લેસ્ટરઃ બેલગ્રેવ રોડ પરની જ્વેલર્સ શોપ વામા કલેક્શન્સના માલિક ગુજરાતી મૂળના ૭૪ વર્ષીય રમણિકલાલ જોગિયાનું બુધવારે - ૨૪ જાન્યુઆરીએ શોપ પાસેથી અપહરણ કરાયા પછી બીજા દિવસે સવારે સ્ટાઉટનના ગોલ્બી લેન ખાતેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. અપહરણ અને હત્યાની શંકાએ અત્યાર સુધીમાં પોલીસ દ્વારા પાંચ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ વ્હાઈટ ફોર્ડ ટ્રાન્ઝીટ વાન અને બ્લુ ફોર્ડ ફિએસ્ટા કારની તપાસ ચલાવે છે. આ વાહનો બુધવારે બેલગ્રેવ રોડ પર ચક્કરો મારતા જણાયાં હતા.
લેસ્ટરના વામા કલેક્શન્સ જ્વેલર્સના માલિક રમણિકલાલ જોગિયા ૨૪ જાન્યુઆરીએ રાત્રે શોપ પરથી ઘેર પાછા ફર્યા ન હતા અને તેઓ લાપતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમના પર શારીરિક હુમલાના પરિણામે ગંભીર ઈજાઓ જોવા મળી હતી. પોસ્ટ-મોર્ટમ તપાસ કરાઈ હતી પરંતુ, મોતનું ચોક્કસ કારણ શોધવા વધુ પરીક્ષણો કરવામાં આવનાર છે.
રહસ્યમય વ્યક્તિની હિલચાલ
૨૪ જાન્યુઆરીએ રાત્રે દુકાન બંધ કરાયા પછી થોડી જ મિનિટોમાં શોપિંગ ટ્રોલી લઈને દુકાનમાં ફરતી રહસ્યમય વ્યક્તિના ફૂટેજ સીસીટીવી કેમેરામાં કેદ થયેલા મળ્યા હતા, જેણે બુરખો પહેરેલો હતો. પોલીસે આ ફૂટેજ ૨૭ જાન્યુઆરીએ જારી કર્યા હતા. પોલીસને આ વ્યક્તિ અને તેની પાસેની શોપિંગ ટ્રોલીની તલાશ છે. શક પરથી પૂછપરછ કરવા ૧૮, ૧૯, ૨૦, ૨૨ અને ૨૩ વર્ષની પાંચ વ્યક્તિની ધરપકડ પણ કરાઇ હતી, જેઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ઘર-ઘર ફરીને તપાસ અને પૂછપરછ આરંભી છે. પોલીસે સોર રિવર પાસે પણ તપાસ આદરી હતી.
સૌરાષ્ટ્રના વતની, ૩૫ વર્ષથી લેસ્ટરમાં
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ને રમણિકલાલ જોગિયાના પારિવારિક સુત્રોએ આપેલી માહિતી મુજબ રમણિકલાલ જોગિયા મૂળ સૌરાષ્ટ્રના બાંટવા ગામના વતની છે અને ૩૫ વર્ષ પહેલા તેઓ ટાન્ઝાનીયાના કિગોમાથી અત્રે આવીને સ્થાયી થયા હતા. રમણિકલાલ છેલ્લા પચીસેક વર્ષથી લેસ્ટરમાં જ્વેલરીના વેપાર સાથે સંકળાયેલા છે અને હાલમાં મિલેશભાઇ (શાહ) સાથે મળીને વામા કલેક્શન્સ નામથી વેપાર કરતા હતા. દુકાનના અડધા હિસ્સામાં મિલેશભાઇ ઇમીટેશન જ્વેલરીનો વેપાર કરતા હતા જ્યારે રમણિકલાલ રીયલ ગોલ્ડ જ્વેલરીનો વેપાર કરતા હતા. રમણિકલાલની ઇચ્છા દુકાનનો બાકીનો ભાગ મિલેશભાઇને સોંપીને નિવૃત્ત થવાની હતી.
રમણિકલાલ આ અગાઉ યમુના જ્વલેર્સના નામથી ઝ્વેલરીનો શો રૂમ ધરાવતા હતા. રમણિકલાલને પરિવારમાં ૩ સંતાનો છે અને તેઓ પત્ની સાથે નજીકમાં જ રહેતા હતા. પોલીસે હજુ રમણિકભાઇનો મૃતદેહ પરિવારજનોને સોંપ્યો નથી અને પોસ્ટમોર્ટમ સહિત અન્ય તપાસ ચાલી રહી છે.
બુધવારથી લાપતા હતા
ગુજરાતી બિઝનેસમેન રમણિકલાલ જોગિયાના અપહરણ અને હત્યાના મામલે વધુ વિગતો બહાર આવી રહી છે. જોગિયા ૨૪ જાન્યુઆરીએ ઘેર ન આવતા ચિંતિત પરિવારે જોગિયાના ગોલ્ડન માઈલ બિઝનેસ ‘વામા કલેક્શન’ના ઈમિટેશન જ્વેલરી વિભાગ સંભાળતા ૫૬ વર્ષીય મિલેશભાઇને ફોન કરી જોગિયા ઘેર ન આવ્યાનું જણાવ્યું હતું. મિલેશભાઇએ કહ્યું હતું કે, ‘હું તત્કાળ શોપ પર ગયો હતો અને દુકાનનું બારણું ખુલ્લું હતું. જોગિયાના પત્ની અને બહેનો પણ મારી સાથે હતાં.
આ દરમિયાન, પરિવારે પોલીસને બોલાવી હતી અને તેમણે સીસીટીવીની શોધ ચલાવી હતી. સામેની શોપના સીસીટીવી ફૂટેજમાં જોગિયા ૭.૩૦ કલાકે શોપને લોક મારતા દેખાયા હતા પરંતુ, થોડી જ મિનિટોમાં બુરખાધારી પુરુષ ચાવીથી ડોર ખોલી અંદર જતો જણાયો હતો. તેણે એલાર્મને બંધ કરી દીધું હતું. તે સેફને ખોલવા પાછળ ગયો હતો પરંતુ, ખોલી શક્યો ન હતો. તે માત્ર ૩૦ સેકન્ડ જેટલો સમય અંદર રહ્યો હતો. તે પાછો આવી દુકાનની બહાર નીકળી ગયો હતો.’ મિલેશભાઇ અને રમણિકલાલ જોગિયાના પરિવારે વીડિયો જોયો હતો, જેમાં શકમંદ વ્યક્તિ ખાલી હાથે બહાર આવ્યો હતો.
નિવૃત્તિની તૈયારીમાં હતા
મિલેશભાઇએ કહ્યું હતું કે, ‘મિ. જોગિયા લાંબા સમયથી શોપ ચલાવતા હતા અને નિવૃત્ત થઈ શકે તે માટે પોતાનો હિસ્સો વેચી દેવા ઈચ્છતા હતા. તેમના બિઝનેસ પાર્ટનરનું થોડા મહિના અગાઉ જ મૃત્યુ થયું હતું અને થોડા જ મહિનામાં દુકાનમાં તેના વિભાગની જવાબદારી મારે સંભાળવાની રહેશે એમ તેમણે મને કહ્યું હતું.’
પોલીસના અનુમાન મુજબ રમણિકલાલ જોગિયા દુકાન બંધ કરી થોડા જ અંતરે આવેલા ઘર તરફ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે તેમને બળજબરીથી પકડીને વાનમાં બેસાડી દેવાયા હતા અને બીજા દિવસે - ૨૫ જાન્યુઆરીએ સવારે દુકાનથી સાત માઈલના અંતરે લેસ્ટર એરફિલ્ડ નજીક તેમનો ગંભીર ઈજાઓ સાથેનો મૃતદેહ ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
પરિવારનો અનુરોધઃ માહિતી આપો
રમણિકલાલ જોગિયાના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘રમણિકલાલ વફાદાર સદગૃહસ્થ હતા, જેઓ પોતાના પરિવાર પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા ધરાવતા હતા.. તેઓ પ્રેમાળ પતિ, પિતા, દાદા, ભાઈ અને કાકા હતા. તેમને પરિવાર સાથે સમય વીતાવવો ગમતો હતો. તેઓ પત્ની સાથે મનગમતી એશિયન ટીવી સીરિયલ્સ જોવાનું પસંદ કરતા હતા. અમારા પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. અમે મહાન માનવી ગુમાવ્યો છે. તેમની સાથે જે થયું તેનાથી અમે ભારે દુઃખ અનુભવીએ છીએ. જો તેમની સાથે શું થયું તેની કોઈ પણ માહિતી હોય તો પોલીસનો સંપર્ક સાધવા વિનંતી છે. તેમને કોઈ પરત લાવી શકશે નહિ પરંતુ, જવાબદાર માણસો પકડાય તે જરૂરી છે.’
પરિવારને સમાજનો સધિયારો
સોમવાર ૨૯ જાન્યુઆરીની બપોરે કોમ્યુનિટીના સભ્યો, બિઝનેસ માલિકો અને સ્થાનિક કાઉન્સિલરોએ મેન્સફિલ્ડ હાઉસ પોલીસ સ્ટેશનમાં યોજાયેલી બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં રમણિકલાલ જોગિયાના મૃત્યુ વિશે ચર્ચા થઈ હતી. પોલીસ ઓફિસરોએ તેમને તપાસની વિગતોથી માહિતગાર કર્યા હતા. લોકો પાસે કોઈ પણ માહિતી હોય તો નંબર ૧૦૧ અથવા ક્રાઈમસ્ટોપર્સ મારફતે પોલીસને આપવા અનુરોધ કર્યો હતો. બિઝનેસ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા તેમજ દુકાનો ખુલવા અને બંધ થવાના સમયે પોલીસ પેટ્રોલિંગના મહત્ત્વ વિશે પણ ચર્ચા થઈ હતી.


