નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશના સૌથી સન્માનિત નાગરિક પુરસ્કારની જાહેરાત કરી છે, જેમાં 45 એવા સામાન્ય નાગરિકો સામેલ છે. જેમણે સમાચારોમાં ચમકવાની મહેચ્છા રાખ્યા વિના ચૂપચાપ સમાજમાં કામ કર્યું છે.
સરકાર દ્વારા આ વર્ષે ‘અનસંગ હીરોઝ’ (અનામી નાયકો) પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. છેવાડાના વિસ્તારોમાં રહીને સમાજમાં મોટું પરિવર્તન લાવનાર અનેક લોકોની પદ્મશ્રી માટે પસંદગી કરાઇ છે. આવા લોકોમાં દુનિયાનું સૌથી મોટું નિઃશુલ્ક પુસ્તકાલય બનાવનારા પૂર્વ બસ કન્ડક્ટરથી લઈને એશિયાની પહેલી માનવ દૂધ બેન્ક શરૂ કરનારાં બાળરોગ નિષ્ણાત અર્મિડા ફર્નાન્ડિસ અને 90 વર્ષના દુર્લભ વાદ્ય કલાકારનો સમાવેશ
થાય છે.
પૂર્વ બસ કન્ડક્ટર અંકે ગૌડાએ દુનિયાનું સૌથી મોટું નિઃશુલ્ક પુસ્તકાલય ‘પુસ્તક માને’ બનાવ્યું છે. આ પુસ્તકાલયમાં 20 ભાષાના 20 લાખથી વધુ પુસ્તકો અને દુર્લભ પાંડુલિપિઓ છે. 75 વર્ષના અંકે ગૌડા કર્ણાટકના મૈસૂર પાસેના હરદનહલ્લી ગામમાં રહે છે. પુસ્તકપ્રેમી ગૌડાને સમગ્ર દેશના વિદ્યાર્થીઓ અને વાચકોને સશક્ત બનાવવાના અનોખા પ્રયાસ માટે પદ્મશ્રીથી સન્માનિત કરાશે.
ગૌડાની સાથે મુંબઈનાં બાળરોગ નિષ્ણાત અર્મિડા ફર્નાન્ડિસને પણ પદ્મશ્રી એનાયત થશે. તેમણે એશિયાની પહેલી માનવ દૂધ બેન્ક સ્થાપિત કરી અને શિશુઓનું જીવન બચાવવાની દિશામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ સિવાય મધ્ય પ્રદેશના બુંદેલી યુદ્ધકળા પ્રશિક્ષક ભગવાનદાસ રૈકવાર, મહારાષ્ટ્રના 90 વર્ષના જનજાતીય તરપાવાદક ભિકલિયા લાડકિયા ઢિંડા અને જમ્મુ-કાશ્મીરના સમાજ સેવક વૃજલાલ ભટ્ટનો પણ પદ્મશ્રી પુરસ્કારની યાદીમાં સમાવેશ કરાયો છે.


