વાંકાનેરની એન.આર.દોશી આંખની હોસ્પિટલમાં યોજાયો મેગા કેમ્પ: ૯૯૯ દર્દીઓએ લાભ લીધો

જ્યોત્સના શાહ Wednesday 13th February 2019 05:37 EST
 
 

દેવદયા ટ્રસ્ટ સંચાલિત એન.આર.દોશી હોસ્પિટલ, વાંકાનેરમાં આંખનો મેગા કેમ્પ ૨૬ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી યોજાઇ ગયો જેને ખૂબ જ સરસ સફળતા સાંપડી. આઠ દિવસના આ કેમ્પ દરમિયાન નાના-મોટા મળી કુલ ૯૯૯ આંખના ઓપરેશનો વિના મૂલ્યે થયા. જેનો લાભ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશના દર્દીઓએ લીધો. એમાં બાળકોના ત્રાંસી આંખ, મોતિયા, ઢળેલી પાંપણ, નાસૂર વગેરેના ૧૦૩ ઓપરેશન થયાં. આ સાથે દર્દીઓના સગાંઓને રહેવા-જમવાની સગવડ પણ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.
આ કેમ્પમાં ટ્રસ્ટના સ્થાપક દંપતી ડો.ભાનુબહેન અને ડો.રમણિક મહેતા સહિત લંડનથી એનેસ્થેટિક ડો. પ્રકાશ નાઇક તથા રૂપાલીબહેન નાઇક, ત્રણ ઓ.ટી. નર્સ, બે ઓર્થોપ્ટિકસ સહિત દેશ-વિદેશના ૧૭ જેટલા તબીબોએ એમની અમૂલ્ય સેવાનો લાભ આપ્યો હતો. લંડન, અમેરિકા, દુબઇથી ૧૫થી વધુ મહેમાનોએ પધારી આ મેગા કેમ્પની સરાહના કરી હતી. લેસ્ટરની ડી-મોન્ટફોર્ટ યુનિવર્સિટીના ઓડિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ઓપરેશન કરેલા બાળકોને સ્કૂલ બેગ તેમજ નામી-અનામી દાતાઓ દ્વારા ગિફ્ટ અર્પવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન દર્દીઓના સગાં સહિત દરરોજ ૨૦૦૦થી વધુ મહેમાનોના ભોજનની સુવિધા ગાયત્રી શક્તિ પીઠ, વાંકાનેર તરફથી પૂરી પાડવામાં આવી હતી. આ સમગ્ર કેમ્પનો ખર્ચ રૂ. ૧૫ લાખ જેટલો થયો હતો. જેના મુખ્ય દાતા શ્રીમાન બી. કે. પટેલ પરિવાર (સેફડેલ લિ.યુ.કે) હતા.
આ કેમ્પના આયોજનમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી લલિતભાઇ મહેતા (પૂર્વ સાંસદ-રાજ્યસભાના સભ્ય), ઉપપ્રમુખ અનંતભાઇ મહેતા, સેક્રેટરી મનહરભાઇ મહેતા, યુવા ટ્રસ્ટી નિખિલભાઇ મહેતા, મેનેજર ધવલ કંસારા સહિત હોસ્પિટલના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી આ કેમ્પને સફળતા બક્ષી હતી. આ કેમ્પમાં જેઓ લાભ ન લઇ શક્યા હોય તે તમામ દર્દીઓને પ્રતિમાસ યોજાતા કેમ્પમાં આવવા જણાવાયું છે.
આ સમાચાર આપણા ‘ગુજરાત સમાચાર’ સહિત ભારતના સ્થાનિક સોશિયલ મીડિયા અને પ્રચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડાયા હોવાને કારણે મોટી સંખ્યામાં જરૂરતમંદ દર્દીઓ લાભ લઇ શક્યા હતા.
આ તકે મહેતા દંપતી સૌ સહાયકોનો હાર્દિક આભાર માને છે. આગામી દશ દિવસના મેગા કેમ્પની તારીખ (૧૮-૧-૨૦)પણ નક્કી થઇ ગઇ છે.
ધન્ય છે આવી નિ:સ્વાર્થ સેવા સાદર કરનાર સૌ સેવાભાવી ભાઇ-બહેનોને.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter