વાંકાનેરમાં દેવદયા યોજિત મેગા આઇ કેમ્પ: ૧૮૪૧ દર્દીઓને નિ:શુલ્ક લાભ મુખ્ય દાતા ડે લૂઇસ પરિવાર: કમાવા કરતા દાનમાં વધુ આનંદ માણતા વે મેડના પટેલ બંધુઓ

જ્યોત્સના શાહ Wednesday 21st February 2018 07:41 EST
 
 

દેવદયા ટ્રસ્ટ સંચાલિત એન. આર દોશી હોસ્પિટલ, વાંકાનેર ખાતે તા.૨૦થી ૨૭ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન એક ભવ્ય મેગા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૮૪૧ આંખના દર્દીઓને નિ:શુલ્ક નિદાન, સારવાર, ઓપરેશન આદી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં આંખના પડદાની, મોતિયાની, ત્રાંસી આંખની, વેલ, ઝારી, ઝામર તથા આંખને લગતા અન્ય રોગોનો સમાવેશ થતો હતો. આ આઠ દિવસ દરમિયાન બે વખતના ભોજન પણ વાંકાનેરના ગાયત્રી મંદિર તરફથી વિના મૂલ્યે પૂરા પાડવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં બાળદર્દીઓ માટે સિંગાપોરથી ડો. સોનલ ગાંધી, જેઓ વૈશ્વિક સ્તરે પીડીયાટ્રીક ઓપ્થોમોલોજીમાં નામના ધરાવે છે તે તથા ત્રાંસી આંખના નિષ્ણાત ડોક્ટરો વડોદરાથી ડો. જીતેશ જેઠાણી, મુંબઇથી ડો. મિહિર કોઠારી, ડો. રોશની દેસાઇ, ડો. નયના પોટદર, ડો. વરદા ગોખલે, પૂનાથી ડો. તન્મય ધમનકર તથા ફેલો ઋષિકા જૈન અને ડો. નીતુ ખડસેવગેરેએ સ્વખર્ચે સેવા આપી માનવતાનું ઉચ્ચ ઉદાહરણ પૂરું પાડી સામાજિક ઋણ અદા કરી કૃતકૃત્યતા અનુભવી હતી. આ ઉપરાંત ટ્રસ્ટમાં પૂર્ણ સમય સેવા આપતા આંખના રોગોના નિષ્ણાત ડો. મિલાપ જોષીની સેવાનો લાભ પણ દર્દીઓને મળ્યો હતો.
કેમ્પસના આઠેય દિવસ ઓપરેશન દરમિયાન લંડન સ્થિત એનેસ્થેટીક સર્જન ડો. રંજનબેન ખોરીયો અને રાજકોટના ડો. પરવડીયા, ડો. સાકરીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ મેગા કેમ્પ લંડનની સુવખ્યાત ફાર્મસી ડે લૂઇસ પી. એલ. સી.ના જે.સી.પટેલ, મિનળબેન, નલીનીબેન અને પરિવાર તરફથી સ્વ. કે. સી. પટેલના સ્મરણાર્થે સ્પોન્સર કરવામાં આવ્યો હતો. આ કેમ્પની પ્રવૃત્તિઓ જે. સી. પટેલે ખાસ ઉપસ્થિત રહી નિહાળી હતી અને ખૂબ જ પ્રભાવિત થયા હતા.
‘કમાવા કરતા વહેંચવામાં વધુ આનંદ આવે છે’: વેમેડના શ્રી ભીખુભાઇ અને વિજયભાઇ પટેલ
આ પ્રસંગે દેવદયા ટ્રસ્ટમાં સંસ્થાના ટ્રસ્ટીઓને વર્ષોથી આર્થિક અને નૈતિક ટેકો આપનાર એના સમર્થક લંડનના આગલી હરોળના ફાર્મા જાયન્ટ કંપની વે-મેડ હેલ્થ કેર પીએલસીના માલિકો ભીખુભાઇ પટેલ, શશીબેન પટેલ, વિજયભાઇ પટેલ અને શ્રીમતી સ્મિતાબેન પટેલે ખાસ હાજર રહી કેમ્પની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. આ બન્ને ભાઇઓ શૂન્યમાંથી સર્જન કરી યુ.કે.ના ધનાઢ્યોમાં ૧૬મું સ્થાન ધરાવે છે પરંતુ એમની નમ્રતા, સાલસતા અને દેશબાંધવો પ્રત્યે કરુણાભાવ આપણને એમના પ્રતિ સદ્ભાવ અને માન ઉપજાવે એવા છે. હાથમાં માત્ર ૪૦૦ રૂપિયા અને બે જોડી કપડાં લઇ લંડનમાં આવેલ આ બંધુઓએ સખત મહેનત, લગન અને સંઘર્ષના બળે રૂ. ૬૫૦૦ કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું છે.
તેઓ જણાવે છે કે, "અમને કમાવા કરતા વહેંચવામાં વધુ આનંદ આવે છે." આ જ એમની મહાનતા અને ઉદારતા છે. એમણે એમના માતુશ્રી શાંતા બાના નામે શાંતા ફાઉન્ડેશન ટ્રસ્ટ ઊભું કરી દાનની ગંગા ભારત, કેન્યા અને યુ.કે.માં વહાવી છે. માત્ર દેવદયા ટ્રસ્ટમાં જ આજ સુધીમાં વિવિધ પ્રકલ્પો માટે ૧,૫૦,૦૦૦ ડોલરની સહાય કરી છે અને હજી પણ જરૂરત મુજબ વધુ સાથ આપતા રહેશે એવું જણાવ્યું છે. હાલ એમણે દેવદયા ટ્રસ્ટ સંચાલિત રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળા, શાંતા બા ગર્લ્સ સ્કૂલની મુલાકાત પણ લીધી હતી.
તાજેતરની એમની ગુજરાત મુલાકાત દરમિયાન કરમસદમાં ૧૧૨ બેડની ઇનસેન્ટીવ કેર હોસ્પિટલ યુનિટના નિર્માણ માટે, વિધાનગરના મોગરીગામના જરૂરતમંદ બાળકો માટે, દેવદયા સહિતની ચેરિટી માટે લગભગ ૧ મિલિયન પાઉન્ડનું માતબર દાન કર્યું છે. ધન્ય છે આવા વિશાળ હ્દયના દાતાને, જે કમાઇ અને વાપરી પણ જાણે છે.
આ પ્રસંગે દેવદયા ટ્રસ્ટના સ્થાપક ડો. રમણીકભાઇ મહેતા અને ડો.ભાનુબેન મહેતા તેમજ મુ. શ્રી લલિતભાઇ મહેતા સાથે ખભેખભા મિલાવી શરૂથી જ સાથ આપનાર લંડનના પિયુષભાઇ પટેલ, વિપીનભાઇ પટેલ, ડો. હરભજન પ્લાહા અને હરિશભાઇ ખીરોયા પણ ખાસ હાજર રહ્યા હતા.
આ મેગા કેમ્પ દરમિયાન એન. આર. દોશી હોસ્પિટલના કોન્ફરન્સ હોલને "ડો. આર. કે. ગાંધી હોલ" નામકરણ અપાયું અને એમની છબિનું અનાવરણ તેમના પુત્રી ડો. સોનલ ગાંધી અને પુત્ર ડો. નિખિલ ગાંધીના વરદ્ હસ્તે કરાયું. ઉપરાંત ડો. આર. કે. ગાંધીના જીવનની ઝાંખી કરાવતા પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું.
છેલ્લા બે વર્ષથી બે મેગા કેમ્પમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપતા અમેરિકા નિવાસી ગાંધી પરિવાર જેના મોટાભાગના સદસ્યો ડોકટર્સ છે એમાંથી ડો. સનતભાઇ ગાંધી (અમેરિકા), ડો. વી. કે.ગાંધી, ડો. નિખિલ ગાંધી અને ડો. શૈલેષ ગાંધીએ પણ ખાસ હાજરી આપી હતી.
આ કેમ્પમાં જેઓનું નિદાન કરવાનું બાકી રહી ગયું હોય એમને હૈયાધારણ આપતાં દેવદયા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ડો. રમણિક મહેતા, ભાનુબેન મહેતા અને લલિતભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લા બાર વર્ષથી દર મહિને આઇ કેમ્પ યોજાય છે એથી આગામી કેમ્પમાં તેઓને સેવા મળશે. આ કેમ્પની સફળતામાં ત્રણેય ટ્રસ્ટીઓ સહિત ટ્રસ્ટના વ્યવસ્થાપક - મેનેજર શ્રી ધવલભાઇ કરથીયા અને સ્ટાફના સૌ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ મેગા કેમ્પને સફળતા બક્ષનાર સૌને ધન્યવાદ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter