પચાસ વર્ષ પહેલાંના અમેરિકાની સ્થિતિ કેવી હશે? એ સમયે જ અમેરિકા જતાં ભારતીયોમાં ખાસ કરીને ઇજનેરો વધુ હતાં. એરપોર્ટથી ઘેર જવાની, રહેવાની અને ખાસ કરીને ખાવા-પીવાની સમસ્યા. શાકાહારી એવા ભારતીયો અમેરિકાની ધરતી પર ઉતરે એટલે પાણી પણ પીતા વિચાર કરે એવો એ કપરો ઉજ્જવળ ભવિષ્યનો પથ હતો. આ સમયે આવા ભારતીયોનાં મદદગાર હતા રમેશ પટેલ.
મૂળ આણંદ પાસે ગામડીનાં રમેશ પટેલનાં પરિવારનો તમાકુનો ધંધો. ખાધેપીધે સદ્ધર પરિવારનાં રમેશ પટેલે પચાસ વર્ષ પહેલાં અમેરિકાની ધરતી પર પગ મૂક્યો અને અકલ્પ્ય અનુભવો થવા લાગ્યા. JFK એરપોર્ટથી ઘરે જવાનું ટેક્સી ભાડું જ પાંચેક ડોલર હતું અને એ સમયે ભારતીયોને વિદેશી હુંડીયામણ લઈ જવાની પરવાનગી હતી ફક્ત સાત ડોલર! થોડા સમયમાં ચરોતરનાં આ પટેલે ઘણું શીખી લીધું અને તૈયારી કરી ભારતીયોનાં અમેરિકામાં વસવાટ કરવા માટે મદદની. એરપોર્ટથી લોકોને લાવવાની વ્યવસ્થા કરવી, શાકાહારી ભોજન (ખાસ તો બ્રેડ અને ભાત તથા દૂધ જ હોય) અને નોકરી મેળવવામાં સહાય. અઘરુ હતું પણ રમેશ પટેલે જેમ તેમ ગોઠવ્યું અને ગોઠવાયું પણ.
આ સમયગાળામાં જ તેમણે વિદ્યાર્થીઓ અને ભારતીયોનું સંગઠન બનાવ્યું. તેમના પ્રશ્નો હલ કરવા ઉપરાંત અઠવાડિયે પંદર દિવસે મનોરંજન માટે હિન્દી ફિલ્મો દેખાડવા જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ કરી. પચાસ વર્ષ પહેલા સંગઠનથી લોકોને એકતાંતણે બાંધનાર રમેશ પટેલે અનેક સંસ્થાઓને સંગઠિત કરી છે. જેમાં નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસીએશન અને ન્યુ યોર્ક - ન્યુ જર્સી - કનેક્ટીક્ટ (ટ્રાય સ્ટેટ)નું ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન ભારતીય અમેરિકી સમુદાયની આગવી ઓળખ બન્યા છે.
અમેરિકામાં ભારતીય વંશનાં લોકો પર થયેલા હુમલાઓ (ડોટ બસ્ટર), પાકિસ્તાનને અમેરિકા દ્વારા લશ્કરી સહાયની મદદનો સામૂહિક વિરોધ સહિતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર અમેરીકી સરકારને અંગૂઠે રાખનાર રમેશ પટેલ લોકોનાં પાસપોર્ટ-વીઝા જેવા વિષયો પણ હંમેશાં મદદરૂપ રહ્યા. વોશિંગ્ટનનું ભારતીય દૂતાવાસ હોય કે ન્યુ યોર્કના કોન્સુલેટ જનરલ - રમેશ પટેલનાં અવાજને હકારાત્મક પ્રતિસાદ મળતો.
ભારતની બહાર ૧૫મી ઓગસ્ટની સૌથી મોટી ઉજવણી ‘ઇન્ડીપેન્ડસ ડે’નાં પ્રણેતા પણ આપણા રમેશ પટેલ જ. જ્યાં ન્યુ યોર્કના મેનહટ્ટનમાં બે લાખથી પણ વધુની મેદની ભારતનાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સહભાગી અને સાક્ષી બની રહેતી.
અમેરિકામાં ભારતીય સમુદાયનાં અનેક સંગઠનોનાં બંધારણમાં ફાઉન્ડરની સક્રિય ભૂમિકા નિભાવનાર રમેશ પટેલ ક્યારેય કોઈની પાસે અપેક્ષા ન રાખતા. ન્યુ યોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહત્ત્વનાં હોદ્દા પર નોકરી કરીને નિવૃત્ત થયેલા રમેશ પટેલ સતત કોમ્યુનિટી માટે હાજર રહ્યા.
અમેરિકાની ધરતી પર સરદાર પટેલની છાપ ધરાવતા, આખાબોલા અને સ્પષ્ટવકતા રમેશ પટેલ છેલ્લા બે મહિનાથી વેન્ટીલેટર પર હતાં. ન્યુ જર્સીની હોસ્પિટલમાં કોરોનાનાં જીવલેણ હુમલાને કારણે દાખલ થયેલા રમેશ પટેલ સતત બે મહિના સુધી કોરોનાને હંફાવતા રહ્યા. પરંતુ ૭૮ વર્ષના આ પટેલ છેવટે જૂનની ૬ તારીખે કોરોના સામેનો જંગ હારી ગયા.
પ્રભુ સદ્દગતનાં આત્માને શાંતિ આપો...