અમદાવાદઃ આગામી વર્ષે ૧૮થી ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ માટે વિશ્વના મહત્ત્વના દેશોમાં પાંચમી સપ્ટેમ્બરથી રોડ-શો શરૂ થઈ રહ્યા છે અને તે માટેનો આખો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. અગાઉના વાઇબ્રન્ટ ગુજરાત સમિટની જેમ આ વખતે પણ ૧૨ આઇએએસ અધિકારીની આગેવાનીમાં ડેલિગેશન ગુજરાતમાં વિદેશી રોકાણ આકર્ષવાની કવાયત હાથ ધરશે. પ્રત્યેક ડેલિગેશનમાં સાતથી આઠ બિઝનેસમેન પણ સામેલ છે. રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૯ માટેની વિવિધ કામગીરી શરૂ કરી દીધી છે. તેમાં કેટલાક કામ માટેના નાના ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે તો કેટલાક કામ માટેના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પડી જશે. આ ઉપરાંત વિશ્વભરમાં ભારતને પ્રમોટ કરીને ગુજરાત એક ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરાશે. સાથે સાથે એ બાબત પર પણ ફોકસ કરાશે કે ગુજરાતમાં એવાં નવાં ક્ષેત્રોમાં રોકાણ આવે જે ગુજરાતના વિકાસમાં વધુ મદદ કરતું હોય. ડેલિગેશનની સાથે ગયેલા ઉદ્યોગપતિ કે અન્ય કંપનીઓ ગુજરાતમાં જોઈન્ટ વેન્ચર કંપની અથવા નવાં જોડાણો કરે તેવા પણ પ્રયત્ન હાથ ધરાશે.’
ઉત્તરાયણ પછી વાઈબ્રન્ટ
આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ઉત્તરાયણ બાદ ૧૮ જાન્યુઆરીથી યોજાશે. રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગે નક્કી કરેલા કાર્યક્રમ મુજબ ૪થી સપ્ટેમ્બરથી જ રોડ-શો શરૂ થઈ જશે છેક ઓક્ટોબરના અંત સુધી ચાલશે, તેમાં એક સમયે બે જુદા જુદા દેશોમાં આઇએએસ અધિકારીઓની આગેવાની હેઠળ રોડ-શો યોજાશે. આ વખતે રોડ-શો ભારતના વિકાસની વાતની સાથે ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરાશે. આ ડેલિગેશનમાં ઉદ્યોગપતિઓ ઉપરાંત ઉદ્યોગોનાં સંગઠનો સીઆઇઆઇ, ફિક્કી અને નોલેજ પાર્ટનર એવા કેપીએમજી અને ઇ એન્ડ વાયના પ્રતિનિધિઓ પણ જોડાશે.
આ રોડ-શો બાદ ડોમેસ્ટિક રોડ-શોનું પણ આયોજન હાલમાં થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના ડીઆઇપીપી પણ આ આયોજનમાં કેટલાક અંશે સંકળાયેલી છે. સાથે વિદેશમાં ઇન્વેસ્ટ ઇન્ડિયાની ટેગલાઇન હેઠળ ગુજરાતમાં રોકાણ માટે પ્રયત્નો હાથ ધરાશે.
વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓનો પ્રારંભ
• ૪-૧૫ સપ્ટેમ્બરઃ ચીન, સાઉથ કોરિયા
• ૫-૧૪ સપ્ટેમ્બરઃ સાઉથ આફ્રિકા, કેન્યા
• ૫-૧૪ સપ્ટેમ્બરઃ ઈજિપ્ત, તૂર્કી, મોરક્કો
• ૧૩-૨૨ સપ્ટેમ્બરઃ ઓસ્ટ્રેલિયા
• ૧૭-૨૧ સપ્ટેમ્બરઃ યુકે, નેધરલેન્ડ
• ૧૭-૨૫ સપ્ટેમ્બરઃ રશિયા, ફ્રાન્સ
• ૨૩-૩ ઓક્ટોબરઃ જર્મની, યુએઇ, ઓમાન
• ૨૪-૫ ઓક્ટોબરઃ યુએસએ
• ૨૪-૩ ઓક્ટોબરઃ ડેન્માર્ક, ફિનલેન્ડ, સ્વીડન
• ૩૦-૮ ઓક્ટોબરઃ મલેશિયા, સિંગાપોર
• ૭-૧૨ ઓક્ટોબરઃ સાઉદી અરેબિયા, કતાર
• ૧૮-૨૬ ઓક્ટોબરઃ જાપાન, તાઇવાન.