૨૦૦૦ કારીગર કામ કરે તો અઢી વર્ષમાં મંદિર તૈયારઃ સોમપુરા

Tuesday 12th November 2019 15:16 EST
 
સૂચિત રામ મંદિરનું મોડેલ અને (ઈન્સેટ) સોમપુરા પરિવારના સભ્યો
 

અમદાવાદઃ ત્રણ દસકા પૂર્વે ૯ નવેમ્બર ૧૯૮૯ના રોજ રામ મંદિર આંદોલનનો પાયો નંખાયો હતો. અને હવે ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચુકાદાથી રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે. અયોધ્યામાં સાકાર થનારા ભવ્ય રામ મંદિરની રૂપરેખાથી માંડીને મોડેલ તૈયાર કરનારા ગુજરાતના સોમપુરા પરિવારના ચંદ્રકાન્તભાઇનું કહેવું છે કે જો ૨૦૦૦ કારીગરો કામ કરે તો અઢી વર્ષમાં મંદિર તૈયાર થઇ જશે.
ચંદ્રકાન્તભાઇ કહે છે કે મંદિરનો નકશો બનાવવાનું કામ વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના નેતા અશોક સિંઘલે મારા પરિવારને સોંપ્યું હતું. સોમનાથ મંદિરનો નકશો પણ મારા પિતા પ્રભાશંકર સોમપુરાએ બનાવ્યો હતો અને રામમંદિરનો નકશો પણ અમે સાથે મળીને તૈયાર કર્યો છે. જો ૨૦૦૦ કારીગર રોજ આઠ-દસ કલાક કામ કરે તો અઢી વર્ષમાં મુખ્ય મંદિરનું કામ પૂરું થઈ છે. મંદિર નિર્માણની સામગ્રી લગભગ અડધી તૈયાર છે, એટલે તેને બનાવવામાં વધુ સમય નહીં લાગે. જોકે તિરુપતિની જેમ રામ મંદિરની આસપાસ આખું નગર વસાવવામાં ઓછામાં ઓછા ચારેક વર્ષનો સમય લાગી શકે છે.
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું મોડેલ તૈયાર કરનારા ચંદ્રકાન્તભાઇ સોમપુરાનું કહેવું છે કે રામ મંદિર નિર્માણ કાર્ય એક વાર શરૂ થયાના અઢી-ત્રણ વર્ષમાં ભવ્ય મંદિર તૈયાર થઇ જશે. મોડેલ તૈયાર કરતાં ૩ મહિના લાગ્યા હતા. અમે બે મોડેલ તૈયાર કર્યા હતા. બન્ને અલ્લાહાબાદમાં કુંભ મેળામાં ધર્મસંસદમાં પ્રદર્શિત કરાયા હતા. વર્તમાન મોડેલ તમામ સંતોએ સર્વસંમતિથી સ્વીકાર્યું હતું. ચંદ્રકાન્તભાઇએ રામ મંદિર નિર્માણના ચુકાદા બાદ આમ કહ્યું હતું.

પગના પંજાથી માપ લીધું!

ચંદ્રકાન્તભાઇએ જણાવ્યું કે અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રોજ પૂજા-આરતી થાય છે, પણ અંદર કોઇ વસ્તુ સાથે લઇ જઇ શકાતી નથી. ૧૯૮૯માં હું પહેલી વાર રામ મંદિરનું મોડેલ (ડિઝાઇન) તૈયાર કરતાં પહેલાં રામ મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો. હું મંદિરમાં લગભગ ૨૦ મિનિટ સુધી રહ્યો. ડગલાં ગણીને પગના પંજાથી માપ લીધું હતું. મંદિરનો પ્લાન બનાવ્યો હતો.

રામ મંદિરમાં ૨૫૦ સ્તંભ હશે

ભગવાન રામનું ભવ્ય મંદિર ૨૭૦ ફૂટ લાંબુ, ૧૪૭ ફૂટ પહોળું અને ૧૪૧ ફૂટ ઊંચું હશે. ૨૫૦ સ્તંભ હશે. તમામ સ્તંભ પર વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ કંડારેલી હશે. ગર્ભગૃહની ઉપર મુખ્ય શિખર હશે. આગળના ભાગે એક ગૂઢ મંડપ અને એક નૃત્ય મંડપ હશે. ઉલ્લેખનીય છે કે ચંદ્રકાન્તભાઇના દાદાએ જ સોમનાથ મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી. અયોધ્યામાં મંદિર મોડેલના દર્શન રોજ સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter