વડા પ્રધાન મોદીનો વિકાસમંત્રઃ વિઝન + સ્વપ્ન + સંકલ્પ + સામર્થ્ય

Wednesday 08th March 2017 05:44 EST
 
ભરૂચમાં મંગળવારે દેશના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી
 

અમદાવાદ, ભરૂચઃ વિકાસ માટે વિઝન જોઇએ, સ્વપ્ન જોઇએ, સંકલ્પ પણ જોઇએ અને સામર્થ્ય પણ જોઇએ. આ બધું હોય તો સિદ્ધિ આપોઆપ મળે છે. મંગળવારે બપોરે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચમાં નવનિર્મિત કેબલ સ્ટડ બ્રિજના લોકાર્પણ દરમિયાન સરકારની સિદ્ધિઓ વર્ણવતા આ શબ્દો ઉચ્ચાર્યા હતા.
ગુજરાત પ્રવાસના પ્રારંભે વડા પ્રધાને દહેજમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન (ઓએનજીસી) દ્વારા નિર્મિત એશિયાના સૌથી મોટા પેટ્રોકેમિકલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. અહીં થોડોક સમય રોકાણ કર્યા બાદ તેઓ દેશના સૌથી લાંબા કેબલ સ્ટડ બ્રિજનું લોકાર્પણ કરવા ભરૂચ પહોંચ્યા હતા. ૩૭૦ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયેલા બ્રિજને રિમોટ કન્ટ્રોલ વડે ખૂલ્લો મૂકતા વડા પ્રધાને મહત્ત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે રાજ્યના આઠ હાઇ-વેને નેશનલ હાઇ-વેમાં પરિવર્તિત કરાશે. આ માટેની યોજનાને અંતિમ ઓપ અપાઇ ગયો છે.
તેમણે કહ્યું હતું કે આઠ હાઈ-વે નેશનલ હાઈ-વેમાં પરિવર્તિત થવાથી ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ચાર ચાંદ લાગી જશે. આશરે રૂ. ૧૨ હજાર કરોડના મૂડીરોકાણથી ગુજરાતના માર્ગોનો વિકાસ થશે. તેની લંબાઈ આશરે ૧૨૦૦ કિલોમીટર હશે. જેનાથી આદિવાસી પટ્ટાને સૌથી વધુ લાભ મળશે. ધોળાવીરા કેન્દ્રમાં આવી જશે, તો દુનિયાભરના ટુરિસ્ટ આકર્ષાશે. આ ઈન્ફ્રાસ્ટ્રકચરથી રોજગારી પણ મળશે અને અકસ્માત ઘટશે.

૨૧મી સદીમાં હાઇ-વે સાથે આઇ-વે પણ જોઇએ

હવે ભારતને ૨૧મી સદીની આવશ્યકતાઓને અનુરૂપ બનાવાશે. હવે હાઈ-વેની સાથે આઈ-વે પણ જોઈએ. આઇ-વે એટલે કે ઈન્ફોર્મેશન વે. આપણા દેશમાં જૂની સરકારમાં ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કની યોજના બની હતી. સવા લાખ ગામમાં ઓપ્ટિકલ ફાઈબર લગાવવાના હતા, જેની સામે માત્ર ૫૯ ગામમાં જ લાગ્યા. આની સામે અમારી સરકારે અત્યાર સુધીમાં ૬૮,૦૦૦ ગામોમાં ઓપ્ટિકલ ફાઈબર લગાવ્યા છે. ઈરાદો નેક હોય તો કામમાં રુકાવટ નથી. જનતાનો પણ સહયોગ મળતો હોય છે.

પહેલાં ૨ કિ.મી., હવે ૨૨ કિ.મી.

પહેલા એક દિવસમાં સરેરાશ બે કિલોમીટર રસ્તા બનતા હતા. હવે એક દિવસમાં ૨૨ કિલોમીટર કામ થાય છે એટલે કે ૧૧ ગણું વધારે. આજે એક વર્ષમાં રેલવે ટ્રેકનું કામ કરવાની ક્ષમતા ડબલ થઈ ગઈ છે. હવે અમારું ફોકસ ૫૦૦ રેલવે સ્ટેશનના નવીનીકરણનું છે. બધા જ મલ્ટીસ્ટોરી સ્ટેશન બનશે. જ્યાં બધા જ પ્રકારની સુવિધાઓ હશે. ટ્રેક પર ગાડીઓ ચાલતી રહેશે. સ્ટેશનની બાકી જગ્યાઓનો પણ વિકાસ થવો જોઈએ.

કાલે ગંગા પાસે, આજે નર્મદા પાસે

કાલે હું મા ગંગાની પાસે હતો. આજે મા નર્મદા પાસે છું... વડા પ્રધાન મોદીએ ભરૂચમાં વિશાળ મેદનીને સંબોધતા આ શબ્દો કહ્યા ત્યારે હર્ષોલ્લાસથી તેમને વધાવી લેવાયા હતા. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસ ઉત્તર પ્રદેશના બનારસમાં મુકામ કર્યો હતો. તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કાલે બનારસમાં હતો, આજે ભરૂચમાં છું. બનારસ ઈતિહાસમાં જૂનું શહેર છે. ભરૂચ ગુજરાતનું પુરાતન શહેર છે.
ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ખુલ્લો મૂકાયેલો આ બ્રિજ દેશનો સૌથી મોટો કેબલ બ્રિજ છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પહોંચેલા વડા પ્રધાનનું હેલિપેડ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સમયમર્યાદામાં કામ

વડા પ્રધાને કહ્યું હતું કે દુનિયાને ખબર નહીં પડે કે બ્રિજ બનવાનો મતબલ શું હોય. ભરૂચે આ કષ્ટ બરાબર ઝીલ્યું છે. આટલી તકલીફો બાદ, કલાકો સુધી એમ્બ્યુલન્સ પણ અટવાઇ જતી હોય ત્યારે આ સુવિધા પ્રાપ્ત થાય ત્યારે તેની અગત્યતા કેટલી છે તે ગુજરાતના લોકો જાણે છે.
તેમણે તાજેતરના ઉત્તર પ્રદેશના પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે લોકો મને બ્રિજના સ્મારક બતાવે છે. બ્રિજના પીલર તૈયાર થાય છે અને પછી કામ અધૂરા લટકી જાય છે. કાશીમાં પણ એક બ્રિજ ૧૩ વર્ષથી અધૂરો પડ્યો છે. નિર્ધારિત સમયમર્યાદામાં કામ પાર પાડવાનું કલ્ચર ગુજરાતમાં અમે લાગુ પાડ્યું, તે હવે અમે આખા દેશમાં લાગુ કરી રહ્યાં છીએ.

ભરૂચમાં શાનદાર બસ પોર્ટ

અમીર જ્યારે એરપોર્ટ પર જાય છે ત્યારે તેને બધી જ સુવિધાઓ મળે છે. જોઇએ તે બધું જ મળી રહે છે. તો શું મારા દેશના ગરીબોને તેનો હક ન હોવો જોઈએ? માત્ર હવાઈમાં ઉડનારાઓને જ હક ન મળવા જોઇએ. મળવો જોઈએ. સામાન્યમાં સામાન્ય માનવીને પણ પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે વડોદરામાં પીપીપી મોડેલથી આધુનિક બસ ડેપો બન્યો. જેના વીડિયો આખા દેશમાં જોવાયા હતા. તમે વડોદરામાં જશો તો સમગ્ર બસ ડેપો સાફસુથરો જોવા મળશે. આ પછી અમદાવાદમાં આવો બસ ડેપો બન્યો. હવે રાજ્ય સરકારે આ જ યોજનાને આગળ વધારતા ભરૂચમાં શાનદાર બસ પોર્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન ભરૂચમાં મંગળવારે આધુનિક બસ પોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે સુરતની જેમ ૧૦-૧૫ વર્ષમાં ભરૂચનું સમગ્ર ચિત્ર બદલાઈ જશે. વિશ્વમાં સૌથી ઊંચું સરદારનું સ્ટેચ્યું બનશે, જેને નિહાળવા વિદેશી મહેમાનો આવશે. જેનો લાભ આ વિસ્તારને મળશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેક ગરીબને પોતાનું ઘર મળવું જોઈએ, આ માટે અમે કામ કરીએ છીએ. આ સપનાને પણ અમે પૂરુ કરીશું.

ભારતમાલા-સાગરમાલા

સાગરમાલા યોજનામાં આખા ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રકચર બનશે. ભારતમાલા અને સાગરમાલાથી દેશની સિકલ બદલાશે. સાગરમાલા અંતર્ગત પોર્ટ સેક્ટરમાં રૂ. ૮૦૦૦ કરોડનું નવું રોકાણ આવે તે દિશામાં અમે કામ કરી રહ્યા છે, જેનો ફાયદો ગુજરાતને પણ થશે.

૨૦૦ ટાપુનો વિકાસ

ભારત પાસે કેટલા આઈલેન્ડ છે તેની જાણકારી કોઈની પાસે ન હતી. અમે સેટેલાઈટ ટેકનોલોજીથી જાણ્યું કે, ભારત પાસે ૧૩૦૦થી વધુ આઈલેન્ડ છે. જેમાં કેટલાક તો સિંગાપોરથી પણ મોટા છે. જો તેનો વિકાસ કરાય તો ટુરિઝમ ડેવલપમેન્ટ કરી શકાય તેમ છે. આવનારા દિવસોમાં ૨૦૦ ટાપુના વિકાસનું મોડલ તૈયાર થઈ રહ્યું છે. આવું થશે તો સિંગાપોર જવાની જરૂર નહિ પડે. આપણે બધું જ કરી શકીએ છીએ.
જાહેર સભામાં વિશાળ કદના ફૂલહારથી વડા પ્રધાનનું સ્વાગત કરાયું હતું. બાદમાં એકાએક પવન ફૂંકાતા એક મંડપ તૂટી પડ્યો હતો.
કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું કે, ૨૦૧૨માં આ બ્રિજના નિર્માણ કાર્ય માટે કોંગ્રેસની સરકાર દરમિયાન ઓર્ડર અપાયો હતો. વિજયભાઈ મારી પાસે બ્રિજની કામગીરી માટે આવ્યા. અમે નવું ટેન્ડર કાઢ્યું, અને નવું કામ એલએન્ડટીને આપ્યું. અમારી સરકારમાં આ બ્રિજ બન્યો. ટેન્ડર કેન્સલ કર્યા બાદ રૂપિયા વધે છે, પણ એટલા જ રૂપિયામાં આ કામ થયું છે. ૯૫ જેટલા પ્રોજેક્ટ પૂરા થયા છે.
કેન્દ્રીય પ્રધાને ભારપૂર્વક દાવો કર્યો હતો કે અમારા રોડ હવે ૨૦૦ વર્ષની ગેરેન્ટી આપી શકે છે. જેના પર પેઢીઓ સુધી કંઈ નહિ થાય. સરકાર આવતા પહેલા પોર્ટ નુકશાનમાં ચાલતા હતા, પણ ગત વર્ષે અમારા દરેક ઓર્ગેનાઈઝેશન પ્રોફિટમાં રહ્યા. અમારા પાંચ વર્ષ પૂરા થશે ત્યાં સુધીમાં ગુજરાતમાં અમે બે લાખ કરોડના કામ કરીશું. કંડલા પોર્ટે ૧૦૦૦ કરોડનો પ્રોફિટ કર્યો છે. ૧૦૦૦ મિલિયન ટન કન્ટેનર ટ્રાફિક રહ્યો છે.

માતાને મળવા પહોંચ્યા

વડા પ્રધાન મોદી જ્યારે પણ ગુજરાત આવે છે તે માતા હીરાબાને મળવા અવશ્ય જાય છે. ભરૂચમાં ભારતના સૌથી મોટા કેબલ બ્રિજનું ઉદ્ધાટન કર્યા બાદ મોદી અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. અને એરપોર્ટથી રાયસણ સ્થિત નિવાસસ્થાને માતા હિરાબાને મળવા પહોંચી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ઉપર ઉમટેલા પક્ષના કાર્યકરોને સંબોધીને સીધા જ રાયસણ સ્થિતિ નિવાસસ્થાને માતા હીરાબાને મળવા પહોંચી ગયા હતા. જ્યાં તેઓ દસેક મીનિટ માતા હિરાબા સાથે રોકાયા હતા અને ખબરઅંતર જાણ્યા હતા.

રાત્રિભોજન રાજભવનમાં

માતા હિરાબાને મળીને મોદી સીધા જ ગાંધીનગર સ્થિત રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાત્રિભોજન લીધું હતું. આ ભોજન સમારંભમાં સાંસદો અને ધારાસભ્યો પણ જોડાયા હતા. આ ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ. પી. કોહલીએ પણ વડા પ્રધાન સાથે ભોજન લીધું હતું. બાદમાં તેઓ મુખ્ય પ્રધાન સહિતના નેતાઓ સાથે ચર્ચા કરવાના હતા.

મોદીનું મનપસંદ ભોજન

ભોજન સમારંભ માટે મોદીની પસંદગીને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી હતી. જેમાં બટાકાનું રસાવાળું શાક, કઢી, ખીચડી, દાણા-પાંદડાનું મુઠીયાવાળું શાક, ફુલકા રોટી, પેટીસ ઢોકળા, પનીર ટીક્કા આચારી, આદુ-ફુદીનાનું શરબત, છોલે, પનીર પસંદ, દાલ તડકા, જીરા રાઇસ વગેરે હતા. આ ઉપરાંત મીઠાઇમાં કેસરીયા જલેબી અને સ્ટ્રોબેરી ચોકલેટ કેક પીરસાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter