કલાકના ૨૧૩૦ કિમીની ઝડપે ઉડતા રાફેલનો કેમેરા મેદાનમાં પડેલા બોલનો પણ ફોટો પાડી શકે છે

Thursday 06th August 2020 05:38 EDT
 
 

ભારત હવે દુશ્મન દેશોના દાંત ખાટા કરવા માટે સજ્જ થઇ ગયો છે, ત્યારે રાફેલને જાણવું પણ જરૂરી છે, તેની ક્ષમતા અને તેના શસ્ત્રાસ્ત્રો તેમજ વિશેષતાઓથી પણ પરિચિત થવું જરૂરી છે. રાફેલની ઝડપ ૨૧૩૦ કિમી પ્રતિ કલાક છે, એટલે કે અવાજની ગતિથી બમણી. તે પરમાણુ હુમલા માટે પણ સક્ષમ છે. તેના નોઝ પરનું મલ્ટિ ડાયરેક્શનલ રડાર બે-ચાર નહીં, અનેક ટાર્ગેટ સાધી શકે છે. તેમાં લાગેલો ૧ ટનનો કેમેરો એટલો શક્તિશાળી છે કે જમીન પર પડેલા ક્રિકેટ બોલનો પણ ફોટો પાડી શકે છે. રાફેલની અન્ય ખૂબીઓ પણ જાણીએ...

• મિનિટમાં ૧૮ હજાર મીટર ઊંચે: પોતાના વજનથી દોઢ ગણો બોજ ઉપાડવા સક્ષમ વિશ્વનું એકમાત્ર ફાઇટર જેટ. રાફેલનું વજન ૧૧ ટન છે, અને તે ૧૬ ટન વજનના બોમ્બ - મિસાઇલ - ફ્યુઅલ વહન કરવા સક્ષમ છે. આટલો ભાર વહન કરવા છતાં રફાલ જેટ માત્ર એક જ મિનિટમાં ૧૮ હજાર મીટર ઊંચાઇને આંબી જાય છે. માત્ર ૪૫૦ મીટરના એરિયામાં તે લેન્ડિંગ કરી શકે છે. રાફેલ જેટ વિમાનવાહક જહાજ પરથી પણ ઉડ્ડયન શરૂ કરી શકે છે. દુશ્મનના વિસ્તારમાં ઘૂસી જઇને હુમલો કરવામાં પણ માહિર છે.
• શત્રુ મિસાઇલનો માર્ગ ભટકાવેઃ રાફેલમાં લાગેલી સ્પેક્ટ્રા ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સિસ્ટમ શત્રુના રડારને જામ કરી શકે છે અને પોતાની તરફ આવતી મિસાઇલથી સાવચેત કરે છે. આ સિસ્મ પ્લેન માટે પ્રોટેક્ટિવ શીલ્ડનું કામ કરે છે. દુશ્મન મિસાઇલના રડાર સિગ્નલ જામ કરી શકે છે અને શત્રુનાં સિગ્નલ નિષ્ક્રિય કરી શકે છે. તેમ છતાં પણ શત્રુ મિસાઇલ હુમલો કરે તો સ્પેક્ટ્રા ડિકોય સિગ્નલ છોડીને તે મિસાઇલનો રૂટ ખરાબ કરી દે છે, જેથી તે રસ્તો ભટકી જાય છે.
• અવાજ કરતાં બમણી ઝડપ: અવાજ કરતાં બમણી ઝડપે એટલે કે પ્રતિ કલાક ૨૧૩૦ કિમીની ઝડપે ઉડી શકતા રફાલની ફ્લાઈંગ રેન્જ સાડા દસ કલાકથી વધુ છે, એટલે કે સતત ૧૦ કલાકથી વધુ ઊડી શકે છે. આ દરમિયાન તેને ૬ વાર ઇંધણ ભરવાની જરૂર પડે, જે હવામાં જ ભરી શકાય છે.
• મિસાઇલ અને ફાયર પાવરઃ અણુશસ્ત્રો વહન કરવા પણ સક્ષમ રફાલ જેટ ચાર પ્રકારના મિસાઇલ સાથે લઇને ઉડે છે. તો છ પ્રકારના લેસર કે જીપીએસ ગાઇડેડ બોમ્બથી પણ સજ્જ છે. આશરે ૪૪ લાખ રૂપિયાથી માંડીને ૩ કરોડ રૂપિયાનો એક એવા આ બોમ્બનો ઉપયોગ આતંકવાદી સંગઠન આઇએસ પરના હુમલામાં થઇ ચૂક્યો છે. રફાલ રિવોલ્વર કેનનથી પણ સજ્જ છે, જે એક સાથે ૧૨૫ રાઉન્ડ અને પ્રતિ મિનિટ ૨૫૦૦ રાઉન્ડ ફાયર કરી શકે છે.

ખતરનાક મિસાઇલની ક્ષમતા

• હેમર મિસાઇલ: એક સાથે ૬ નિશાન સાધી શકતી આ મિસાઇલ ૭૦ કિલોમીટરના વિસ્તારમાં ત્રાટકી શકે છે. તે કોઇ પણ પ્રકારના બંકર કે સખત સપાટીને પણ ખેદાનમેદાન કરી શકે છે. હેમર મિસાઇલ કિટમાં અલગ અલગ પ્રકારના બોમ્બ પણ ફિટ કરાય છે.
• મીટિયોર મિસાઇલ: આ મિસાઇલ હવાથી હવામાં હુમલો કરી શકે છે. તે ૧૦૦ કિલોમીટરના વ્યાપમાં હુમલો કરી શકે છે.
• સ્કલ્પ ક્રૂઝ મિસાઇલ: રાફેલમાં સૌથી મારક મિસાઇલ ગણાતી સ્કલ્પ ક્રૂઝ મિસાઇલ ૩૦૦ કિલોમીટરના અંતર સુધી હુમલો કરી શકે છે.
• મિકા મિસાઇલ: હવાથી હવામાં હુમલો કરી શકે એવી આ મિસાઇલ ૮૦ કિલોમીટરની રેન્જમાં હુમલો કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter