નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭મી સપ્ટેમ્બરે ૭૦ વર્ષ પૂરાં કર્યાં. તેમના જન્મદિને સમગ્ર વિશ્વમાંથી તેમને શુભેચ્છાઓ વરસી હતી. અનેક દેશના વડા, પ્રમુખો, ઉપપ્રમુખો, નેતાઓ, અગ્રણી પ્રખ્યાતિઓએ તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. કોરોનાના સંકટ વચ્ચે મોદીએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને જન્મદિનની સાદાઈથી ડિજિટલ ઉજવણી કરી હતી.
મોદીને દેશ વિદેશમાંથી મળેલી અનેક શુભેચ્છામાં કહેવાયું હતું કે, કોવિડ-૧૯ સામેનો પડકાર હોય કે ભારત સામેના અન્ય દેશોએ ઊભી કરેલી સરહદી મુશ્કેલી વડા પ્રધાન મોદીના નીડર વડપણ હેઠળ સૂઝથી તેને ઉકેલવા પ્રયત્ન થતાં આવ્યાં છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ વડા પ્રધાન તરીકે મોદીની સૂઝ અને યોગદાનની ભરપૂર પ્રશંસા થઈ રહી છે. મોદીએ રાષ્ટ્રીય અને વૈશ્વિક હસ્તીઓએ પાઠલેવી શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.
શાસક પક્ષ ભાજપે મોદીના જન્મદિનની ઊજવણી નિમિત્તે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો યોજ્યા હતા. આ દિવસે જાહેર સેવાઓના વિકાસની યોજનાઓ પર વિશેષ ધ્યાન અપાયું હતું. આ ઉપરાંત ભાજપે ૧૦ લાખ સેલ્ફી સંદેશા પણ પાઠવ્યા હતા.
પ્રધાન પ્રકાશ જાવડેકરે નરેન્દ્ર ૭૦ ડોટ ઈન વેબસાઈટ લોન્ચ કરી હતી. જેમાં મોદીના જીવન પર પ્રકાશ પાડતાં વિવિધ લેખોનું કલેક્શન છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોદીના જન્મદિને શુભેચ્છા પાઠવી હતી કે, તમે ભારતના જીવન મૂલ્યો અને લોકતાંત્રિક પરંપરાઓ પ્રત્યે કટિબદ્ધતા દર્શાવવામાં આદર્શ રજૂ કર્યો છે.
મોદીને ટ્વિટર પર જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું કે, મોદીજીના રૂપમાં દેશને એક નવું નેતૃત્વ મળ્યું છે. મોદીજીએ લોક કલ્યાણકારી નીતિઓથી વંચિત વર્ગને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડ્યો છે અને એક મજબૂત અને આત્મનિર્ભર ભારતનો પાયો નાંખ્યો છે. મોદીએ તેમનું જીવન રાષ્ટ્રના કલ્યાણ માટે સમર્પિત કર્યું છે. તેમણે દેશસેવા અને ગરીબોની સેવા માટે જીવન સર્મિપત કર્યું છે. આત્મનિર્ભર માટે પોતાના જીવની ક્ષણો ખપાવી દેનારા મહાન નેતાના નેતૃત્વમાં મા ભારતીની સેવા કરવાની તક મને મળી એ સૌભાગ્યની વાત છે.
ભાજપના પક્ષપ્રમુખ જે. પી. નડ્ડાએ આ દિવસે શ્રેણીબદ્ધ ટ્વિટ કરી મોદી સરકારની ૨૪૩ અસાધારણ સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. ‘લોર્ડ ઓફ રેકોર્ડ્સ’નું અનાવરણ પણ આ દિવસે કરાયું હતું. તેમણે ટ્વિટ કરી હતી કે, મોદીના નેતૃત્વમાં ભારત વિકાસના માર્ગે આગળ વધ્યું છે અને વૈશ્વિક સ્તરે ભારતનું મહત્ત્વ વધ્યું છે. સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં નિર્ણાયક પગલાંથી દેશને લાભ થયો છે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આ દિવસે કહ્યું કે, દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને ભારતને આત્મનિર્ભર બનાવવા મોદી અથાક પ્રયાસો કરી રહ્યાં છે.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મોદીના આરોગ્ય અને દીર્ઘાયુની કામના કરતા શુભેચ્છા પાઠવી હતી.
ભાજપના અગ્રણી નેતાઓ ઉપરાંત વિપક્ષના નેતા રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, એનસીપી પ્રમુખ શરદ પવાર, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી સહિત દેશની પ્રખ્યાત હસ્તીઓએ વડા પ્રધાન મોદીને શુભેચ્છા પાઠવી હતી. નવી દિલ્હીમાં આવેલા વિવિધ દેશોના દૂતાવાસે પણ મોદીને તેમના ૭૦મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
વિદેશી હસ્તીઓ દ્વારા મોદીને જન્મદિને વધામણા
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને મોદીના જન્મદિને પત્ર લખીને તેમના આરોગ્ય અને સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. મોદીના નેતૃત્વમાં ભારતે સામાજિક-આર્થિક, ટેકનિકલ અને વૈજ્ઞાનિક મોરચે મોટી સફળતા હાંસલ કર્યા બદલ પત્રમાં મોદીની પ્રશંસા કરી હતી. પુતિને ભારત-રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં મોદીનું મોટું પ્રદાન છે તેમ જણાવી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવામાં મોદીના વ્યક્તિગત યોગદાનની પ્રશંસા કરી હતી.
જર્મન ચાન્સેલર એન્જલા મર્કેલે ‘નરેન્દ્ર’ સંબોધન કરીને મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મર્કેલના સંદેશાને વડા પ્રધાન કાર્યાલયે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. મર્કેલે નોંધ્યું હતું કે, ભારત અને જર્મનીના નાગરિકોના લાભમાં બંને દેશ વચ્ચે પરંપરાગત સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મોદી સફળ થયા છે.
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ મોદીને મિત્ર કહી સંબોધતાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને હિંદીમાં ટ્વિટ કરીને આશા વ્યક્ત કરી હતી કે, આવનારા સમયમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો નવી ઊંચાઇ સર કરશે.
નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીએ વડા પ્રધાન મોદીને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, બંને નેતાઓ ભારત અને નેપાળના સંબંધોને વધુ સુદૃઢ કરવા સાથે મળીને કામ કરતા રહેશે.
ભુતાનના વડા પ્રધાન લોતાય શેરિંગ અને શ્રીલંકાના પ્રમુખ ગોટબાયા રાજપક્ષે દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ફિનલેન્ડના વડા પ્રધાન સન્ના મારિને પણ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે બંને દેશો વચ્ચે સંબંધોને ગાઢ કરવાની વ્યાપક શક્યતાઓ છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુડ ફ્રેન્ડ મોદી સંબોધન કરતાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
તુર્કમેનિસ્તાનના પ્રમુખ ગુરુબંગુલી, કઝાખસ્તાનના પ્રમુખ કાસિમ જોમરાટ ટોકાયેવ, ઉઝબેકિસ્તાનના પ્રમુખ શવકત મિર્ઝીયોયેવ, પોર્ટુગલના વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટા અને લક્ઝમબર્ગના વડા પ્રધાન ઝેવિયર બેટ્ટેવે પણ વડા પ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.


