શરીર ભલે વિકલાંગ હોય, ઇરાદો અડગ છેઃ સાહસિક સમીર કક્કડ કાર માર્ગે અમદાવાદથી લંડન

• ૧૫ દેશ, ૧૦૫ શહેર • ૧૭ હજાર કિ.મી. • ૮ ટાઈમઝોન

જિતેન્દ્ર ઉમતિયા Tuesday 02nd July 2019 14:24 EDT
 
 

અમદાવાદઃ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને સાર્થક કરવા પ્રતિબદ્ધ છે ૮૦ ટકા દિવ્યાંગ ૪૬ વર્ષીય સમીર કક્કડ. તેમનો જુસ્સો અને મનોબળ અદ્વિતીય છે. તેઓ માને છે કે વ્યક્તિએ શારીરિક અક્ષમતા સામે હામ હારી જવાના બદલે પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરવો જોઈએ.
બનાસકાંઠાના ભાભરમાં જન્મેલા અને વર્ષોથી અમદાવાદમાં સ્થાયી સમીરભાઇનું સ્વપ્ન નાનપણથી જ કાર ડ્રાઈવિંગનું હતું. દિવ્યાંગો માટે તો આ અશક્ય જ ગણાય, પરંતુ સતત પ્રયાસો અને મહેનત થકી તેમણે આ પણ શક્ય કરી બતાવ્યું છે. કાર ડ્રાઈવિંગ ઉપરાંત, દિવ્યાંગોને સ્પર્શતા પ્રશ્રો વિશે તેમણે કરેલા અથાગ પરીશ્રમથી ઘણાં દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.
સમીરભાઇ અગાઉ ૭,૫૦૦ કિ.મીની ક્રોસ કન્ટ્રી કાર રેલીમાં ડ્રાઈવિંગ કરીને ભારત - નેપાળ - ભૂતાનનો પ્રવાસ ખેડી ચૂક્યા છે અને હવે તેઓ લંડન માટે રવાના થયા છે. સમીરભાઇ અને સાથી કારચાલકો ‘વર્લ્ડ પીસ રેલી’ અંતર્ગત સોમવાર - પહેલી જુલાઈએ કાર માર્ગે અમદાવાદથી લંડનનો ૧૭,૦૦૦ કિ.મી.નો પ્રવાસ શરૂ કર્યો છે. સાબરમતી આશ્રમે યોજાયેલા સમારોહમાં ગવર્નર ઓ. પી. કોહલીએ આ રેલીને વિદાય આપી હતી.

અમદાવાદથી લંડનની સફરમાં તેઓ ૧૫ દેશો અને ૧૦૫ શહેરો પસાર કરશે. ૧૦ કાર સાથે ૩૦ લોકોની ટીમ ૪૫ દિવસમાં આ પ્રવાસ પૂરો કરીને ૧૨ ઓગસ્ટે લંડન પહોંચશે. આ દરમિયાન તેઓ ૮ ટાઈમઝોનમાંથી પસાર થશે. ૧૫મી ઓગસ્ટે તેઓ લંડનમાં આંબેડકર હાઉસ ખાતે તિરંગો લહેરાવશે. સમીરભાઇની ઈચ્છા શાહી પરિવારના સભ્યોને મળવાની અને મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આશીર્વાદ મેળવવાની છે.
અમદાવાદના હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના ઉપક્રમે ચેરમેન ડો. નીતિન સુમન શાહના નેતૃત્વમાં યોજાયેલી આ કાર રેલીનો ઉદ્દેશ હાલ વિશ્વમાં અશાંતિ, વૈમનસ્ય, આતંકવાદ અને પરસ્પર દેશો વચ્ચે પ્રતિકૂળ વાતાવરણ સર્જાયું છે તેને દૂર કરીને સરહદો ઓળંગી શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનું છે.

દરરોજ ૧૨ કલાક ડ્રાઈવિંગ

આ કાર રેલી નેપાળ, ચીન, કઝાકિસ્તાન, રશિયા, બેલારુસ, પોલેન્ડ, ક્રિઝ રિપબ્લિક, ઓસ્ટ્રીયા, જર્મની, બેલ્જિયમ, ફ્રાંસ, નેધરલેન્ડ થઈને ઈંગ્લેન્ડ પહોંચશે. ટીમના સભ્યોનું ધ્યેય દરરોજ ૧૨ કલાકનું ડ્રાઈવિંગ કરીને દરરોજ ૪૦૦થી ૫૦૦ કિ.મી.નું અંતર કાપવાનું છે. આ કાર રેલીમાં લગભગ ૧૬,૫૦૦ કિ.મી સુધીનો પ્રવાસ જમીનમાર્ગે જ થશે. આ સમગ્ર પ્રવાસનો ખર્ચ વ્યક્તિદીઠ અંદાજે રૂ. ૧૨.૫૦ લાખ થશે. સમીર કક્કડના પ્રવાસનો ખર્ચ રેલીના આયોજક હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઉઠાવી રહી છે. આ કાર રેલી જે દેશમાંથી પસાર થશે તે દરેક દેશમાં પ્રવેશ વખતે તેમની કાર પર ભારતની નંબર પ્લેટ ઉપરાંત તે દેશની રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવામાં આવશે. કાર રેલી જે તે દેશની સરહદ છોડશે ત્યાં સુધી એસ્કોર્ટ ટીમ પણ સાથે રહેશે.

છ માસની વયે જ પોલિયોનો ભોગ

જન્મના છ મહિનામાં જ પોલિયોને લીધે લગભગ મૃત્યુ નજીક પહોંચી ગયેલા સમીર કક્કડને બચાવવા તેમના ડોક્ટર માતા-પિતાએ ઘણો પરિશ્રમ કર્યો હતો. જીવ તો બચ્યો, પણ તેઓ ૮૦ ટકા શારીરિક અક્ષમ થઈ ગયા. સ્કૂલ જીવન દરમિયાન પણ તેમને ઘણી મુશ્કેલીઓ નડી હતી. એક સમયે તો તેઓ ખૂબ હતાશ - નિરાશ થઈ ગયા હતા અને ‘સ્કૂલે તો નહીં જ જઉં’ તેમ માતા-પિતાને જણાવી દીધું હતું. આ સમયે માતા-પિતાએ તેમને સમજાવ્યા હતા કે તારે તો આ જ જગતમાં રહેવાનું છે. હિંમત અને આત્મવિશ્વાસ કેળવ અને આગળ વધ. માતા-પિતાના આ શબ્દોએ જાણે તેમનામાં ચેતનાનો, આત્મશ્રદ્ધાનો સંચાર કર્યો અને એક પછી એક પડકારો ઝીલતા ગયા.

દેશમાં પહેલું ઈન્ટરનેશનલ લાઈસન્સ

બે વર્ષ પૂર્વે ૨૦૧૭માં પણ સમીર કક્કડે કાર દ્વારા અમદાવાદથી લંડન જવાનું આયોજન કર્યું હતું, પરંતુ તેમને ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ ન મળતાં પ્રવાસ રદ કરવો પડ્યો હતો. જોકે, તેનાથી તેઓ સહેજ પણ નાસીપાસ થયા ન હતા કે હિંમત હાર્યા ન હતા. અમદાવાદ આરટીઓમાં તેમજ ઉચ્ચ સ્તરે સતત રજૂઆત કર્યા બાદ તેમને સફળતા મળી. ૨૦૧૯માં સમગ્ર ભારતમાં તેમને દિવ્યાંગ તરીકે પહેલું ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ ઈસ્યૂ કરાયું હતું.

કાર રેલીમાં ત્રીજું સ્થાન મેળવ્યું

૧૯૯૪માં તેમણે ઘણાં વિઘ્નો પાર કરીને સિયેટ દ્વારા આયોજિત ૧૦૦ કિ.મી.ની કાર રેલીમાં ભાગ લીધો હતો. તેમાં ૯૯ નોર્મલ સ્પર્ધકો હતા, અને સમીરભાઇએ પણ આ જ કેટેગરીમાં ભાગ લઇને રેલીમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ પડકારજનક કાર રેલીમાં કોઇ દિવ્યાંગ વ્યક્તિએ ભાગ લઇને ત્રીજું સ્થાન મેળવ્યું હોય તેવું આ પહેલી વખત બન્યું હતું. સમીરભાઇ કહે છે કે તકલીફોથી અટક્યા વગર આગળ વધતા રહેવાથી અચૂક સફળતા મળે જ છે. કોશિશનું કદ મોટું હશે તો કિસ્મતે પણ ઝૂકવું પડશે. તેમણે વિશ્વમાં સૌથી વધુ ઉંચાઈએ લેહ-લદાખમાં માત્ર ૩૦૦ કલાકમાં ૪,૮૦૨ કિ.મી.નું સેલ્ફ ડ્રાઈવિંગ કરવાનો વિક્રમ પણ રચ્યો છે.

ખાસ પ્રકારની કાર કીટ વિકસાવી

સમીરભાઇ જ્યાં પણ પડકાર જોયો છે હસતા મોઢે તેને ઝીલ્યો છે. તેમણે જોયું કે દિવ્યાંગ કાર ચલાવી શકે તેવી કોઇ સગવડ-સુવિધા જ નથી. તો તેઓ જાતે કામે વળગ્યા. વર્ષોની મહેનત બાદ તેમણે દિવ્યાંગો કાર ચલાવી શકે તે માટે ખાસ પ્રકારની કીટ વિક્સાવી છે. આ કીટ જમણા અથવા ડાબા હાથે કે પગે અથવા તો બન્ને હાથે-પગે દિવ્યાંગ હોય તેમને કાર ડ્રાઈવ કરવામાં ખૂબ મદદરૂપ થાય તેવી છે.
સ્ટીયરીંગ વ્હીલ પાસે ફીટ થતી આ ડ્રાઇવીંગ કીટને ભારત સરકારે પણ માન્યતા આપી છે. છેલ્લાં ૨૨ વર્ષમાં તેમણે લગભગ ૧૦,૦૦૦ કીટ બનાવી છે. આ કીટથી દિવ્યાંગોના આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થયો છે અને દિવ્યાંગો પોતે આવક ઉભી કરીને પરિવારને મદદરૂપ થાય છે.

અનેક માન-સન્માન

સમીરભાઇને ૨૦૧૭માં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ‘બેસ્ટ આંત્રપ્રિન્યોર’નો એવોર્ડ એનાયત થયો હતો. ૨૦૧૭માં જ તેમને દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતના હસ્તે ‘દિવ્યાંગોની સેવા માટે ઈન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડ’ અર્પણ થયો હતો તો ૨૦૧૦માં ગુજરાત સરકારે તેમને ‘ડિસેબલ્ડ એચિવર્સ ઓફ ધ યર એવોર્ડ’થી પોંખ્યા છે.

હવે ગિનેસ બુક પર નજર

સમીર કક્કડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, વર્લ્ડ એમેઝિંગ રેકોર્ડ્, યુનિક વર્લ્ડ વગેરેમાં સ્થાન મેળવી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમનું લક્ષ્ય ગિનેસ બુક છે. તેમણે આ સાહસની નોંધ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવાય તે માટે પણ રજૂઆત કરી છે કારણ કે ભૂતકાળમાં કોઈ પણ દિવ્યાંગે આટલા લાંબા પ્રવાસમાં ડ્રાઈવિંગ કર્યું હોય તેવું બન્યું નથી. ગિનેસ બુકના અધિકારીઓ જીપીએસ સિસ્ટમ મારફતે તેમના સમગ્ર પ્રવાસ પર નજર રાખશે અને રેલી પૂર્ણ થયા પછી વિક્રમની નોંધણી અંગે નિર્ણય લેશે.

દિવ્યાંગો માટે ઓટોમોબાઈલ ક્લબ

સમીરભાઇ દિવ્યાંગો માટે ઓટોમોબાઈલ ક્લબ પણ ચલાવે છે, જ્યાં દિવ્યાંગોને ટ્રાફિકના નિયમોનું પાલન અને રોડ સેફ્ટી વિશે માર્ગદર્શન આપવા ડ્રાઈવિંગ કૌશલ્યની તાલીમ પણ અપાય છે. સમીરભાઇ ગુજરાત આરટીઓની વર્કિંગ કમિટીના સભ્ય છે. દિવ્યાંગો માટે આરટીઓની પ્રક્રિયાને સરળ બનાવવા વિશે તેઓ આ કમિટીને સૂચનો આપે છે. તેઓ ઓલ ઈન્ડિયા હેન્ડીકેપ્ડ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ છે. આ સંસ્થા દિવ્યાંગ સમુદાયને તેના અધિકારો વિશે માહિતગાર કરે છે.

‘સુગમ્ય ભારત’ અને ચૂંટણી પંચના આઈકોન

સમીર કક્કડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૬માં શરૂ કરાવેલા ‘સુગમ્ય ભારત’ અભિયાનના આઈકોન છે. અભિયાનનો ઉદેશ દરેક બિલ્ડીંગમાં દિવ્યાંગ સરળતાથી પહોંચે તે માટે રેમ્પ તેમજ અન્ય સુવિધા ઉભી કરાવવાનો છે.
ભારતમાં યોજાતી ચૂંટણીઓમાં દિવ્યાંગોનું મતદાન ખૂબ ઓછું હોય છે કારણ કે મતદાન મથકે તેમના માટે પૂરતી સુવિધા હોતી નથી. જોકે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સમીર કક્કડને ગુજરાત ચૂંટણી પંચે આઈકોન નીમ્યા હતા. તેમના માર્ગદર્શનમાં મતદાન મથકો પર દિવ્યાંગો માટે કરાયેલી સુવિધાને લીધે આ વખતે મોટા ભાગના દિવ્યાંગોએ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો.

(આપ સમીર કક્કડનો ફોન નં. +91 - 94260 51000 અથવા 94260 65002 પર સંપર્ક કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter