સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદા બંધથી ઉડશે સી-પ્લેન

Thursday 16th August 2018 02:01 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારે દેશમાં પ્રવાસ-પર્યટનને વેગ આપવાની સાથોસાથ ટ્રાન્સપોર્ટેશનનો નવો વિકલ્પ વિકસાવવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. યોજનાના ભાગરૂપે દેશમાં વ્યાપક સ્તરે સી-પ્લેન સેવાનો પ્રારંભ કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે સરકારે દેશના વિવિધ ભાગોમાં દરિયાઇ પ્લેન ઉતારવા માટે વોટર એરોડ્રોમ (સી-પોર્ટ) બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. પ્રારંભિક તબક્કે દેશના જુદા જુદા રાજ્યોના પાંચ સ્થળોની પસંદગી કરાઇ છે, જેમાં ગુજરાતના બે સ્થળો સાબરમતી રિવર ફ્રન્ટ (અમદાવાદ) અને સરદાર સરોવર બંધ (કેવડિયા કોલોની)નો સમાવેશ થાય છે.
સિવિલ એવિએશન મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. બાદમાં નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ ટિ્વટ કરીને જાહેર કર્યું હતું કે દેશનાં વિવિધ રાજ્યોમાં સી-પ્લેનના એરોડ્રોમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ ગઈ છે. તેનાથી પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને લોકોની ધાર્મિક આસ્થાના સ્થળો સાથેની કનેક્ટિવિટીમાં વધારો થશે.
તેમણે જણાવ્યું હતું કે શરૂઆતના તબક્કા માટે સરકારે કુલ પાંચ સ્થળોની પસંદગી કરી છે. તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને આસામનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં ગુજરાતના સાબરમતી નદી અને સરદાર સરોવર બંધ તેમજ ઓડિશાના ચિલ્કા સરોવર પર કામ થશે. સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે સી-પ્લેનના એરોડ્રોમ બનાવવાના નિયમ અને લાઈસન્સના નિયમો અંગે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને પહેલા જ જાણકારી આપી દેવામાં આવી છે.
અલબત્ત, સિવિલ એવિએશન મંત્રાલયના નિવેદનમાં સી-પ્લેનની ફ્લાઇટ ક્યારથી વ્યાવસાયિક ધોરણે ઓપરેટ કરતી થશે, તેનું ટિકિટ ભાડું કેટલું હશે વગેરે અંગે કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી.

૧૧૧ નદીમાં ૧૦૦ સી-પ્લેન

ભારત સરકાર આગામી દિવસોમાં ઓછામાં ઓછા ૧૦૦ સી-પ્લેનથી સેવા શરૂ કરવાની યોજના છે. શરૂઆતના તબક્કામાં દેશની અંદાજે ૧૧૧ નદીઓનો હવાઈ પટ્ટી તરીકે ઉપયોગ કરાશે. સરકારનું આયોજન સમુદ્ર સાથે જોડાયેલી અંદાજે ૧૧ હજાર કિલોમીટરની સરહદો પરથી હવાઈ પ્રવાસ શરૂ કરવાનું છે.
સરકારની યોજના છે કે સી-પ્લેન દરેક શહેર, દરેક ગામમાં પહોંચે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ પરથી સી-પ્લેનમાં ઉડ્ડયન કર્યું ત્યારે કહ્યું હતું કે દરેક જગ્યાએ એરપોર્ટ્સ બની શકતા નથી તેથી સરકાર હવે જળમાર્ગો પર ફોકસ કરશે.

વડા પ્રધાન મોદીએ ઉપયોગ કર્યો હતો

ભારતમાં સી-પ્લેનને નવી ઓળખ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો ઉપયોગ કર્યા પછી મળી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં નરેન્દ્ર મોદી સાબરમતી કિનારેથી સી-પ્લેનમાં બેસીને રવાના થયા હતા અને ધરોઈ ડેમમાં ઉતરાણ કર્યું હતું. જ્યાંથી તેઓ અંબાજી મંદિરે પહોંચ્યા હતા. ત્યારે જ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે સાબરમતી નદીમાં આગામી દિવસોમાં પણ પ્લેન ઉતરશે.

મોટી કંપનીઓ તૈયારીમાં

હાલમાં સ્પાઈસ જેટ અને પવનહંસ જેવી મોટી કંપનીઓ સી-પ્લેન ખરીદવામાં રસ દર્શાવી રહી છે. મહિન્દ્રા એરોસ્પેસ પ્રા. લિ., વાઇકિંગ એર લિમિટેડ સાથે મળીને ટર્બોપ્રોપ બનાવી રહી છે, જેમાં સી-પ્લેનનો પણ સમાવેશ થાય છે. ૧૦થી ૧૯ પ્રવાસીઓને લઈ જવાની ક્ષમતાવાળું આ ટર્બોપ્રોપ પાણીમાં પણ ચાલી શકે છે. ગયા વર્ષે જ સ્પાઈસ જેટના ચેરમેન અજય સિંહે કહ્યું હતું કે તે લગભગ ૧૦૦ નાના પ્લેન્સ સાથે સેવા શરૂ કરવા માગે છે.

સી-પ્લેનની વિશેષતા

• પાણી અને જમીન - બન્ને પરથી ઉડ્ડયન કરી શકે છે • પાણી અને જમીન - બન્ને પર લેન્ડ કરી શકે છે • માત્ર ૩૦૦ મીટર લંબાઈ ધરાવતા જળાશયનો રન-વે તરીકે ઉપયોગ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter