૮મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું વડા પ્રધાનના હસ્તે ઉદ્‌ઘાટન થશે

Tuesday 31st May 2016 16:16 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્ય સરકારના અત્યંત મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ એવા ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’ સિરિઝ હેઠળ ૮મી સમિટ શરૂ થવાની છે. તેનું ઉદ્‌ઘાટન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ૧૦ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. સ્વભાવિક છે કે, પોતાના હોમ-સ્ટેટ એવા ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવી એ ભાજપ ઉપરાંત મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માટે અત્યંત આવશ્યક છે ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની ૮મી વાઇબ્રન્ટ સમિટનો ચૂંટણીમાં વિજયની ધરી તૈયાર કરવામાં મહત્ત્વનો ઉપયોગ કરાશે એમ મનાય છે.
૨૯ ડિસેમ્બર ૨૦૧૫થી ૮મી સમિટની પૂર્વતૈયારીઓ રાજ્ય સરકારે શરૂ કરી દીધી હતી. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે તો પોતાની અધ્યક્ષતામાં ૨૨ સરકારી, બિનસરકારી સભ્યોને સમાવતી એડવાઈઝરી કમિટીની પણ રચના કરી દીધી હતી. અત્યારે સરકારે વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમ તથા તેના ફોકસ સેક્ટરની પણ જાહેરાત કરી દીધી છે. સરકારે ખાસ ‘મેક ઈન ઈન્ડિયા’ની તર્જ પર જ ‘મેક ઈન ગુજરાત’ પર થીમ સેમિનારનું આયોજન કર્યું છે તેમાં ટેક્ષટાઈલ, કેમિકલ્સ એન્ડ ઓટોમોટિવ, ઈલેકટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, પ્લાસ્ટિક, ફૂડ પ્રોસેસિંગ અને બાયોટેકનોલોજી તેવા ક્ષેત્રોને સામેલ કર્યા છે. જોકે હાલને તબક્કે આ સમિટમાં ક્યા દેશો પાર્ટનર કન્ટ્રી બનશે, પ્રી-સમિટ કાર્યક્રમોની શરૂઆત ક્યારથી થશે, તેનું આયોજન થયું નથી. જેની જાહેરાત ટૂંક સમયમાં કરાશે.
૨૦૦૧થી શરૂઆત
ઓકટોબર ૨૦૦૧માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન થયા બાદ તેમણે ૨૦૦૩માં સૌ પ્રથમવાર ‘વાઇબ્રન્ટ ગુજરાત’ શીર્ષક હેઠળ સમિટની શરૂઆત કરી હતી. દર બે વર્ષે યોજાતી આ સમિટમાં અબજો-કરોડોના મૂડીરોકાણ માટેના સમજૂતી કરાર કરવામાં આવે છે અને લાખોની સંખ્યામાં નવા રોજગારની તકો માટેના વાયદા મેળવવામાં આવે છે. વર્ષ ૨૦૧૫, જાન્યુઆરીમાં યોજાયેલી ૭મી સમિટમાં રાજ્ય સરકારે એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ-સમજૂતી કરાર)ને બદલે ઈન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન (રોકાણ માટેના ઈરાદાપત્રો) મેળવવાની શરૂઆત કરી હતી.
સાતમી સમિટની ઉપલબ્ધિઓ
ગત સમિટ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવા માટેના કુલ ૨૧,૦૦૦ જેટલા ઈરાદાપત્રો ઉપર સહીઓ કરાઈ હતી. જેમાં આશરે ૨૫ લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણની શક્યતા વ્યક્ત કરાતી હતી. તેમાંથી મોટા મૂડીરોકાણ માટેના લગભગ ૭૩૫ જેટલા પ્રોજેક્ટ્સ અમલમાં આવી ગયા છે. ૧૪૮૧ જેટલા પ્રોજેક્ટ્સ અમલીકરણના તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે. જ્યારે નાના અને મધ્યમ કક્ષાના એટેલે (MSME)માં ૧૦,૬૭૫૫ જેટલા પ્રોજેક્ટ્સ અમલીકરણના તબક્કામાં હોવાનો દાવો રાજ્ય સરકાર કરી રહી છે.
૨૦૧૭માં મોદી સ્ટાર પ્રચારક
આ વખતે ૧૦મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બપોરના ૪થી ૬ વાગ્યા દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્‌ઘાટન કરશે. તેઓ સવારના ૧૧થી બપોરના ૨ વાગ્યા સુધી મુખ્ય પ્રધાન તથા મહત્ત્વના ડિગ્નિટરીઝ સાથે બેઠક યોજવાના હોવાથી તેઓ ૯મી જાન્યુઆરીએ ગુજરાત પહોંચશે તેમ મનાય છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જીતાડવા વડા પ્રધાન મોદી ભાજપના સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી પોતાના ખભે ઉપાડશે, તેમ સૂત્રો જણાવી રહ્યા છે.

વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમો

૧૦મી જાન્યુઆરી
• ૧૧થી ૨, વડા પ્રધાન, મુખ્ય પ્રધાન તથા મહત્ત્વના ડિગ્નિટરીઝ સાથે વન-ટુ-વન બેઠક યોજશે • ૪ થી ૬, સમિટનું ઉદ્‌ઘાટન • ૬.૩૦થી ૮, સીઈઓ કોન્કલેવ
૧૧મી જાન્યુઆરી
• ૧૦થી ૪ મુખ્ય પ્રધાનની મહત્ત્વની ડિગ્નિટરીઝ સાથે મુલાકાત • ૧૦થી ૧, થીમ સેમિનાર, (૧) ડેવલપમેન્ટ બેન્ક્સ એન્ટ ફંડિંગ એજન્સીસ (૨) ઈનોવેશન, સ્ટાર્ટ અપ એન્ડ એન્ટપ્રિનિયોર (૩) મેન્યુફેકચરિંગ મેઈક ઈન ગુજરાત સિરીઝ (૪) કંટ્રી સેમિનર • ૨થી ૫, (૧) ઈઝી ડુઈંગ બિઝનેસ - રેગ્યુલેશન એઝ ફેસિલિટેટસ (૨) મેન્યુફેકચરિંગઃ મેઈક ઈન ગુજરાત સિરીઝ (૩) કંટ્રી સેમિનાર • ખાદી એન્ડ હેન્ડલૂમ ફેશન શો
૧૨મી જાન્યુઆરી
• ૧૦થી ૨, મુખ્ય પ્રધાનની ડેલિગેટ્સ સાથે બેઠક • ૧૦થી ૧, સેમિનાર (૧) એમએસએમઈ કોન્કલેવઃ સ્ટેન્ડ અપ ગુજરાત (૨) ઈન્ક્લુઝિવ ગ્રોથ (એગ્રીકલ્ચર) (૩) સ્કીલિંગ એન્ડ હ્યુમન કેપિટલ (૪) સ્માર્ટ વિલેજીસ (પ્રોગ્રામ ઓફ ગુજરાત) • ૨થી ૫, (૧) પીપીપી ઈન ઈન્ફ્રાસ્ટ્રકચર, ભારતમાલા, ઈન્વેસ્ટમેન્ટ રિજિયન, રિન્યુએબલ એનર્જી, વોટર, ઈન્ડસ્ટ્રિઅલ પાર્ક (૨) ઈન્ક્લુઝિવ ગ્રોથ (હેલ્થ, એજ્યુકેશન, સીએસઆર) (૩) મેન્યુફેકચરિંગઃ મેઈક ઈન ગુજરાત સિરીઝ (4) અર્બન ડેવલપમેન્ટ ( સ્માર્ટ સિટીઝ, એફોર્ડેબલ હાઉસ )

ગત સમિટમાં શું થયું
• ૨૧,૦૦૦ ઈરાદાપત્રો રજૂ થયા • ૨૫ લાખ કરોડ રૂપિયા મૂડીરોકાણની સંભાવના વ્યક્ત કરાઈ હતી • ૧૨૨૫ સ્ટ્રેટીક પાર્ટનર એગ્રીમેન્ટ • ૮ પાર્ટનર કંટ્રી જોડાયા હતા • ૨૫,૦૦૦ ડેલીગેટ્સ આવ્યા • ૧૨૫૦ કો-પાર્ટિસિપેટ્સ • ૧૧૦ દેશોએ ભાગ લીધો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter