ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ યુકેના મિનિસ્ટર ઓફ સ્ટેટ, સાઉથ એશિયા એન્ડ કોમનવેલ્થ કન્ટ્રીઝ લોર્ડ તારીક અહેમદ સાથે વર્ચ્યુઅલ વીડિયો કોન્ફરન્સ બેઠક મુલાકાત યોજી હતી. લોર્ડ અહેમદે ગુજરાતમાં વસતા, અભ્યાસ માટે સ્થાયી થયેલા યુવાઓ સહિતના બ્રિટનના બહુધા નાગરિકોને કોરોનાની પ્રવર્તમાન સ્થિતીમાં ગુજરાત સરકારે વતન પરત મોકલવા કરેલી મદદ માટે મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો.
મુખ્ય પ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સથી વર્ચ્યુઅલ મિટિંગ દરમ્યાન લોર્ડ અહેમદે ગુજરાતે મેન્યુફેકચરીંગ હબ, ઇન્ડસ્ટ્રીયલ હબ અને બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટની જે વિશ્વખ્યાતિ મેળવી છે તેનાથી પ્રભાવિત થયા હોવાનું કહ્યું હતું.
મુખ્ય પ્રધાન રૂપાણીએ તેમને ગુજરાતે સોલાર એનર્જીના હબ તરીકે સમગ્ર દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ધરાવતા રાજ્યની સિદ્ધિ મેળવી છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. સાથે સાથે રાજ્યમાં આવનારા દિવસોમાં સોલાર-વીન્ડ હાઇબ્રીડ પાર્ક ૩૦ હજાર મેગાવોટની ક્ષમતા સાથે સ્થાપવાનો છે તેની ચર્ચા પણ લોર્ડ અહેમદ સાથે
કરી હતી.