજાનાં નાણાં જાહેર કર્યાં હતાં. હું ૨૯મી નવેમ્બરે દિવસે પ્રથમ હપ્તો જાહેર કરવાનો હતો, પણ મારી પાછળ જે લોકોનો હાથ હતો તે હાથ તેમણે હટાવી લેતાં એવા સંજોગો ઊભા થઈ ગયા કે હું જાહેર કરી શક્યો નહીં. હું કોનાં બ્લેક મની જાહેર કરવાનો છું તે હું મીડિયા સમક્ષ નહીં પણ ઇન્કમટેક્સના અધિકારી સમક્ષ જ જાહેર કરીશ.

મારા અને મારા પરિવારને જોખમ

શાહે કહ્યું કે, મારા અને મારા પરિવાર પર જોખમ ઊભું થઈ જતાં હું હાજર થયો છું. રૂપિયા દેશના કેટલાક રાજકારણીઓ, બિલ્ડરો અને નાના-મોટા વેપારીઓના છે. બધાના નામ હું આવકવેરાના અધિકારીઓને નિવેદનમાં આપીને ખુલ્લા પાડીશ. મારી જરૂરિયાતના કારણે લોકોના બ્લેકના વ્હાઇટ કરવા હું તૈયાર થયો હતો. રૂ. ૧૩,૮૬૦ કરોડનો આંકડો વધી પણ શકે છે. આ રકમ આપનારા આખા દેશમાં ફેલાયેલા મોટા માથાં છે. આઈડીએસ સ્કીમના અંતિમ દિવસે ૩૦ સપ્ટેમ્બરે રાત્રિના ૧૧.૩૦ વાગે મહેશ શાહે તેમના સીએ તહેમૂલ શેઠના સાથે આવકવેરા અધિકારી સમક્ષ ૧૩,૮૬૦ કરોડની રકમ જાહેર કરવાની વાત કરી હતી. ત્યાર પછી ૩૦ નવેમ્બરના રોજ પ્રથમ હપ્તો રૂ. ૧,૫૬૦ કરોડ જમા કરવાનો હતો પણ તે જાહેર કરી શક્યા નહીં. જેને કારણે આઈડીએસ ફોર્મ-૨ ૨૮ નવેમ્બરે આઈટી વિભાગે રદ કરીને ૨૯ નવેમ્બરે રદ કરેલા ઓર્ડરની કોપી સીએ અને મહેશ શાહને ઘરે પહોંચાડી દીધી હતી. ૨૯ નવેમ્બરે જ અમદાવાદ આવકવેરા વિભાગે નવરંગપુરામાં આકાંક્ષા બિલ્ડિંગમાં આવેલી આપાજી અમીન એન્ડ કુ.ની ઓફિસમાં તહેમૂલ શેઠનાને ત્યાં દરોડા પાડયા હતા.

જમાઈની સંડોવણી હોઈ શકે

ત્રીજી ડિસેમ્બરે મીડિયા અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સામે આવવાનું તરકટ કર્યા પછી જોકે આઈટી વિભાગની ભારે જહેમત પછી પણ હજી સુધી મહેશ શાહ ઇડીને સંતોષકારક જવાબો આપી રહ્યો નથી. તેથી મહેશની દીકરી પ્રકૃતિના બંગાળી પતિ અંજની દાસની તપાસ માટે ઇડીએ તૈયારી કરી છે. અંજની કેટલાક વિદેશીઓ, એનઆરઆઈ, વેપારીઓ અને વિદેશી કંપનીઓ માટે જમીન-લે વેચનો વ્યવસાય કરે છે. તે અમદાવાદમાં કોલ સેન્ટર પણ ચલાવતા હોવાનું અંજનીના પડોશીઓનું કહેવું છે.

મહેશ શાહની ગોળ ગોળ વાતો

ડિસ્કલોઝર પછી નવી દિલ્હીની સીબીડીટી ટીમ પણ ચોંકી ગઈ હતી ત્યારે ફેક ડિક્લેરેશન કરનાર મહેશે આવકવેરા ખાતાની છ કલાકની પૂછપરછમાં કોઈ ચોક્કસ જાણકારી આપી જ ન હોવાની ડિરેક્ટર જનરલ ઓફ ઇન્કમ ટેક્સ પી. સી. મોદીએ છઠ્ઠીએ મોડી સાંજે આપી હતી. મહેશ ઇડી સામે ક્યારેક પત્ની વનિતાની માંદગીનું તો ક્યારેક પોતે નર્વસ હોવાનું બહાનું ધરી દે છે. પત્નીની તબિયતનું બહાનું તેણે ધર્યું હોવાથી તેની વધુ તપાસ નવમીએ રખાઈ છે.

ટેક્સનો પ્રથમ હપ્તો પણ બાકી

મહેશે ડિસ્ક્લોઝર કર્યા પછી ૩૦ નવેમ્બર સુધીમાં ટેક્સના પ્રથમ હપ્તામાં જાહેર કરાયેલી રકમના ૨૫ ટકા ટેક્સ પેટે રૂ. ૧૫૫૯ કરોડ ભરવાના હતા, પણ તેણે હજી સુધી તે જમા કરવ્યા નથી. આમ તો સ્કીમની જાહેરાત મુજબ કરદાતાનો આવકનો સ્ત્રોત પૂછવાનો ન હતો, પણ મહેશની રકમ ખૂબ જ મોટી હોવાથી કેન્દ્રના ઇડી ડિપાર્ટમેન્ટે તેમા પર વોચ ગોઠવવાના ઓર્ડર આપ્યા હતા. જે પછી મહેશ ઉદ્યોગપતિઓ, કોઈ ધાર્મિક સંતો અને રાજકારણીઓ સાથે આ મામલે સંબંધ ધરાવતો હોવાનું અનુમાન ઇડીએ લગાવ્યું હતું અને તેના રાજકોટ અને અમદાવાદના કનેક્શનો પણ બહાર આવ્યા હતા.
ઇડીને મહેશે જેનું નામ પોતાના સીએ તરીકે ગણાવ્યું તે કંપની પર શંકા થઈ કે, અમદાવાદની આપાજી અમીન એન્ડ કું. ઈન્ટરનેશનલ ટેક્સેશન અને રોકાણ અંગે મહેશને અને તેના આકાઓને સલાહ આપે છે. આ કંપની અખાતી દેશોમાં પણ બિઝનેસની અને રોકાણ અંગે કાળા નાણાના સંગ્રહખોરોને સલાહ આપે છે. આવકવેરા વિભાગને શંકા છે કે, આપાજી અમીન એન્ડ કું. ફર્મના સીએ શેઠનાએ આઈડીએસ માટે અમદાવાદના જ નહીં ગુજરાતના મોટા રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ, બિલ્ડરોને સલાહ આપીને ઉદ્યોગપતિ પાસે બ્લેકમની જાહેર કરાવીને તેના મારફત મોટા માથાઓને બચાવી લીધા છે. આઈડીએસ સ્કીમ પૂરી થવાના અંતિમ દિવસે ૩૦ સપ્ટેમ્બરના રોજ મહેશ શાહે શેઠનાની મદદથી જ રૂ. ૧૩,૮૬૦ કરોડની રોકડ રકમ રાત્રે ૧૧-૩૦ વાગ્યે ઓનલાઈન જાહેર કરી હતી.
જોકે શેઠનાએ કહ્યું છે કે, મહેશ શાહના આર્થિક વ્યવહારો વિશે કોઈ જાણકારી નથી. આ બ્લેક મની બિઝનેસમેન, નેતાઓ અને બિલ્ડરના હોઈ શકે છે અને તે રૂપિયા ગુજરાતમાંથી આવવાના હોઈ શકે. આ કંપની ઉપરાંત આ પ્રકરણના અનુસંધાનમાં સુરતના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં પણ આવકવેરા ખાતાએ તપાસ ચાલુ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ આ પ્રકરણ અત્યંત ગંભીર વળાંક લઈ રહ્યું હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.

રાજકીય ઘરોબો

મહેશ શાહ ભાજપ સાથે રાજકીય ઘરોબો ધરાવે છે. કાળા ધનની જાહેરાત કરનાર મહેશ શાહ આઠ વર્ષથી ગાંધીનગર સચિવાલયમાં જૂનો-જાણીતો ચહેરો છે. એટલું જ નહીં, ગુજરાતના મુખ્ય પ્રધાન પદે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેમને મળતી ભેટ-સોગાદો ઉદ્યોગપતિ-બિઝનેસમેનો ઉંચી કિંમતે ખરીદે તે માટે મહેશ શાહ જ ગોઠવણ કરતા હતા. સામાન્ય ફ્લેટમાં રહેતાં મહેશ શાહને ભાજપની એવી રાજકીય હુંફ છે કે, ગાંધીનગરમાં સચિવાલયમાં બેરોકટોક અવરજવર કરતા હતાં તેવો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ કર્યો હતો.
આ બધા આક્ષેપ-પ્રતિ આક્ષેપ વચ્ચે આઈડીએસમાં ડેક્લેરેશન ખોટું સાબિત થતાં હવે મહેશ શાહને સાત વર્ષની સજા થઈ શકે છે.

મહેશ શાહની કબૂલાત

• આ મારા નહીં બીજી પાર્ટીના નાણા છે, જેમના નાણા હતા તે ફરી ગયા છે. • મહેરબાની કરીને મને સમય આપો, મારા પરિવારને સંડોવો નહીં. • મારી પત્નીને કેન્સર છે, ડોક્ટરોની સલાહ લેવા માટે ૧૦ દિવસથી બહારગામ હતો. • મારા બાપ-દાદાનો રિયલ એસ્ટેટનો ધંધો છે અને હું પણ તેમાં જ છું. • લાલચમાં આવી જવાથી હું ભૂલ કરી બેઠો છું. • ડિપાર્ટમેન્ટ સમક્ષ મારો પક્ષ રજૂ કરીશ. મારી પૂછપરછ દરમિયાન ડિપાર્ટમેન્ટમાંથી કોણ હાજર રહેશે તે હું જ નક્કી કરીશ. • મારા માટે પરિવારની સલામતી એકમાત્ર પ્રાથમિક્તા. • જેમના કારણે મારા પરિવારને તકલીફ વેઠવી પડી તેમને હું ઉઘાડા પાડીશ. • હું ભાગેડુ નથી, મીડિયા હકીકત જાણ્યા વિના મને બદનામ કરે નહીં. • મારા નામ પર લાગેલું કલંક દૂર કરીને જ રહીશ. • દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીશ.

મહેશ શાહ સાવ ફકીર

• એએમસીના ચોપડે મહેશ શાહના કુલ રૂ. ૨૮૭૯૭ બાકી લેણાં છે • મહેશ શાહ અને તેની પત્ની વનિતા સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રૂ. ૧.૨૪ કરોડનો ચેક રિટર્નનો કેસ ૨૦૧૩ની સાલથી ચાલે છે. • મહેશ શાહનું આઈટી રિટર્ન માત્ર ૩ લાખનું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter