‘નટુકાકા’ની આખરી એક્ઝિટ

Wednesday 06th October 2021 07:23 EDT
 
 

અમદાવાદઃ ભવાઈથી શરૂ કરીને જૂની રંગભૂમિના નાટકો અને હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મોમાં પાંચ દસકાથી પણ લાંબા અરસા સુધી કામ કરનાર અને છેલ્લે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરીયલમાં નટુકાકાનું પાત્ર ભજવીને ઘરઘરે જાણીતા બની ગયેલા ઘનશ્યામ નાયકનું રવિવારે સાંજે મુંબઈ ખાતે નિધન થયું હતું. તેમના પુત્ર વિકાસ નાયકે આ અંગે જણાવ્યું હતું કે તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી અને આ દરમિયાન જ સૂચક હોસ્પિટલ ખાતે ૭૭ વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. સોમવારે સવારે પરિવારજનો અને કલાકારોની ઉપસ્થિતિમાં કાંદિવલી સ્મશાનગૃહ ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.
તેઓ મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગરના ઊંઢાઈ ગામના વતની હતા. છેલ્લે તેમણે લવની ભવાઈ નામની ગુજરાતી ફિલ્મમાં એક નાની ભૂમિકા ભજવી હતી. ઘનશ્યામ નાયકે ૧૦૦થી વધુ નાટકોમાં કામ કર્યું હતું તેમજ તેમણે ગુજરાતની લોકકળા ભવાઈને લોકો સુધી પહોંચાડવા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે તેરે નામ, ચાઈનાગેટ, આંખે, તિરંગા, અને હમ દિલ દે ચૂકે સનમ સહિત વિવિધ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. કોરોનાના લોકડાઉન દરમિયાન ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમને ગળાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું અને સર્જરી કરીને કેન્સરની ગાંઠ કાઢી નાંખવામાં આવી હતી. ત્યારબાદ તેમની કિમોથેરાપી ચાલતી હતી છતાં તેમણે સંપૂર્ણ હકારાત્મક્તા સાથે સો વર્ષની ઉંમર સુધી કામ કરતા રહેવાની ઈચ્છા પણ વ્યક્ત કરતા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીના જણાવ્યા પ્રમાણે કેન્સરનું નિદાન થવા છતાં તેમનો જુસ્સો અજબ હતો. તેઓ એક્ટિંગ માટે સદા તત્પર રહેતા હતા.
‘દોઢ વર્ષે ચહેરો અરીસામાં જોયો...’
દોઢ મહિના પહેલાં ઘનશ્યામભાઈ એક એડફિલ્મના શૂટિંગ માટે અમદાવાદ આવ્યા હતા. ત્યારે ગુજરાતના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ ધનલક્ષ્મી ત્રિવેદીએ તેમનો મેકઅપ કર્યો હતો. ભાવુક થઈને આ પ્રસંગને યાદ કરતાં ધનલક્ષ્મી ત્રિવેદીએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાતરની એક એડ તેમની સાથે કરી, ત્યારે મેં પહેલી વખત તેમનો મેકઅપ કર્યો. તેમની કેન્સરની સારવાર ચાલતી હતી એટલે તેમનો ચહેરો ત્રાંસો થઈ ગયો હતો. તેથી શરૂઆતમાં તેઓ પોતે જ કામ કરવા તૈયાર નહોતા. તેમણે કહ્યું કે મારો ચહેરો મને પોતાને જોવા ગમતો નથી. તો કોઈ જાહેરાત પણ નહીં જ જુએ. મને થોડી તકલીફ પડી તેમનો મેકઅપ કરવામાં, તેમના હોઠ મોટા થઈ ગયેલાં, તેને અમે મૂછોથી ઢાંક્યા હતા. જોકે મેકઅપ થઈ ગયા પછી તેમનો ચહેરો અરીસામાં જોઈને તેમની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું કે આટલા વર્ષોમાં પહેલી વખત મેં એક બહેન પાસે મારો મેકઅપ કરાવ્યો. તેમણે કહ્યું કે મેં દોઢ વર્ષથી મારો ચહેરો અરીસામાં જોયો નહોતો. હું આટલો સારો લાગીશ એવું મેં ધાર્યું નહોતું.
એમને ‘હતા’ કહેવું અઘરું...
ગુજરાતી ફિલ્મોના અભિનેત્રી-પ્રોડ્યુસર આરતી પટેલની છેલ્લી ફિલ્મ લવની ભવાઈમાં ઘનશ્યામ નાયકે એક ભૂમિકા ભજવી હતી. તેમના વિશે વાત કરતાં આરતી પટેલે જણાવ્યું કે અમે લગભગ ૯૪-૯૫માં એક શૂટિંગ સાથે કરેલું. હું ત્યારે બહુ નાની અને તેઓ એક પીઢ કલાકાર હતા. ત્યારથી હું એમને યાદ હતી. એમની યાદશક્તિ ગજબ હતી. તેમને દરેક ફિલ્મની ઝીણી ઝીણી બાબતો યાદ રહેતી. લવની ભવાઈના એ પાત્ર માટે મારી અને સંદીપ બંનેની પહેલી પસંદ ઘનશ્યામકાકા હતા. કામ માટે આટલી ચિંતા અને ડેડિકેશન હોય તેવી આખી પેઢી હવે જાણે જઈ રહી છે.
સ્કૂટર પર બેસીને ઘરે આવ્યા....
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના પૂર્વ અધ્યક્ષ અને કલાકાર જિતેન્દ્ર ઠક્કરે જણાવ્યું કે અમારે તેમની સાથે ૩૦ વર્ષથી ખૂબ ઘર જેવા સંબંધો હતા. અમદાવાદ કે ગુજરાત આવે અને મારા ઘરે ન આવે એવું બને નહીં. છેલ્લે કોઈ શૂટિંગ માટે અમદાવાદ આવેલા તો ઘાટલોડિયાથી તેમના ભાણાના સ્કૂટર પર બેસીને મારા ઘરે આવેલા. છેલ્લે તેમનું કેન્સરનું ઓપરેશન થઈ ગયેલું પછી મુંબઈથી ગાડી ભાડે કરીને તેઓ વિસનગર બાધા પૂરી કરવા આવ્યા હતા. તેઓ મારા ઘરે ન આવી શક્યા તો મને સ્પેશિયલ ફોન કરેલો કે આ વખતે ભજિયા ખાવા ન આવી શકાયું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter