અનિલ અંબાણીને આંચકોઃ ચીનની ત્રણ બેન્કોને ૭૧૭ મિલિયન ડોલર ચૂકવવા આદેશ

Wednesday 27th May 2020 05:06 EDT
 
 

લંડનઃ ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ત્રણ ચાઈનીઝ બેન્કો સાથે લોન ડિફોલ્ટના વિવાદમાં ૭૧૭ મિલિયન ડોલર ચુકવવા પડશે તેવો ચુકાદો બ્રિટિશ કોર્ટના જજ નાઈજેલ ટીઅરે ૨૨ મેના રોજ આપ્યો છે. આ ચૂકવણી માટે તેમને ૨૧ દિવસનો સમય અપાયો છે. પૂર્વ બિલિયોનેર અને દેવાંના કળણમાં ડૂબેલા ૬૦ વર્ષના અનિલ અંબાણીએ કોર્ટ સમક્ષ તેમની સંપત્તિ ‘શૂન્ય’ હોવાનું જણાવ્યું હતું. બ્રિટિશ કોર્ટે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ૭૧૭ મિલિયન ડોલરની રકમ ચીનની ત્રણ બેન્કોને ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો. 

ચીનની સરકારી માલિકીની ઈન્ડ્સ્ટ્રીઅલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઈના લિમિટેડ સહિત ત્રણ બેન્કે અંબાણીની અંગત ગેરેન્ટી પરથી ૨૦૧૨માં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડને અપાયેલી લોનની બાકી રકમ ચૂકવવા માટે બ્રિટિશ કોર્ટમાં કરેલી અરજીનો ચુકાદો બેંકોની તરફેણમાં આવ્યો હતો. અનિલ અંબાણીએ પર્સનલ ગેરન્ટી આપ્યાનો સદંતર ઈનકાર કર્યો છે.

અંબાણીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રિલાયન્સ ગ્રૂપના અન્ય કામકાજને આની કોઈ અસર નહિ પડે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સે ગયા વર્ષે જ નાદારી માટે અરજી કરેલી છે. ચીનની બેન્કોએ કથિત ગેરન્ટી પર આધારિત દાવો કર્યો છે જેના પર અંબાણીએ કદી સહી કરી નથી. અંબાણીએ તેમના વતી આવી ગેરન્ટી આપવાની સત્તા આપી હોવાનું પણ સતત નકાર્યું છે.
અગાઉ, લંડન કોર્ટ સમક્ષ અંબાણીએ ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે તેમના રોકાણોનું કોઈ મૂલ્ય રહ્યું નથી. આ કેસની કાનૂની કાર્યવાહી સંદર્ભે વેચી શકાય એવી કોઈ સંપત્તિ તેમની પાસે નથી. અગાઉ, કોર્ટે અંબાણીની કંપનીએ રજૂ કરેલા પુરાવા બાબતે ટીકા કરવા સાથે અંબાણીએ આવક મુદ્દે રજૂ કરેલા દસ્તાવેજો અમાન્ય રાખી ટ્રાન્સપરન્સી જળવાઈ ન હોવાની ટકોર કરી હતી.
અનિલ અંબાણી એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના ભાઈ છે. મુકેશ અંબાણીએ અગાઉ નાના ભાઈને જેલમાં જવું પડ્યું હોત તેવા એક ભારતીય કેસમાં છેલ્લી ઘડીએ નાણા ચૂકવી તેમને બચાવી લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter