ટાઇમ 100 પરોપકારીઃ મહેતાબંધુએ 70 હજાર બાળકોને કૂપોષણથી મુક્ત કર્યા તો રાજીવ શાહનું લક્ષ્ય છે 1 લાખ થાળી

Wednesday 20th May 2026 05:16 EDT
 
 

ન્યૂયોર્કઃ વિખ્યાત ‘ટાઈમ’ મેગેઝિને સમાજ કલ્યાણ અર્થે સખાવતની ગંગા વહાવનાર દાતાઓને સમાવતું ‘ટાઈમ100 ફિલાન્થ્રોપી’ લિસ્ટ જાહેર કર્યું છે. આ યાદી મુજબ દાનવીરો હવે પરંપરાગત સમાજ સેવા સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ પોતાની અખૂટ સંપત્તિથી સમગ્ર વ્યવસ્થામાં પરિવર્તન લાવી રહ્યા છે. આ દાનવીરોમાં ભારતીય અને ભારતવંશીઓ પણ છે. ગુજરાતના ટોરેન્ટ ગ્રૂપના મહેતા બંધુઓ આરોગ્ય સેવાઓની સાથે તળાવો-પ્રકૃતિનું સંરક્ષણ કરી રહ્યા છે, તો એચસીએલ ટેક્નોલોજીના શિવ નાદર જરૂરિયાતમંદ બાળકોને ભણાવીને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલી રહ્યા છે. ભારતવંશી રાજીવ શાહ બાળકોને શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક પહોંચાડવાના શપથ લઈ ચૂક્યા છે.
• શિવ નાદર: ખેડૂતો-મજૂરોના તેજસ્વી બાળકોના ભણતરનો ભારએચસીએલ ટેકનોલોજીના 80 વર્ષના સ્થાપકનું વિઝન ‘ક્રિએટિવ ફિલાન્થ્રોપી’ પર ટકેલું છે, જ્યાં પારદર્શિતા સૌથી મહત્વની છે. શિક્ષણને પરિવર્તનની ચાવી માનતા નાદર ‘વિદ્યાજ્ઞાન’ બોર્ડિંગ સ્કૂલો દ્વારા ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાંથી ગરીબ ખેડૂતો અને મજૂરોના તેજસ્વી બાળકોને પસંદ કરીને મફતમાં ભણાવે છે. આ વર્ષે બે બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં તેઓ ચાર વખત દેશના ટોચના દાનવીર રહ્યા છે. 2025માં તેમણે રૂ. 2660 કરોડનું દાન કર્યું હતું.

• સુધીર-સમીર મહેતાઃ પોણા બે લાખ બાળકોનું હેલ્થ ચેકઅપ આશરે 1.17 લાખ કરોડ રૂપિયાનું વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્ય ધરાવતા ટોરેન્ટ ગ્રૂપના માલિક સુધીર અને સમીર મહેતા બંધુઓએ 2024માં પિતા ઉત્તમભાઈ નાથુલાલ મહેતાની જન્મશતાબ્દી પર રૂ. 5000 કરોડનું દાન કરવાનો મહા-સંકલ્પ લીધો હતો. અમદાવાદમાં 30 હજાર ચોરસ ફૂટનું ન્યૂરો-રિહેબિલિટેશન સેન્ટર શરૂ કરાયું છે. તેમના ‘યુએનએમ ફાઉન્ડેશન’એ 10 વર્ષમાં પોણા બે લાખ બાળકોનું હેલ્થ ચેક-અપ, 70 હજાર ભૂલકાંને કુપોષણમાંથી મુક્તિ અપાવી છે.

• રાજીવ શાહઃ 30 કરોડ આફ્રિકનોને વીજળીથી જોડવાનું મિશન રાજીવ જે. શાહ ભારતીય મૂળના અમેરિકન નેતા છે, તેઓ2017થી 5.5 લાખ કરોડના રોકફેલર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ છે. યુટ્યુબર મિ. બીસ્ટ સાથે મળીને કેન્યામાં સ્કૂલ કિચન ખોલ્યું. 1 લાખ ભોજનની થાળીનો લક્ષ્યાંક છે. મિશન 300 હેઠળ 2030 સુધીમાં તેઓ 30 કરોડ આફ્રિકનોને વીજળીથી જોડવા અને બાળકો માટે 5 હજાર કરોડની રકમથી પૌષ્ટિક અને શુદ્ધ ભોજન ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. બરાક ઓબામા સરકારમાં યુએસએડ (USAID)ના પ્રમુખ રહી ચૂકેલા શાહ કહે છે, ‘દરેક જિંદગી કિંમતી છે’.

• દીપક ભાર્ગવ: વિશ્વમાં પરોપકારથી લોકશાહીને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ દીપક ભાર્ગવ લાંબા સમય સુધી એક્ટિવિસ્ટ રહ્યા છે. 2024માં ફ્રીડમ ટુગેધર ફાઉન્ડેશનની કમાન સંભાળી હતી. તેઓ માને છે કે, મૂળભૂત અધિકારો અને લોકશાહી પર તોળાતા જોખમોના આ સમયમાં પરોપકારની રીત પણ અસાધારણ હોવી જોઈએ. સામાન્ય રીતે ટ્રસ્ટ સંપત્તિના 5 ટકા દાન કરતું હોય છે, પરંતુ ભાર્ગવે તેને 10 ટકા સુધી પહોંચાડ્યું. 2025માં સંસ્થાએ રૂ. 3,300 કરોડ આપ્યા, જેમાં 70 ટકા લોકશાહીનો પાયો મજબૂત કરવા માટે વપરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter