નવી દિલ્હી: ‘ફોર્ચ્યુન’ મેગેઝિનની વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ લીડર્સ ઓફ ૨૦૧૮ની યાદીમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, માનવાધિકાર માટે લડી રહેલા એડવોકેટ ઇન્દિરા જયસિંગ તેમજ હાલમાં જ પ્રિટ્ઝકર પુરસ્કાર મેળવનારા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પણ સ્થાન મળ્યું છે.
આ યાદીમાં વિશ્વભરના કુલ ૫૦ લોકોનો સમાવેશ કરાય છે. આ યાદીમાં પહેલા અને બીજા નંબરે બિલ અને મેલિન્ડા ગેટ્સ, જ્યારે ત્રીજો ક્રમ જાતીય શોષણ સામે ચાલેલા ‘મી ટુ’ અભિયાનને અપાયો છે. મુકેશ અંબાણીને સસ્તા ઇન્ટરને ડેટા બદલ મુકેશ અંબાણીએ ગયા સપ્તાહે જ ૬૧ વર્ષ પૂરા કર્યા છે. ફક્ત બે જ વર્ષમાં સામાન્યમાં સામાન્ય માણસને સસ્તું ઇન્ટરનેટ પૂરું પાડવા બદલ અંબાણીને આ યાદીમાં સ્થાન મળ્યું છે.
‘ફોર્ચ્યુન’એ કહ્યું હતું કે, મુકેશ અંબાણીએ ફક્ત બે જ વર્ષમાં વિશ્વનું પહેલું આઈપી આધારિત મોબાઇલ નેટવર્ક વિકસાવ્યું છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં જિયોના ૧૬.૮ કરોડ યુઝર્સ હતા. જિયોએ ઓફર કરેલા સસ્તા ડેટાના કારણે ઊંચી કિંમતોએ ડેટા વેચતી કંપનીઓએ ભાવ ઘટાડો કરવાની ફરજ પડી હતી. ત્યાર પછી ભારત ઈન્ટરનેટ ડેટાનું વેચાણ ૧,૧૦૦ ગણું વધી ગયું હતું.
ઇન્દિરા જયસિંહને માનવાધિકાર કામો બદલ આ યાદીમાં મુકેશ અંબાણીને ૨૪મું સ્થાન મળ્યું છે, જ્યારે ‘લોયર્સ કલેક્ટિવ’ નામની સંસ્થાના સ્થાપક ઈન્દિરા જયસિંહને ૨૦મો ક્રમ અપાયો છે. ઇન્દિરા જયસિંહ વિશે ‘ફોર્ચ્યુન’એ કહ્યું હતું કે, ભારતમાં ગરીબમાં ગરીબ વ્યક્તિને અવાજ જોઇએ ત્યારે તેઓ જયસિંહ પાસે જાય છે. આ મહિલા એડવોકેટે અન્યાય સામે અવાજ ઉઠાવવા ઘણું બલિદાન આપ્યું છે. તેઓ ૧૯૮૪ના ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે પણ લડી રહ્યા છે. ભારતમાં રહેતી સીરિયન મહિલાને પતિ જેટલો જ મિલકતનો હક અપાવવામાં પણ તેમની ભૂમિકા છે. મ્યાનમારમાં કામ કરવા માટે યુએનએ તેમની નિમણૂક કરી છે. ભારતનો પહેલો ડોમેસ્ટિક વાયોલન્સ કાયદાનો ડ્રાફ્ટ કાઢવામાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા છે.
બાલકૃષ્ણ દોશીને સસ્તા ઘર ડિઝાઇન કરવા બદલ ‘ફોર્ચ્યુન’ની ગ્રેટેસ્ટ લીડર્સની યાદીમાં અમદાવાદના વિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને ૪૩મો ક્રમ અપાયો છે. તેઓ ૭૦ વર્ષમાં ગરીબો માટે સસ્તા અને સારા ઘર બનાવવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી ચૂક્યા છે. તેમનો ઇન્દોરનો અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટ એ માટે જ પ્રસિદ્ધિ પામ્યો છે, જ્યાં તેમણે સારી એવી મોકળાશ આપતા ૮૦ હજાર ઘર ડિઝાઇન કર્યા છે.
અમદાવાદમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનું હાઉસિંગ પણ તેમની કળાનો નમૂનો છે. નોંધનીય છે કે, આ યાદીમાં એમેઝોનના જેફ બેઝોસ, એપલના સીઈઓ ટીમ કૂક, ન્યૂ ઝીલેન્ડના વડાંપ્રધાન જેસિન્દા આર્ડર્ન, કેનેડિયન વડા પ્રધાન જસ્ટન ટ્રુડો, જનરલ મોટર્સના સીઈઓ મેરી બારા અને ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ જેવી હસ્તીઓનો પણ સમાવેશ કરાયો છે.