અનિલ અંબાણી ગ્રૂપની આર્થિક કટોકટી હળવી થશેઃ દિલ્હી મેટ્રો સામેના ૬૩૨ મિલિયન ડોલરના આર્બિટ્રેશન કેસમાં વિજય

Friday 17th September 2021 06:31 EDT
 
 

નવી દિલ્હી: દેવાના બોજ તળે દટાયેલા અનિલ અંબાણી માટે નવમી સપ્ટેમ્બરનો દિવસ રાહતના સમાચાર લઈને આવ્યો હતો. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને દિલ્હી મેટ્રોલ રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) વિરુદ્ધ ૪ વર્ષની કોર્ટની લડાઈ બાદ આખરે જીત મળી છે. આ જીત અનિલ અંબાણી માટે એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે હાલ તેમની કંપનીને નાણાંની ખૂબ જ આવશ્યક્તા છે. હકીકતમાં ૨૦૦૮માં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે દિલ્હી મેટ્રો સાથે દેશની પ્રથમ ખાનગી સિટી રેલ સેવા ચલાવવા માટે સમજૂતી કરી હતી. જે મુજબ ૨૦૩૮ સુધી આ પ્રોજેક્ટ રિલાયન્સના હાથમાં રહેવાનો હતો.
જોકે ૨૦૧૨માં ફી અને ઓપરેશન બાબતે વિવાદ થયા બાદ અનિલ અંબાણીની કંપનીએ દિલ્હી એરપોર્ટ મેટ્રો પ્રોજેક્ટનું કામ સ્થગિત કરી દીધુ હતું. આટલું જ નહીં, અંબાણીની કંપનીએ દિલ્હી મેટ્રો વિરુદ્ધ કરાર તોડવાનો આરોપ મૂકીને આર્બિટ્રેશન કેસ દાખલ કર્યો હતો અને ટર્મિનેશન ફી માંગી હતી.
૨૦૧૭માં આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલે ડીએમઆરસી વિરુદ્ધ આદેશ આપ્યો હતો. ટ્રિબ્યુનલે ડીએમઆરસીને ૨૮૦૦ કરોડ રૂપિયાના આર્બિટ્રેશન એવોર્ડ સાથેની રકમ વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો હતો. જે બાદ વર્ષ ૨૦૧૮માં દિલ્હી હાઈ કોર્ટની સિંગલ જજની બેંચે પણ ટ્રિબ્યૂનલના આદેશને યોગ્ય ઠેરવીને વળતરની ચૂકવણી કરવા કહ્યું હતું.
જેના બીજા વર્ષે ૨૦૧૯માં દિલ્હી હાઈ કોર્ટની ડિવિઝન બેંચે આર્બિટ્રેશન એવોર્ડને ફગાવી દીધો. જેને અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેની સુનાવણીમાં ચુકાદો અનિલ અંબાણીની તરફેણમાં આવ્યો છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વાર્ષિક રિપોર્ટ મુજબ, આર્બિટ્રેશન એવોર્ડની કુલ રકમ વ્યાજ સહિત ૪૬૦૦ કરોડ રૂપિયા (૬૩.૨ કરોડ ડોલર)થી વધુ થવા જાય છે.
અનિલ અંબાણીને ફાયદો, રોકાણકારોને રાહત
બે જજોની બેંચનો આ નિર્ણય અનિલ અંબાણી માટે મોટી રાહત લઈને આવ્યો છે, કારણ કે તેમની ટેલિકોમ કંપની દેવાળું ફૂંકી ચૂકી છે. આ ચુકાદાથી રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર ૫ ટકા ઉછળ્યાં હતા. આ કેસની સુનાવણી દરમિયાન રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વકીલોએ કહ્યું હતું કે, આ રૂપિયાનો ઉપયોગ દેવું ચૂકવવામાં કરવામાં આવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter