સ્વતંત્ર મિજાજના ઊર્જિતને કામમાં દખલ પસંદ નથીઃ અલકનંદા પટેલ

Wednesday 24th August 2016 06:26 EDT
 
 

વડોદરાઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ૨૪મા ગવર્નર પદે વરાયેલા ડો. ઊર્જિત પટેલનો જન્મ આમ તો કેન્યામાં થયેલો છે, પરંતુ તેઓ મૂળ ગુજરાતી છે અને ખેડા જિલ્લાના મહુધા ગામના વતની છે. આ માહિતી આપતા આરબીઆઇના પૂર્વ ગર્વનર આઇ. જી. પટેલના પત્ની અને અર્થશાસ્ત્રી અલકનંદા પટેલે કહ્યું હતું કે ભારત સરકારે રઘુરામ રાજનના અનુગામી તરીકે ઉત્તમ પસંદગી કરી છે.
ઊર્જિત ખૂબ જ સારા અર્થશાસ્ત્રી છે. બહોળો અનુભવ છે, પરંતુ સ્વતંત્ર મિજાજ ધરાવે છે અને પોતાના કામમાં હસ્તક્ષેપ પસંદ કરતા નથી. અલકનંદા પટેલે એમ પણ કહ્યું હતું કે વિશ્વની તમામ સેન્ટ્રલ બેન્કોમાં સરકારની દખલગીરી જોવા મળે છે. જોકે હું તેને ઇન્ટરફિયરન્સ નહીં, પણ ઇન્ટરેસ્ટ કહું છું. મતલબ કે દખલગીરી નહી, પણ સરકારને આરબીઆઇના નિર્ણયો જાણવામાં રસ હોય છે.
દરેક ગર્વનર સામે અલગ પ્રકારની ચેલેન્જ હોય છે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે સાહેબ (આઇ. જી. પટેલ) જ્યારે ગવર્નર હતા ત્યારે દેશ સમક્ષ ફોરેન એક્સચેન્જના ભંડોળની સમસ્યા હતી તો રઘુરામ રાજન સામે બીજી સમસ્યાઓ હતી.
ઊર્જિત પટેલ ‘સાહેબ’ને મળવા માટે ઘણી વખત વડોદરા આવતા હતા. તેઓ ગુજરાતી ખૂબ સારું બોલે છે. એમએસ યુનિવર્સિટીમાં પણ ૧૯૯૦થી ૧૯૯૫ના ગાળામાં ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં તેઓ ઘણી વખત લેક્ચર લેવા આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter