સુરતઃ હીરાઉદ્યોગમાં ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા અને અરુણકુમાર એન્ડ કંપની તથા રોઝી બ્લ્યૂ ડાયમંડ કંપનીના સ્થાપક અરુણ મહેતા (ઉં ૮૦)નું રવિવારે મુંબઈમાં નિધન થયું હતું. ૧૨મી જૂને મુંબઈમાં નિવાસ સ્થાને બાથરૂમમાં પગ લપસી જતાં અરુણ મહેતા કોમામાં સરી પડ્યા હતા.
મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે તેમનું મૃત્યુ થયું હતું. ૬૯ દેશોમાં અરુણકુમારની હીરાની ઓફિસો કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે અરુણકુમારના પુત્ર રસેશ મહેતાની દીકરી શ્લોકાનાં લગ્ન મુકેશ અંબાણીનાં પુત્ર આકાશ સાથે થયાં છે. તેથી આ કુટુંબ અંબાણી પરિવાર સાથે પણ નજીકનો સંબંધ ધરાવે છે. ડાયમંડ એસોસિએશન દ્વારા સોમવારે નિર્ણય લેવાયો હતો કે, અરુણકુમારના નિધનના લીધે સુરત અને મુંબઈ હીરાઉદ્યોગમાં મંગળવારે બંધ રખાશે. સ્વ. અરુણકુમાર વર્ષ ૧૯૭૦માં હીરાના આંતરાષ્ટ્રીય વેપાર પ્રારંભમાં મોખરે હતાં. હીરાઉદ્યોગમાં એથિકલ વેપારમાં તેમણે ઘણું યોગદાન આપ્યું છે.