નર્મદા ડેમના વિસ્થાપિતો ઓગસ્ટ સુધી સ્થળાંતર કરે: સુપ્રીમ કોર્ટ

Wednesday 15th February 2017 05:40 EST
 
 

ગાંધીનગરઃ સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર લગાવાયેલા રેડિયલ દરવાજા આવતા ચોમાસે બંધ કરી શકાય તેવા સંજોગો ઊજળા બન્યા છે. જોકે આ માટે ગુજરાત સરકારે આશરે રૂ. ૪૫૦ કરોડનું જંગી આંધણ કરવું પડશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે નર્મદા પરિયોજનાના બાકી વિસ્થાપિતો સંદર્ભે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેને કારણે ગુજરાતને સરવાળે લાંબે ગાળે મોટો ફાયદો થઈ શકે.
સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ પુનર્વસન થાય અને જરૂરી મંજૂરી મળે તો નર્મદા ડેમના દરવાજા સપ્ટેમ્બરમાં બંધ થઈ શકશે. જો આવતા ચોમાસે નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્ય પ્રદેશ ખાતે સારો વરસાદ થાય તો ડેમ સંપૂર્ણપણે ભરી શકાશે ખરો, પરંતુ નર્મદા કેનાલોનું કામ હજી ઘણું બાકી છે. ગુજરાત સરકારની આ બેદરકારીને કારણે ખેડૂતોને સાચો લાભ મળતાં હજી વર્ષો નીકળી જશે.
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના કુલ મળીને ૬૮૧ વિસ્થાપિત પરિવારો જેમણે આજ સુધી પુનર્વસન પેકેજ સ્વીકાર્યું નથી તેમને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ. ૩૦ લાખ ચૂકવવાનો તથા અન્ય ૩૫૮ વિસ્થાપિત પરિવારો જેમને કેટલીક રકમ ચૂકવાઈ છે તેમને તે રકમ બાદ કરતાં પરિવારદીઠ રૂ. ૧૫ લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે.
સાથોસાથ અદાલતે આ વિસ્થાપિતોને આ ચુકવણું થયા બાદ ઓગસ્ટ-૨૦૧૭ સુધીમાં હાલની તેમની જગ્યા ખાલી કરી દેવાનો પણ સ્પષ્ટ આદેશ આપ્યો છે. આને લીધે તમામ ચુકવણાં પછી આવતા સપ્ટેમ્બરમાં સારો વરસાદ થાય તો ડેમના તમામ ૩૦ રેડિયલ ગેટ્સ બંધ કરી શકાશે.
સૂત્રો કહે છે કે, અત્યારે કેવડિયા ખાતે નર્મદા ડેમમાં ૧.૨૭ મિલિયન એકર ફૂટ પાણી ભરી શકાય છે, ડેમના દરવાજા બંધ થતાં અત્યારના જથ્થા કરતાં ચાર ગણું એટલે કે ૪.૭૫ મિલિયન એકર ફૂટ પાણી ડેમમાં ભરી શકાશે.
આ સૂત્રો એમ પણ કહે છે કે, ૬૮૧ વિસ્થાપિત પરિવારોને રૂ.૪૦૯ કરોડનું તથા અન્ય ૩૫૮ વિસ્થાપિત પરિવારોને બાકી રકમ મળીને આશરે રૂ. ૪૦ કરોડનું ચુકવણું કરવા માટે ગુજરાત સરકારે નર્મદા ટ્રિબ્યૂનલના ચુકાદા પ્રમાણે આ રકમ મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર સરકારોને ચૂકવવી પડશે.
લાભ મળતાં વર્ષો થશે
ગુજરાતમાં નર્મદા યોજનાની નહેરો બનાવવાની કામગીરી જોઇએ તો, ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૬ની સ્થિતિએ ૨૭,૪૨૧ કિલોમીટરની નહેરો બનાવવાની બાકી છે. જેનું પ્રમાણ કુલ કામગીરીના ૩૮.૨૧ ટકા થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ૨૦૨ કિલોમીટરની શાખા નહેરો, ૫૬૮ કિલોમીટરની વિશાખા નહેરો એટલે ડિસ્ટ્રિબ્યુટરીઝ, ૪,૦૦૭ કિલોમીટરની માઈનોર નહેરો તેમજ ૨૨,૬૪૩ કિ.મી.ની સબ માઈનોર નહેરો બાંધવાની બાકી રહે છે. કુલ ૪૫૮ કિલોમીટરની મુખ્ય નહેર તો માર્ચ ૨૦૦૭માં પૂર્ણ થયેલી છે. આ સૂત્રો એવો દાવો કરે છે કે, નર્મદાનું આ બાકી કામ જૂન ૨૦૧૮માં પૂર્ણ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter