લંડનઃ હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે ડુઆઈના મેયર ફ્રેડરિક શેરેઉ અને સ્થાનિક અધિકારીઓ સાથે ભોજન લીધું હતું તેમજ મહાનુભાવો સાથે ગિફ્ટ્સની આપ-લે કરી હતી. ડુઆઈ જુલાઈ 2030માં આ ઉત્સવની 500મી વર્ષગાંઠ ઉજવશે જેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવ 16મી સદીથી ચાલી આવતી ઊજવણી છે જેની શરૂઆત ડુઆઈની રક્ષા કરનારા સેન્ટ માઉરાન્ડને સન્માનવા માટે કરવામાં આવી હતી. આ ઉત્સવમાં સ્થાનિક હસ્તકૌશલ્યની પરંપરાઓ જીવંત બને છે. લોકો મોન્શ્યોર અને માદામ ગાયન્ટના વિશાળકાય પૂતળાં સાથે સમગ્ર નગરમાં સંગીતકારોના તાલ સાથે નાચતાફરતા ઘૂમે છે. ડુઆઈના મેયર દર વર્ષે હેરોના મેયરને ઉત્સવમાં હાજરી આપવા આમંત્રણ પાઠવે છે. બંને નગરો વચ્ચે છેક 1979થી ટ્વીન ટાઉન્સનો સંબંધ બંધાયેલો છે.
આ વર્ષની મુલાકાત વિસ્મરણીય રહી છે કારણકે ડેલિગેટ્સે 25 વર્ષમાં પહેલી વખત ડુઆઈમાંથી પસાર થઈ રહેલી ટુર દ ફ્રાન્સ નિહાળી હતી. વરસાદ હોવાં છતાં લોકો વિશ્વપ્રસિદ્ધ બાઈસિકલ રેસની ઝાંખી મેળવવા કલાકો સુધી રાહ જોતા ઉભા રહ્યા હતા. આ પરેડની વ્યવસ્થા સુનિયોજિત હતી અને કોલમ્બિયા, સ્વીડન, અને યુકે સહિત વિશ્વના દેશોમાંથી ડિસ્પ્લે ગ્રૂપ્સ આવ્યા હતા. મ્યુનિસિપલ બેન્ડ દ્વારા અદ્ભૂત કોન્સર્ટ રજૂ કરાયું હતું જેમાં બે સભ્યો 60 કરતાં વધુ વર્ષોથી ભાગ લેતા આવ્યા છે.
મેયર કાઉન્સિલર અંજના પટેલે જણાવ્યું હતું કે, ‘હેરોનું પ્રતિનિધિત્વ કરવાનું અને આપણા ટ્વીન ટાઉન ડુઆઈના મેયરને મળવાનું અહોભાગ્ય મળ્યું છે. લંડનના બરો તરીકે હેરોને 60 વર્ષ થયા છે અને ડુઆઈ સાથે કરુણા, આદર અને સહભાગી મૂલ્યોની 40 કરતાં વધુ વર્ષની મિત્રતાને પણ આપણે ઉજવીશું. લંડનથી ડુઆઈ પહોંચતા થોડા જ કલાક લાગે છે અને ટાઉનનું આતિથ્ય અભૂતપૂર્વ અને નગરજનો માયાળુ, વિવેકી, તેમની વિરાસતનું ગૌરવ ધરાવનારા છે. ફ્રાન્સની સંસ્કૃતિ અને ડુઆઈ કોમ્યુનિટીની હૂંફાળી ભાવનાની રચનાત્મક છબીનો અનુભવ સુંદર રહ્યો છે.’