ભારત-જર્મની 8 બિલિયન ડોલરની મેગા ડિફેન્સ ડીલના આરેઃ દુનિયાની સૌથી સાઇલન્ટ સબમરીનનું ભારતમાં નિર્માણ થશે

Wednesday 29th April 2026 06:24 EDT
 
 

નવી દિલ્હી/બર્લિન: ભારત અને જર્મની વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં એક બહુ મોટી ડીલ થવાની તૈયારીમાં છે. આ ડીલ 8 બિલિયન ડોલર (આશરે 75,272 કરોડ રૂપિયા)ની છે અને આગામી 90 દિવસની અંદર તેના પર અંતિમ મહોર લાગી શકે છે. જર્મન સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસે ગયા બુધવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથેની વાતચીત બાદ આ જાણકારી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં છ એડવાન્સ સબમરીન બનાવવામાં આવશે. ભારત સરકાર વર્તમાનમાં આ એગ્રીમેન્ટને અંતિમ રૂપ આપવા માટે જરૂરી પગલાં ભરી રહી છે. રાજનાથ સિંહ તાજેતરમાં જ જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે ગયા હતા તે પછી આ જાહેરાત થઇ છે.
ભારત પહેલો બિન-યુરોપિયન દેશ
ભારત અને જર્મની વચ્ચે થનારી આ સમજૂતી ડિફેન્સ સેક્ટરમાં એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. 8 બિલિયન ડોલર એટલે કે આશરે 75 હજાર કરોડ રૂપિયાથી વધુની આ ડીલ સબમરીનના નિર્માણ સાથે જોડાયેલી છે. જર્મન સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસે કીલ શહેરમાં રાજનાથ સિંહ સાથે મુલાકાત કર્યા બાદ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી ત્રણ મહિનામાં તેના પર હસ્તાક્ષર થઈ જશે. આ પહેલીવાર હશે જ્યારે જર્મની પોતાની સબમરીન પ્રોડક્શન ટેક્નોલોજી કોઈ બિન-યુરોપિયન દેશને ટ્રાન્સફર કરશે. આ ડીલ માટે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પહેલાથી જ ચર્ચા થઈ ચૂકી છે.
ભારતીય નૌસેનાની તાકાત વધશે
પ્રોજેક્ટ હેઠળ કુલ છ સબમરીનનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે. આ માટે જર્મનીની દિગ્ગજ કંપની થિસેનકૂપ મરીન સિસ્ટમ્સ (TKMS) અને ભારતની સરકારી કંપની મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ સાથે મળીને કામ કરશે. રાજનાથ સિંહે જર્મની પ્રવાસ દરમિયાન ટીકેએમએસની મુલાકાત લીધી હતી.
ડિફેન્સ રોડમેપથી બંને દેશોને શું મળશે?
માત્ર સબમરીન જ નહીં, પરંતુ બંને દેશોએ ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કોઓપરેશન રોડમેપ પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ રોડમેપનો મુખ્ય ઉદ્દેશ્ય ડિફેન્સ ઇક્વિપમેન્ટનો સાથે મળીને વિકાસ અને પ્રોડક્શન કરવાનો છે. ભારત અને જર્મની હવે હાઇ-ટેક ટેક્નોલોજી પર મળીને કામ કરશે. તેમાં સંયુક્ત ટ્રેનિંગ અને કેપેસિટી બિલ્ડિંગ જેવા મહત્વના હિસ્સા પણ સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter