સંઘ પ્રદેશનો પત્રઃ સેલવાસના ખેડૂતે સફરજનના ૩૦૦ છોડ ઉછેર્યા

Wednesday 13th April 2022 05:49 EDT
 
 

સંઘ પ્રદેશના વાતાવરણમાં સફરજનની ખેતીઃ સેલવાસના ખેડૂતે 300 ઝાડ ઉછેર્યા

દાદરા નગર હવેલીના એક ખેડૂતે કૃષિ ક્ષેત્રે ચીલો ચાતરીને ઠંડા પ્રદેશમાં જ ઉછરતા સફરજનની ખેતી શરૂ કરી છે. તેણે 300 ઝાડ સફળતાપૂર્વક ઉછેરીને પુરવાર કર્યું છે કે સંઘ પ્રદેશના વાતાવરણમાં પણ સફરજનની ખેતી સંભવ છે. દાનહના મોરખલ ખડકી પાડા ખાતે આવેલ આદુમાર્યો નુંસ નામના ખેડૂત પોતાના ફાર્મ પર અનેક પ્રકારના ફળો અને શાકભાજીની ખેતીના પ્રયોગ કરતા રહે છે. એમના ફાર્મની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે સફરજન જેવા ફળો ફક્ત ઠંડા પ્રદેશ થતા હોય છે એ વાત માત્ર માન્યતા બનીને રહી ગઈ છે, દાનહ જેવા વિસ્તાર કે જ્યાં ગરમીની સિઝનમાં 40 ડિગ્રી કરતાં પણ વધુ ગરમી હોય છે એવી જગ્યાએ પણ સફરજનની ખેતી સંભવ બની છે. અહીં 40 ડિગ્રી કરતાં વધુ ગરમીમાં પણ સફરજનના ઝાડ પર ફૂલ આવે છે, અને ફળ પણ ઉગે છે.
હિમાચલ પ્રદેશના સીમલા ખાતે રહેતા હરિમન શર્માએ સફરજનના એવા રોપા તૈયાર કર્યા છે, જેને 300 કલાક ઠંડી આપવામાં આવે છે, બાદમાં આ જ રોપા પર 40 ડિગ્રી કરતાં વધુ ગરમીમાં પણ સફરજનના ફળ આવે છે. સેલવાસના ખેડૂતે જણાવ્યું હતું કે હું 15 દિવસ સીમલા ખાતે હરિમન શર્માને ત્યાં રોકાયો હતો. તેમના જણાવ્યા પ્રમાણે મોટા ભાગે સફરજન જેવા ફળો ઠંડીમાં તૈયાર થતો પાક છે. આથી જ હિમાચલ જેવા પ્રદેશમાં થતા સફરજનોને આશરે 3 હજાર કલાકની ઠંડીની જરૂર પડતી હોય છે. જોકે શર્માજીએ રિસર્ચ કર્યા બાદ કેટલીક એવી જાતિના રોપા તૈયાર કર્યા છે કે જેના પરથી 300 કલાકની ઠંડી બાદ સફરજનનો પાક લઈ શકાય છે.
પ્રયોગશીલ કિસાન આદુમાર્યો નુંસે જણાવ્યુ કે હું દાનહનો એક ખેડૂત છું અને મારા ફાર્મ પર વિવિધ શાકભાજી તેમજ અનેક પ્રકારના ફળોની ખેતી હું કરતો રહું છું. રિસર્ચ કરતાં મને જાણવા મળ્યું હતું કે હિમાચલના સીમલામાં એક ખેડૂત ઠંડી અને ગરમીના વાતાવરણમાં પણ સફરજન જેવા ફળોની ખેતી સંભવ હોવાનું કહે છે. આથી હું સીમલા પહોંચ્યો હતો અને ત્યાંથી હું પાચ અલગ અલગ વેરાયટીના સફરજનના રોપાઓ લઇ આવ્યો હતો. જેમાં એચઆરએમએન 99, અન્ના, ટ્રોપિકલ સ્વીટ જેવી વેરાયટીનો સમાવેશ થતો હતો. મેં મારા ફાર્મ ખાતે 300 ઝાડ લગાવ્યા છે. આ ઝાડને નવેમ્બર - ડિસેમ્બર મહિનામાં ટ્રીમીંગ કરવાનું હોય છે, એના 15થી 30 દિવસમાં એના પર ફૂલો આવવાનુ ચાલુ થશે અને લગભગ એપ્રિલ અથવા મે મહિનામાં સફરજનનું ફળ ઉગી જશે. હાલ એક રિસર્ચ માટે 300 ઝાડ લગાવ્યા છે. ઝાડની માવજત માટે દવાઓની પણ વધુ જરૂર પડતી નથી. પાણી એકાંતરા દિવસે આપી શકાય છે, જે આપણા ગુજરાત જેવા પ્રદેશ માટે બહુ સારુ છું. આદુમાર્યો નુંસ વિશ્વાસપૂર્વક કહે છે કે આવનારા દિવસમાં આ ખેતી ફાયદાકારક સાબિત થશે.

દાદરા-નગર હવેલી અને દમણ-દીવમાં વીજ વિતરણ કામગીરી ટોરેન્ટ પાવર હસ્તક

ભારત સરકારના કેન્દ્રશાસિત પ્રદેશોમાં વીજ વિતરણ નેટવર્કના ખાનગીકરણના ઉદ્દેશ્યની દિશામાં હવે ટોરેન્ટ પાવર આગળ વધ્યું છે. ટોરેન્ટ પાવરે કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી, દમણ અને દિવમાં વીજ વિતરણ નેટવર્કને હસ્તગત કરવાની જાહેરાત કરી છે. નવી સ્થપાયેલી કંપની દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દિવ પાવર ડિસ્ટ્રીબ્યૂશન કોર્પોરેશન લિમિટેડ હેઠળ હવે ટોરેન્ટ પાવર દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશના દોઢ લાખ ગ્રાહકોને વીજ વિતરણ કરાશે.
ટોરેન્ટ પાવરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિતરણ નેટવર્કનું ખાનગીકરણ કરવાના સરકારના મહત્વાકાંક્ષી કાર્યક્રમના ભાગરૂપે આ મિલકતોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. ટોરેન્ટ પાવર હવે દાદરા-નગર હવેલી અને દમણ-દીવમાં વીજળી વિતરણ કામગીરીનું ઔપચારિક નિયંત્રણ લેશે. નવી રચાયેલી દાદરા-નગર હવેલી અને દમણ-દીવ બિજલી વિતરણ નિગમ લિમિટેડ (DNHD વીજળી વિતરણ કંપની) અહીં 1.5 લાખ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડશે. ટોરેન્ટ પાવર આ કંપનીમાં 51 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશનો હિસ્સો 49 ટકા છે. કંપની વાર્ષિક ૯ બિલિયન યુનિટ વીજળીનું વેચાણ કરશે અને વાર્ષિક આવક રૂ. 4,500 કરોડ થશે. કંપનીએ કહ્યું હતું કે આ એક્વિઝિશન સાથે હવે 12 શહેરોમાં તેના 3.8 મિલિયન ગ્રાહકો હશે જ્યારે 24 બિલિયન યુનિટ વીજળીનું વાર્ષિક વેચાણ થશે. ટોરેન્ટ પાવરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વરુણ મહેતાએ કહ્યું હતું કે, અમે દાદરા અને નગર હવેલી, દમણ, દીવના લોકોને સેવા આપવા તેમજ વિશ્વનીયતા અને સેવાના ઉચ્ચ મૂલ્યોને સ્થાપિત કરવા માટે ખુશી અનુભવીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter