વ્યાપારિક વ્યૂહ માટે નેતાઓની આધ્યાત્મિક જાગૃતિ જરૂરીઃ સંત બ્રહ્મવિહારીદાસજી

Thursday 05th September 2019 05:48 EDT
 
 

જ્હોનિસબર્ગઃ સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારીદાસજીએ ૩જી સપ્ટેમ્બરે દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વ્યાપારિક વ્યૂહરચનાને આગળ ધપાવવા માટે નેતાઓએ કરુણાપૂર્વક, સહકાર અને આધ્યાત્મિક જાગૃતિ સાથે કાર્ય કરવું પડશે. શક્યતાઓમાં વિશ્વાસનો પ્રભાવ એવો હોય છે કે તેનાથી વ્યક્તિગત કરતાં સમગ્ર સમુદાયને એ કાર્ય ઉપયોગી બની રહે છે. નેતાઓએ પોતાના સમાજની પણ કાળજી રાખવી પડશે અને તે માટે વિચાર અને કાર્યની એકતા પ્રાસંગિક બની રહેશે. એકલી વ્યક્તિ કંઈ જ કરી શકતી નથી, સાથે મળીને થયેલું કાર્ય સફળ થાય છે.

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારીદાસજી તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રહ્યા ત્યારે ખંડના મહાદ્વીપના અને આર્થિક કેન્દ્ર એવા જ્હોનિસબર્ગના ગોલ્ફ કોર્સમાં લીડરશિપ ઈન ડિસ્કવરી વિષય ઉપર યોજાયેલા ‘વિઝનરી બ્રેકફાસ્ટ’ અંતર્ગત તેમણે ઉપરોક્ત વિચારો સ્પષ્ટ કર્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ)ના ઉપક્રમે આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમમાં સરકાર, સ્વૈચ્છિક સંગઠનો અને વેપારી જગતનાં ૧૦૦થી વધુ મહેમાનો-અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

દક્ષિણ આફ્રિકાની ટોપ પોલિસી રિસર્ચ ગ્રૂપના સીઈઓ ફ્રેન્સ ક્રોનીએ વિગતવાર સ્થાનિક રાષ્ટ્રની વર્તમાન સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી જ્યારે દક્ષિણ આફ્રિકાના આર્થિક બાબતોના વરિષ્ઠ પત્રકાર બ્રૂસ વિટફિલ્ડ દ્વારા અનિર્ણિત દક્ષિણ આફ્રિકામાં રહેલી સંભવિતતાને મૂર્તિમંત કરવા માટે વ્યાપારિક નેતાઓ દ્વારા શું થઈ શકે? તે અંગે પ્રકાશ પાડ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter