લંડનઃ ઈન્ટરનેશનલ એજ્યુકેશન કોન્ફરન્સમાં ભાગ લેવા માટે લંડન આવેલા ગુજરાતના રાજય કક્ષાના શિક્ષણપ્રધાન શ્રીમતી વિભાવરીબહેન દવેએ શનિવાર તા.૨૭ જાન્યુઆરીને વસંતપંચમીએ નીસડન સ્થિત BAPS સ્વામીનારાયણ મંદિરમાં પ્રતીક ઉત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો. ત્યાં તેમણે નીલકંઠ વર્ણીની પ્રતિમા પર અભિષેક કર્યો હતો. શનિવારની સભામાં BAPSના મહિલા અગ્રણી શ્રીમતી ઈન્દુબહેન પટેલે તેમનું પુષ્પમાળા પહેરાવીને બહુમાન કર્યું હતું.
તે અગાઉ શુક્રવાર તા.૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતીય હાઈ કમિશન દ્વારા યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લઈને તેમણે તિરંગાને સલામી આપી હતી.
તા. ૨૮ને રવિવારે વિભાવરીબહેન દવેએ ઈલ્ફર્ડમાં આવેલી વિશ્વ હિંદુ પરિષદ (VHP) મંદિરની મુલાકાત લીધી હતી અને ઉપસ્થિત હોદ્દેદારો તથા કાર્યકરો અને લોકોને સંબોધન કર્યું હતું. તેમણે હિંદુ ધર્મ અને હિંદુ પરંપરાનું જતન કરવા સૌને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના પ્રમુખ લાલુભાઈ પારેખ અને સેક્રેટરી શશીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિભાવરીબહેન દવે છેલ્લી ત્રણ ટર્મથી ભાવનગર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ભાવનગરના પ્રથમ મહિલા મેયર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. એમ.કોમ સુધીનો અભ્યાસ કરનારા વિભાવરીબહેન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.


