એડમિન ક્યાં જોવા આવવાનો છે વિચારીને ગેમ શરૂ કરીઃ અંતિમ ટાસ્ક પ્રમાણે મરવા જતો હતો ત્યારે જ પોલીસે બચાવી લીધો

Thursday 07th September 2017 08:36 EDT
 
 

પોંડિચેરીઃ ૨૨ વર્ષીય યુવાન એલેક્ઝાંડર બ્લુ વ્હેલ ગેમના આખરી મુકામની આત્મહત્યા ચેલેન્જને પડકારતાં છઠ્ઠીએ પરોઢિયે ચાર વાગે છરીથી તેના કાંડા પરની નસ કાપી નાંખવા જઈ રહ્યો હતો ત્યારે અગાઉથી ગોઠવેલા છટકામાં પોલીસે તેના રૂમમાં જઈને તેને આવું કૃત્ય કરે તે પહેલાં જ ઝડપી લીધો હતો.

દેશભરના નાગરિકોમાં જાગૃતિ આવે એટલે પોંડિચેરી પોલીસે પત્રકારોને આમંત્રણ આપીને એલેકઝાન્ડરને તેની બ્લુગેમ જોડેની આપવીતી કહેવા કોન્ફરન્સ યોજી હતી. ત્યારે એલકઝાંડરે કહ્યું હતું કે, હું દેશના મારા ટીનએજરો અને યુવાનોને આજીજી કરું છું કે, પ્લિઝ બ્લુ વ્હેલ ગેમની ચુંગાલમાં ન ફસાતા. આ એક એવી ઓનલાઇન ગેમ છે કે જો ભૂલથી તેના એક ટાસ્કની શરૂઆત કરી તે પછી વારાફરતી તમને અપાતી ચેલેન્જને પાર પાડવા તમે કોઈ ગજબના ચક્રવ્યૂહમાં ફસાઈ જાવ છો. બે અઠવાડિયાના ટાસ્ક દરમિયાન તમને માનસિક રીતે આ ગેમ ખતમ કરી ચૂકી હશે. તમે જાણતા હો છો કે તમે મોતના મુખ તરફ સરકી રહ્યા છો તો પણ તમે મોતને ઓઢી લેવા તૈયાર થઈ જતા હો છો. એલેકઝાંડર આખરી બે અઠવાડિયાની યાદો જણાવતાં પણ ગભરાઈ જતો હતો. તેણે કહ્યું કે, તે ચેન્નાઈમાં એક કુરિયર કંપનીમાં નોકરી કરે છે. તેમના વ્હોટ્સ એપ ગ્રુપમાં કોઈએ અજાણતા જ લિન્ક મોકલી હતી. ‘બ્લુ વ્હેલ ગેમ’ ડાઉનલોડ કરવાની નથી હોતી તે કોઈ એપ પણ નથી. એલેકઝાંડરે કહ્યું કે, તેણે લિન્ક ખોલી અને ગેમ રમવાની શરૂ કરી. તેણે મનોમન કુતૂહુલ સાથે વિચાર્યું કે ચાલો જોઈએ તો ખરા કે અમુક ટાસ્ક કરીએ આત્મહત્યાનું ટાસ્ક આવશે એટલે છોડી દઈશું. એડમિન ક્યાં મારવા આવવાનો છે. પણ એલેકઝાંડર એક પછી એક ટાસ્ક ઝીલતા કોઈ ગજબના મનોસકંજામાં જકડાતો ગયો તેની મનોસ્થિતિ અને યાતના એ હદે ગૂંગળામણ પેદા કરતી જતી હતી કે કોઈને કહી પણ નહોતો શકતો અને સહી પણ નહોતો શકતો.

એલેકઝાન્ડરના જણાવ્યા પ્રમાણે તેને ૧૫ દિવસ સુધી રોજ રાત્રે ૧૨ પછી એક હોરર ફિલ્મ રૂમમાં એકલા બેસીને જ જોવાની રહેતી. પ્રત્યેક ટાસ્કના સેલ્ફી ખેંચીને એડમિનને મોકલવાના રહેતા. એક ટાસ્ક રાત્રિના બે વાગે કબ્રસ્તાન જવાનું હતું. મેં તેમ કર્યું અને ફોટો પણ મોકલ્યો. ચેન્નાઈથી રમત શરૂ કરી પણ એ હદે તેની પકડમાં આવ્યો કે શનિ- રવિની રજામાં વતન પોંડિચેરી કુટુંબ સાથે વીતાવવા આવ્યો, પણ તે પછી નોકરી પર પરત ગયો જ નહીં. મોટાભાઈને એલેકઝાંડરની વર્તણૂક શંકાસ્પદ લાગતાં તેણે તેના પર નજર રાખવાની શરૂ કરી. તે ગેમમાં તેના માટે અડચણરૂપ પણ બન્યું હતું. મોટાભાઈએ જ પોલીસને જાણ કરી હતી. એલેકઝાંડર અડધી રાતે રૂમમાં જતો પછી મોબાઇલમાં ખૂંપી જતો. ભાઈના જુદા વર્તનથી મોટાભાઈને જાણ થઈ ગઈ કે, એલઝાંડર આજે કંઈક વિચિત્ર કરવા જઈ રહ્યો છે. આખરી તેને તાળો મળ્યો કે બ્લુ ગેમ રમતો ભાઈ મોતનું ટાસ્ક પૂરું કરશે. એલેકઝાંડર છરીથી તેના કાંડાની નસ કાપવા જતો હતો ત્યાં જ પોલીસ રૂમમાં ધસી ગઈ. તેને પકડી લીધો હાલ એલેકઝાંડર મનોચિકિત્સકની સારવાર હેઠળ છે. બ્લુ વ્હેલને લીધે ભારતમાં પણ પાંચ આત્મહત્યાના કિસ્સા નોંધાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter