ગાંધીનગરઃ શહેરમાં ભારતમાતા મંદિરમાં ભારતમાતા મૂર્તિ પ્રતિષ્ઠાન કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કરેલું સંબોધન રવિવારે ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાને તેમના વક્તત્વમાં જણાવ્યું હતું કે દેશમાં જે દિવસે હિન્દુઓ લઘુમતીમાં આવી જશે તે પછી કશું જ બાકી નહીં રહે. હિન્દુઓની સંખ્યા ઘટી તે જ દિવસથી કોર્ટકચેરી નહીં રહે, કાયદો નહીં રહે, લોકશાહી નહીં રહે, બંધારણ નહીં રહે, અને બધું જ હવામાં ઊડી જશે. દફનાવી દેવામાં આવશે.
નીતિન પટેલે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા તથા ભાજપના નેતાઓ, પદાધિકારીઓની હાજરીમાં આ નિવેદનો આપ્યું હતું. નીતિનભાઇએ તેમના ભાષણમાં લવ જેહાદ કાયદાને હાઇ કોર્ટમાં પડકારનારાઓની આકરી ટીકા કરી હતી. સાથે જ તેમણે જવાહરલાલ નેહરુની ઝાટકણી કાઢી હતી અને રામમંદિર તથા આર્ટિકલ ૩૭૦ની નાબુદી જેવા મુદ્દે મોદી-અમિત શાહના વખાણ કર્યા હતા.
ભારત માતા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના સંબોધનના અંશોઃ
‘હાલમાં કેટલાક કહેવાતા લોકો બંધારણની વાતો કરે છે. બિનસાંપ્રદાયિકતાની વાતો કરે છે, પણ હું તમને કહી દઉં છું, આ વીડિયો ઉતારવો હોય તો ઉતારી લેજો, આપણે હોઇએ કે ના હોઇએ, પણ મારા શબ્દો લખી લેજો, જ્યાં સુધી આ દેશમાં હિન્દુઓની બહુમતી છે, ત્યાં સુધી જ બંધારણ, ત્યાં સુધી જ કાયદો, ત્યાં સુધી જ બિનસાંપ્રદાયિકતાની વાતો કરનારા કરશે.
ન કરે ભગવાન અને હજાર - બે હજાર વર્ષે હિન્દુઓની સંખ્યા ઘટી અને બીજા લોકો વધ્યાંએ દિવસે કોઇ કોર્ટ-કચેરી નહીં, કોઇ લોકસભા નહીં, કોઇ બંધારણ નહીં, કોઇ બિનસાંપ્રદાયિકતા નહીં, બધું હવામાં અને દફનાવી દેશે. કશું જ રહેશે નહીં. આ તો ઓછા છે, લઘુમતીમાં છે. બધાની વાત નથી કરતો, હું એ પણ સ્પષ્ટતા કરી લઉ કે હજારો મુસ્લિમો દેશભક્ત છે. લાખો ખ્રિસ્તીઓ દેશભક્ત છે, હજારો મુસ્લિમો ભારતીય સેનામાં છે. સેંકડો મુસ્લિમો ગુજરાતના પોલીસ દળમાં છે, એ બધા જ દેશભક્ત છે.
દીકરીઓના છાપામાં કિસ્સા આવી રહ્યા છે... આ લવ જેહાદ કાયદાનું નામ અમે નથી આપ્યું પરંતુ લોકમુખે ચડી ગયું છે. કાયદામાં જોગવાઇ કરીને આપણી ભોળીભાલી કુમળી છોકરીઓ જેને ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે માતા-પિતા ભણાવતા હોય છે, એ દીકરીઓ સાથે ખોટા નામે ભોળવી ફસાવી લગ્ન કરી લેતા હોય છે. બાદમાં દીકરીને ખબર પડે કે, આ તો બે વાર પરણેલો છે, બે તો ઘરે બેઠી છે. ઘરમાં ખાવાનું પણ નથી... ચાર ચોપડી ના ભણ્યો હોય તેવા લોકો નામ બદલી દુષ્કર્મ કરવાનું કામ કરે તો કાયદા હેઠળ ડામી દેવાનું કામ કરીએ છીએ.
મારાથી કહેવાય કે નહીં એ ખબર નથી, પરંતુ આજે તો જોખમ લઇ જ લેવું છે. જે લોકો રિટ દાખલ કરે છે તેમને પૂછવું છે કે, આ લોકો તમારી છોકરીને લઇ જાય તો રિટ દાખલ કરશો? કોઇ સંગઠન દ્વારા રિટ કરાઇ છે, ત્યારે મારે તેમને કહેવું છે કે, હિન્દુ દીકરી હિન્દુને, શીખ દીકરી શીખને, મુસ્લિમ દીકરી મુસ્લિમને પરણે તેમાં તમને વાંધો શું છે?
જો કોઇ હિન્દુ છોકરો મુસ્લિમ નામ ધારણ કરી મુસ્લિમ છોકરીને ફસાવે તો આ કાયદો તેને પણ લાગુ પડશે, એવું નથી કે માત્ર વિધર્મી પર જ લાગુ પડે છે. પરંતુ માત્ર તે લોકો જ કેમ ચિંતા કરે છે, તેમના સંગઠનો જ શા માટે દોડી જાય છે. ઉપરથી એ સમાજના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ બોલાવવી જોઇએ અને ભાજપની સરકારને અભિનંદન આપવા જોઇએ... એમના પેટમાં શું કરવા દુ:ખે છે, મને એ સમજાતું નથી. જવાહરલાલ નેહરુએ તો જેટલું નખ્ખોદ કઢાય એટલું કાઢી નાખ્યું હતું, આ તો આ પેઢીનું નસીબ કે આપણને આ જોડી (મોદી-શાહ) મળી.’
નાયબ મુખ્ય પ્રધાને બાદમાં પોતાના વક્તવ્ય સંદર્ભે કહ્યું હતું કે આ દેશમાં મોટી સંખ્યામાં લોકો લોકશાહીના વિચારો સાથે સહમત છે. જ્યાં ઉદારમતના લોકો ઓછા છે ત્યાં લોકશાહી ખતમ થઇ છે. ન્યાયતંત્ર પણ નથી રહ્યું. હાલ અહીં ઉદાર વિચારસરણીવાળા લોકોની બહુમતી છે ત્યાં સુધી લોકતંત્ર રહેશે. હું એકલો નથી કહેતો, દેશ અને દુનિયાના શિક્ષિત અને વિચારકો પણ આમ કહે છે, કેટલાંક લોકો બોલતાં નથી, પણ માને છે. દુનિયાની ચિંતા કરનારાં લોકોએ આ સંદર્ભે જોડાવું જોઇએ તે હેતુથી મેં આ વાત કરી છે.