મુંબઈઃ જાણીતા લેખક, નાટ્ય સમીક્ષક, ઇમેજ પબ્લિકેશન્સના સ્થાપક સભ્ય તેમજ પરિચય ટ્રસ્ટ સાતે સંકળાયેલા અને છેલ્લા ૪૩ વર્ષથી ‘જન્મભૂમી-પ્રવાસી’માં સાપ્તાહિક કોલમ લખનારા ઉત્પલભાઈ ભાયાણીનું ૧૬ ઓક્ટોબરે ૬૬ વર્ષની વયે વિલે પાર્લે (પશ્ચિમ)ના સેન્ટ બાપ્ટિસ્ટા રોડસ્થિત તેમના નિવાસ સ્થાને હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. વિલે પાર્લે પવનહંસ નજીક વાઘજીભાઈની વાડી સ્મશાન ગૃહમાં ૧૬મી ઓક્ટોબરે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમને અંતિમ વિદાય આપવા રંગભૂમિ જ નહીં સાહિત્ય, સંગીત અને કલાજગતના જાણીતા કલાકારો પણ આવ્યા હતા.
પ્રવીણ સોલંકી, મનોજ જોશી, સનત વ્યાસ, સરિતા જોશી, કૌસ્તુભ ત્રિવેદી, સિદ્ધાર્થ રાંદેરિયા, ઉતંક વોરા, નૌશિલ મહેતા, મિહિર ભુતા, લતેશ શાહ, ચિરાગ વોરા, લલિત શાહ, ફિરોઝ ખાન, ઉત્કર્ષ મજમુદાર, ઉદય મજમુદાર, પરેશ દરૂ, આલાપ દેસાઈ, પાર્થિવ ગોહિલ, દર્શન જરીવાલા, દીપક સોમૈયા, જસ્મિન શાહ, ઇમેજ પરિવાર, તરપથી ગોપાલ દવે અને પબ્લિશરો અશોક શાહ તેમ જ હેમંત ઠક્કર સહિતના હાજર હતા.
એમ કોમ અને ફેલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (એફસીએ) સુધીનો અભ્યાસ કરનારા ઉત્પલભાઈ પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને લઘુકથા લેખત તેમજ નાટ્ય સમીક્ષક અને લેખક તરીકે રંગમંચની દુનિયામાં તેમજ ‘જન્મભૂમિ પ્રવાસી’ની રવિવારની ‘મધુવન’થી જાણીતા હતા. તેમના પરિવારમાં પત્ની કલ્યાણી ભાયાણી અને પુત્રી ઋચા છે. ઉત્પલભાઈની ટૂંકી વાર્તાઓના સંગ્રહનું પુસ્તક ‘ખતવણી’ વાચકોમાં ખૂબ જ પ્રિય થયું છે. ભાવનગરના મહુવાના વતની હરિવલ્લભભાઈ ભાયાણીના પુત્ર ઉત્પલભાઈનો જન્મ ૧૦ ઓક્ટોબર, ૧૯૫૩ના કેરલના કાલિકટમાં થયો હતો અને વર્ષ ૧૯૭૬માં મુંબઈમાં જન્મભૂમિ જૂથના અખબારોમાં લેખનની કારકિર્દી શરૂ કરી હતી. જે તેમના મરણ પર્યંત ચાલુ રહી હતી.

